હર ઘર તિરંગા કાર્યક્રમઃ મનપા દ્વારા ર લાખ રાષ્ટ્રધ્વજનું વેંચાણ કરાશેઃ તિરંગો માહોલ સર્જાશે
રાજકોટ તા. રર : કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનના ભાગરૂપે મનપા દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા મ્યુ. કમિ. અમિત અરોરાએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા કાર્યક્રમ માટે મનપા દ્વારા ર લાખ તિરંગાનું વેંચાણ કરવામાં આવનાર છે.
તેમણે વધુમાં જણાવેલ કે, આ કાર્યક્રમની શરૂઆત તા. ૧૩ ઓગસ્ટથી થશે. જેમાં રૂા. રર થી રપ લેખે નાગરીકો, અને સંસ્થાઓને તિરંગાનું વેંચાણ કરવામાં આવશે. ૧પ ઓગસ્ટ સુધી ચાલનાર કાર્યક્રમ અંતર્ગત લોકો અને સંસ્થાઓ પોતાના ઘરે અથવા પરિસરમાં દેશભાવનાથી રાષ્ટ્રધ્વજ ફરમાવે તેવો આશય છે.
આ કાર્યક્રમ અંગે મનપા તંત્ર દ્વારા બે-ત્રણ દિવસમાં જ ધાર્મિક અને શૈક્ષણીક સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવશે. જયારે વેચાણ કરાયેલ ૩૦ × ર૦ મીટરના રાષ્ટ્રધ્વજને સન્માન પૂર્વક ઉતારવાની જવાબદારી મનપા તંત્ર દ્વારા કરવામાં આવશે.
હર ઘર તિરંગા યોજના અંતર્ગત રાજયના તમામ શહેરો-નગરોમાં ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહો સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરમાવી દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલ શોપીંગ મોલ્સ, બસ સ્ટેશન તથા લોકોની વધુ અવરજવર હોય તેવા સ્થળોએ રાષ્ટ્રધ્વજ વેચાણ માટેના સ્ટોલ લગાડવામાં આવશે. જેથી લોકો સરળતાથી તિરંગાની ખરીદી કરી શકે.ઉપરાંત સામાજીક સંગઠનો તથા સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હર ઘર તિરંગા કાર્યક્રમમાં તમામ લોકો ઉત્સાહભરે જોડાય અને તમામ વોર્ડના ઘરો ઉપર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે તે માટે મનપા દ્વારા વોર્ડ વાઇઝ આ અંગે આયોજન કરવા કવાયત હાથ ધરાશે. સાથે જ ઔદ્યોગિક સમુહ તથા વ્યાપારી સંગઠનના આગેવાનો સોથ બેઠક કરી તેમનો પણ સહયોગ મેળવવા અને પ્રોત્સાહીત કરવા આયોજન ઘડી કઢાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.