કોમ્પ્યુટર સ્પેર પાર્ટ્સના ધંધાર્થી સાથે રૂા.12 લાખની છેતરપિંડી: સોની વેપારી દિવ્યેશ આડેસરા બુચ મારી ફરાર
કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્કમાં રહેતાં અને હાથિખાનામાં શ્રી કોમ્પેલેક્ષમાં દુકાન નં.402 માં કોમ્પ્યુટરના સ્પેર પાર્ટ્સના ધંધા સાથે સંકળાયેલ વેપારી સાથે સોની વેપારી દિવ્યેશ આડેસરાએ રૂ.12 લાખની છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાઈ હતી. વેપારી સાથે વિશ્ર્વાસ કેળવી હાથ ઉછીના લીધેલ રૂપીયા ન આપી ઘરને તાળું મારી આરોપી નાસી છૂટ્યો હતો.
બનાવ અંગે કાલાવડ રોડ પર જડ્ડુસ હોટલ પાસે આવેલ એવરેસ્ટ પાર્ક શેરી નં.04 માં રહેતાં પરાગભાઇ દીનેશભાઇ સંચાણીયા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિવ્યેશ દિનેશચંદ્ર આડેસરા (રહે. પ્રહલાદ પ્લોટ શેરી નં.42, ચબુતરા પાસે) નું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને હાથિખાનામાં આવેલ શ્રી કોમ્પેલેક્ષમાં દુકાન નં.402 માં કોમ્પ્યુટરના પાર્ટ તેમજ કોમ્પ્યુટર સ્ક્રીન તથા લેપટોપ વગેરેનું વેંચાણ તેમજ રીપેરીંગનું કામ કરૂ છું. પાંચ વર્ષ પહેલા તેમના મીત્ર ભાસ્કરભાઈ રાણપરા દ્વારા દિવ્યેશ આડેસરાનો સંપર્ક થયેલ હતો. તેઓ પ્રલાદ પ્લોટ શેરી નં.42 ચબૂતરા ચોક પાસે રહે છે અને સોના ચાંદીનો શો-રૂમ ધરાવે છે. તેઓ અવારનવાર ફરિયાદીની દુકાને આવતા અને પોતાના સોના ચાંદીના શો રૂમ માટે દુકાનેથી કોમ્પ્યુટરની સ્ક્રીન તેમજ લેપટોપની ખરીદ કરવા આવતા હતાં.
જેથી બન્ને વચ્ચે મીત્રતા થયેલ હતી અને ફરિયાદીને ક્યારેક પૈસાની જરૂરીયાત હોય તો દિવ્યેશ પાસેથી પૈસા હાથ ઉછીના લેતો અને તેઓને કયારેક પૈસાની જરૂરીયાત હોય તો તેઓને હાથ ઉછીના પૈસા આપતાં હતાં. તેઓ સમયસર પૈસા પરત આપી દેતા હતા.
ગઈ તા. 01/08/2022 ના દિવ્યેશ આડેસરા દુકાને આવેલ અને જણાવેલ કે, મારે સોના ચાંદીના ધંધા માટે મારે રૂ. 12 લાખની જરૂરીયાત છે અને હું તમને એકાદ મહીનામાં તમારા રૂપીયા પરત ચુકવી આપીશ તેમ વાત કરતા તા.02/08/2022 ના આરોપીને આર.ટીજી.એસ. થી રૂ.12 લાખ તેઓના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ હતા.
ત્યારબાદ સાત મહીના પછી દિવ્યેશ આડેસરા પાસે રૂ.12 લાખની માગણી કરતા તેને થોડા દીવસમાં રૂપીયા આપુ છુ તેમ જણાવી આજ સુધી ખોટી ખોટી મુદત આપતો હતો. ત્યારબાદ તેઓના ઘરે જઈ તપાસ કરતા આરોપી પોતે પોતાનું ઘરે તાળા મારીને કયાંક જતો રહેલ હતો. જેથી આરોપીને ઉછીના આપેલ રૂ.12 લાખ ઓળવી જઈ નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી. એચ.પરમાર અને ટીમે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.