નડિયાદ શહેરમાં 2 દિવસમાં 55 થી વધુ ગાય પકડવામાં આવી
- શહેરમાં અનેક સ્થળે અડિંગો જમાવતા ઢોર જોખમી બન્યા- રખડતી ગાયો અને આખલાઓ દ્વારા રાહદારીઓ અને વાહનચાલકોને શિંગડે ચઢાવવાના કિસ્સા વધ્યાનડિયાદ : નડિયાદ શહેરમાં રખડતી ગાયો નગરજનો માટે માથાનો દુઃખાવો બની છે. ત્યારે નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બે દિવસમાં પંચાવન જેટલી ગાયોને પકડી ઢોર ડબ્બામાં પૂરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.શહેરી વિસ્તારમાં પશુપાલકો ગોપાલકો દ્વારા ગાયોને છૂટી મૂકી દેવાની બાબત સામાન્ય બની ગઈ છે. જાહેર માર્ગો પર રખડતી ગાયો વહીવટી તંત્ર માટે મસમોટી સમસ્યા બની છે. આ ગાયોના મુદ્દે હાઇકોર્ટની કડક ટકોર છતા ગોપાલકો પર તેની કોઈ અસર થઈ હોય તેમ જણાતું નથી. ત્યારે નડિયાદ શહેરમાં ચારે બાજુ જાહેર રસ્તાઓ અડિંગો જમાવી બેઠેલી ગાયોની સમસ્યા નગરજનો અને પાલિકા તંત્ર માટે માથાનો દુઃખાવો બની છે. છાશવારે રખડતી ગાયોના ત્રાસ માંથી મુક્તિ અપાવવા નડિયાદ નગરપાલિકા દ્વારા ગાયોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઘણી વખત પાલિકાના કર્મચારીઓને ગાયોના માલિક સાથે ઘર્ષણ થવાના બનાવો બનતાં હોય છે. તેમજ ઘણી વખત પશુના માલિકો દાદાગીરી કરી ઢોર ડબ્બામાં પૂરેલા ઢોરને છોડાવી જવાના બનાવો પણ બનતા હોય છે. ત્યારે નગરપાલિકા એ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બે દિવસ માં કુલ ૫૫ જેટલી ગાયો પકડવામાં આવી છે. નગરપાલિકા પાસે આ રખડતા પશુઓ ને પુરવા માટે બે ઢોર ડબા અમદાવાદી બજારમાં ૪૫ પશુની ક્ષમતા ધરાવતો તેમજ સલુણ બજારમાં ૧૫ પશુઓ રાખવાની જગ્યાની ક્ષમતા ધરાવતા ઢોર ડબ્બા ની સુવિધા છે. નગરપાલિકા દ્વારા બે દિવસમાં પકડેલા ૫૫ ગાયો માંથી માંડ ૧૫ ગાયોના માલિક તેમની ગાયો છોડાવી ગયા છે. આ ગાયોના માલિક પાસેથી એક દિવસના ૩૦૦ લેખે ૧૫ ગાયો પેટે રૂ.૪,૫૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ૪૦ જેટલી ગાયોને તેના માલિક પોતાની ગાયોને છોડાવી જવા હજી સુધી આવ્યાં નથી. ડબામાં પૂરેલ પશુઓને સાત દિવસમાં તેના માલિક છોડાવવા ન આવે તો આ ગાયોને શહેરની બહાર લઈ છોડી મૂકવાનો નિયમ છે તે મુજબ આ ગાયોને પણ સાત દિવસ બાદ શહેર બહાર છોડી મૂકવામાં આવશે. તેમ નગરપાલિકા ફાયર બ્રિગેડના અધિકારી કમલેશભાઈએ જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.