આપણી વ્હાલી, આપણું ગૌરવ”* *વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે “વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૩”ની ઉજવણી* ————
*"આપણી વ્હાલી, આપણું ગૌરવ"*
*વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે "વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૩"ની ઉજવણી*
------------
*ગુજરાતના દરિયાકાંઠે વ્હેલ શાર્કના સંરક્ષણ માટે બે દાયકાથી સફળ સહ-સંચાલન*
------------
*સાગરખેડૂઓના હકારાત્મક અભિગમ અને સરકારના અથાગ પ્રયત્ન થકી ગુજરાતના દરિયાકિનારે વ્હેલ શાર્કને મળી રહી છે સલામતી*
------------
*મહાનુભાવોના હસ્તે "વ્હાલી વ્હેલ શાર્ક - ગુજરાતનું દરિયાઈ વન્યજીવ ગૌરવ" પુસ્તિકાનું થયું વિમોચન*
------------
ગીર સોમનાથ, તા.૧૨: ગુજરાત વન વિભાગ તેમજ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, પ્રોજેક્ટ પાર્ટનર ટાટા કેમિકલ્સ લિમિટેડ તેમજ ગુજરાત રાજ્યના દરિયાકિનારે વસતા માછીમાર સમુદાય સાથે મળીને ૧૬૦૦ કિ.મી લાંબા દરિયાકિનારે વ્હેલ શાર્કના સંરક્ષણ માટે ઘણી ઉત્તમ કામગીરી કરી છે. વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ આવે તેવા હેતુસર ફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે "ગુજરાત વ્હેલ શાર્ક દિવસ - ૨૦૨૩"ની ઉજવણી કરવામાં આવી હતી.
વ્હેલ શાર્ક માછલીને વનવિભાગના નિયમો હેઠળ રક્ષણ પણ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ફિશરીઝ કોલેજ ખાતે ચોક્સી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 'સેવ ધ વ્હેલ શાર્ક' નાટકની પ્રસ્તુતી કરીને સરકારની દરિયાઈ પ્રવૃત્તિઓને સંલગ્ન વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ તકે, વિવિધ તજજ્ઞોએ ટેક્નોલોજીના માધ્યમથી તેમજ વિવિધ ઉપકરણોના ઉપયોગથી વ્હેલ શાર્ક માછલીને કેવી રીતે બચાવી શકાય? તે અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે "વ્હાલી વ્હેલ શાર્ક - ગુજરાતનું દરિયાઈ વન્યજીવ ગૌરવ" પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્ય વન સંરક્ષક જુનાગઢ શ્રી ડૉ.કે રમેશે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વની અંદર વ્હેલ શાર્ક બચાવવાના અથાગ પ્રયત્ન થઈ રહ્યા છે. તમામ વિશ્વના લોકોએ પોતાની ફરજ સમજીને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શક્ય એટલા તમામ પ્રયત્ન કરવા જોઈએ. ભૂતકાળમાં આ પ્રજાતિનો ઘણો શિકાર થતો હતો પરંતુ છેલ્લા બે દાયકાઓમાં સ્થિતિમાં ઘણો જ બદલાવ આવ્યો છે અને સંરક્ષણમાં વધારો થયો છે. આ દિશામાં સરકાર દ્વારા પણ ઉત્તમ પગલાઓ લેવામાં આવ્યા છે. આ રીતે જ ઈકોસિસ્ટમને અનુસરી હળીમળીને પ્રયત્નો કરવાથી હજુપણ ઉત્તમ પરિણામો મેળવીશું એવી શુભકામના.
ઉલ્લેખનીય છેકે, વ્હેલ શાર્ક વિશ્વની સૌથી મોટી માછલી છે. જેનું આયુષ્ય ૭૦ થી ૧૦૦ વર્ષનું હોય છે. જે પોરબંદર-દ્વારકાથી માંગરોળ, સોમનાથ અને સુત્રાપાડાના દરિયામાં પ્રતિવર્ષ ઓક્ટોબરથી માર્ચ મહિનામાં નિયમિત રીતે ખોરાક મેળવવા અને બચ્ચાંઓને જન્મ આપવા આવતી હોય છે. સરકારે આ પ્રજાતિને કાયદાકિય સંરક્ષણ આપ્યું છે અને વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે એવા સઘન પ્રયત્નો થઈ રહ્યાં છે.
આ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક જુનાગઢ શ્રી ડૉ.કે રમેશ, નાયબ વન સંરક્ષક જુનાગઢ શ્રી અક્ષય જોશી, વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કે.ડી.પંપાણિયા, ફિશરિઝ કોલેજ પ્રિન્સિપલ શ્રી યુસુફઝઈ, ફિશરમેન એસોસિએશન પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયા તેમજ ટાટા કેમિકલ્સના પ્રતિનિધિઓ, વનવિભાગ અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.