ખોદકામ દરમિયાન મળેલા સોનાના સિક્કા વેંચવાના નામે વેપારી બંધુ સાથે છ લાખની છેતરપીંડી - At This Time

ખોદકામ દરમિયાન મળેલા સોનાના સિક્કા વેંચવાના નામે વેપારી બંધુ સાથે છ લાખની છેતરપીંડી


પરાબજારમાં દુકાન ધરાવતા બે વેપારી ભાઈઓને મોરબીમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યાનું અને તેને સસ્તામાં આપવાનું જણાવી ગઠીયા ટોળકી રૂ.6 લાખનો ચૂનો ચોપડી ભાગી ગઇ હતી. એ.ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ અને મોબાઈલની કોલ ડીટેઇલના આધારે ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે પરાબજારના કૃષ્ણપરા શેરી નં.1માં ખાનપરા બાપજી ટાવરમાં રહેતા અને પરાબજારમાં રાજ ટ્રેડર્સ નામની તાલપત્રીની દુકાન ધરાવતાં તાહીર અસગરઅલી હથીયારી (ઉ.વ.30) મૂળ અમરેલીના ચિતલના વતની છે. ભાઈ હુસેન સાથે મળી દુકાન ચલાવે છે.
તેણે પોલીસને જણાવ્યું કે, ગત નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તે અને તેનો ભાઈ દુકાને હાજર હતા ત્યારે અજાણ્યો શખ્સ તાલપત્રી ખરીદવા આવ્યો હતો. જેણે કહ્યું કે હું મોરબીમાં ઠેકેદાર સાથે કામ કરું છું. ત્યાં ખોદકામ દરમિયાન થેલામાંથી સોનાના સિક્કાનો જથ્થો મળી આવ્યો છે. જે હાલ મારી પાસે છે.હું મજૂર હોવાથી મારી પાસેથી કોઈ આ સોનાના સિક્કાની ખરીદી કરશે નહીં. જેથી તેને વેચાવી દેવામાં તમે મારી મદદ કરો.
આ વાત સાંભળી તેણે કહ્યું કે, તમે સેમ્પલ માટે એક સિક્કો આપી જજો. જે હું કોઈને દેખાડીને જોઈશ. ત્યારબાદ તે શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો. અઠવાડિયા પછી ફરીથી દુકાને આવી તાલપત્રીની ખરીદી કરી સેમ્પલ માટે એક સિક્કો આપ્યો હતો. આ વખતે તેના મોબાઈલ નંબર મેળવી સિક્કો દેખાડી દીધા બાદ પોતાને જણાવવાનું કહ્યું હતું. તેણે સિક્કો જોતા તે જૂનો અને તેમાં ઉર્દુમાં કાંઇક લખેલું હોવાનું દેખાયું હતું. બીજા દિવસે તેણે સોની બજારમાં જઈ વેપારીને સિક્કો દેખાડતા જાણવા મળ્યું કે આ સિક્કો સોનાનો છે. તેનું વજન 1.4 ગ્રામ છે. આ રીતે સિક્કો સોનાનો હોવાની તેને જાણ થઇ હતી. જેથી દુકાને આવીને તેણે સિક્કો આપનારને કોલ કરી જણાવ્યું કે આ એક સિક્કાના રૂ.690 મળશે.
આ વાત સાંભળી સિક્કો આપનારે જણાવ્યું કે, મારી પાસે આવા બે થી ત્રણ કિલો સિક્કા છે, જે હું તમને આપી જઈશ, વજન પર આ તમામ સિક્કા આપી રૂપિયા લઇ જઈશ. ત્યારબાદ સિક્કા આપનાર સાથે સિક્કા ક્યા આપી જવા તે બાબતે વાતચીત થતી હતી. તે અને તેનો ભાઈ દુકાને ડીલ કરવા માગતા હતા. પરંતુ સિક્કા આપનાર કોઇ હાઇવે પર આવવાનું કહેતો હતો.
એટલું જ નહીં એક દિવસ સિક્કા આપનારે પોતાની માતા હોવાનું કહી એક મહિલા સાથે વાત કરાવી હતી. જેમાં તે મહિલાએ કહ્યું કે, તમારે હાઇવે પર જ સિક્કા લેવા આવવું પડશે. અમે બહારના છીએ, જો કોઈને અમને સિક્કા મળ્યાની જાણ થશે તો અમને ખોટા સલવાડી દેશે. આ રીતે સિક્કાની ડીલીવરી કઈ જગ્યાએ લેવી તે બાબતે સતત વાતચીત થતી હતી. આખરે તેણે દુકાને જ સિક્કાની ડીલીવરી લેવાનું મક્કમતાથી નક્કી કરી જણાવી દીધું હતું. જેથી સામાવાળો પણ તૈયાર થઇ ગયો હતો. તેણે કહ્યું કે હું સિક્કા લઇને આવું છું, તમે પાંચથી છ લાખ રૂપિયા તૈયાર રાખજો.
આ રીતે વાતચીત થયા બાદ તેણે અને તેના ભાઇએ યુટ્યુબમાં સોનાની પરખ કઇ રીતે કરવી તેની માહિતી મેળવી હતી. એક વીડિયોમાં જણાવાયું હતું કે સોનુ અસલી હશે તો નાઇટ્રીક એસિડમાં નાખતા તેમાં કોઇ રિએકશન નહીં આવે. પરિણામે તે કોઠારીયા નાકા ચોકી પાસે આવેલી દુકાનેથી નાઇટ્રિક એસિડ લઇ આવ્યા હતાં. ગઇકાલે રાત્રે સામાવાળો દુકાને આવ્યો હતો. જેણે સિક્કા ભરેલી પોટલી તેને આપી હતી. સામાવાળા સાથે બે અજાણ્યા શખ્સો પણ હતાં. તેણે પોટલીનું વજન કરતાં પોણા બે કિલોની થઈ હતી.
તેણે સિક્કા ચેક કરવાનું કહી પોટલીમાંથી છ સિક્કા આપવાનું કહેતા સામાવાળાએ છ સિક્કા આપ્યા હતાં. જેને નાઇટ્રિક એસિડવાળા કાચના બાઉલમાં નાખતા કોઇ રિએકશન આવ્યું ન હતું. જેથી તે સિક્કા સોનાના હોવાનું નક્કી થઇ ગયું હતું. તેણે વધારે સિક્કા ચેક કરવા માગતા સામાવાળાએ વધુ બે સિક્કા આપ્યા હતાં. તે પણ સોનાના હોવાનું જણાયું હતું.થોડીવાર બાદ તેણે વધુ સિક્કા ચેક કરવા માટે માગતા સામાવાળા અને તેની સાથેના અજાણ્યા શખ્સો છંછેડાઈ દુકાનની બહાર જતા રહ્યા હતાં. એટલું જ નહીં એમ પણ કહ્યું કે, તમને અમારી ઉપર વિશ્વાસ નથી. આમ કહી ચાલતી પકડી હતી. પરંતુ તેના ભાઇ હુસેને જઈ ત્રણેયને ફરીથી દુકાને લઇ આવી રૂ.છ લાખ તાલપત્રીમાં વિંટાળીને આપી સિક્કા લઇ લીધા હતા.
ત્યારબાદ પોટલીમાંથી મૂઠ્ઠી ભરીને સિક્કા લઈ તેને નાઇટ્રિક એસિડવાળા બાઉલમાં નાખતા જ ધૂંમાડો નીકળવા લાગ્યો હતો. જેથી સિક્કા નકલી હોવાની જાણ થતા તત્કાળ ભાઈ સાથે મળી ત્રણેય ગઠીયાઓની શોધખોળ કરી હતી પરંતુ પત્તો નહીં મળતા એ.ડિવિઝન પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસે છેતરપીંડી આચરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.