ગુજરાત મોડેલની વાસ્તવિકતા : મોતના મુખમાં ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવવા બાળકો મજબૂર : દાહોદ શહેરની મધ્યમાં આવેલ ૧૩ ઓરડા ધરાવતી પ્રાથમિક શાળાની બિલ્ડીંગ જર્જરિત અવસ્થામાં
દાહોદ તા.૩૧
સ્માર્ટસીટી દાહોદના મધ્યમાં આવેલી ૧ થી ૮ ધોરણ ધરાવતી જર્જરિત ઓરડાઓમાં બાંધેલી નેટની નીચે મોતના મુખમાં ભયના ઓથાર હેઠળ પ્રાથમિક શાળામાં ૨૮૭ નાના ભૂલકાઓ શિક્ષા મેળવવા મજબૂર બન્યા છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પોતાનું બાળક સાંજે શાળામાંથી સુરક્ષિત રીતે ઘરે પરત ફરે તેવી કામના કરતા નાના ભુલકાઓના વાલીઓ આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી પોતાના વહાલ સોયા બાળકને જીવના જાેખમે ભણતર મેળવવા મોકલી રહ્યા છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના અમૃતકાળમાં સરકાર અને સિસ્ટમને શર્મસાર કરતી તસ્વીરે તો કોઈને વિચાર કરવા મજબૂર કરી દીધા છે.
સમગ્ર દેશ આંજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આ અમૃત કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાંથી શર્મસાર કરતી તસ્વીર સામે આવી છે જેમાં સ્માર્ટસીટી દાહોદ શહેરના મધ્યમાં આવેલી તેમજ ૧ થી ધોરણ આઠ સુધીની ૧૩ ઓરડા ધરાવતી ગોધરા રોડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૮૭ નાના ભૂલકાઓ મોતના મુખમાં ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે. આશરે ૪૦ વર્ષ પહેલા બનેલી આ સરકારી પ્રાથમિક શાળાના તમામ ઓરડા જર્જરિત થઈ જવા પામ્યા છે. ગુજરાતમાં સુવિધા તેમજ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાની ગુલબાંગો પુકારતી સરકાર અને સિસ્ટમની બેદરકારી અને નિષ્કાળજીની તસ્વીર પ્રસ્થાપિત કરાવતી આ શાળાની તસ્વીરે બધાને હચમચાવી મુક્યા છે. શાળાના ઓરડામાંથી ખરતા પોપડાના લીધે ભૂતકાળમાં ત્રણથી ચાર બાળકો ઈજાગ્રસ્ત થયાં હતા તો કેટલાક બાળકોના વાલીઓએ તો પોતાના બાળકને આ શાળામાંથી કાઢી બીજી શાળામાં મૂકી દીધા હતા. શાળાની દુર્દશાનો અંદાજ આના ઉપરથી લગાવી શકાય કે ઓરડાઓમાથી ખરતા પોપડાના લીધે શાળા સંચાલકો શાળાની જર્જરિત છત ને ગ્રીન નેટથી કવર કરી નાના બાળકોને આવી જાેખમી ઓરડામાં બેસાડી શિક્ષણ પૂરું પાડી રહ્યા છે ત્યારે આ તમામ પરિસ્થિતિની વચ્ચે ખરતા પોપડા તેમજ ગ્રીન નેટ ના કવર નીચે મોતના મુખમાં ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવતા નાના ભૂલકાઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં ચાલુ શાળા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના કે કોઈ પણ અનહોની સર્જાય તો આનો જવાબદાર કોને ગણવો ?? શાળા સંચાલકોને, શિક્ષણ વિભાગને કે સરકારને ? આ એક મોટો સવાલ છે ત્યારે હાલ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર શાળાના રીપેરીંગ માટે વડી કચેરીએ દરખાસ્ત મુકેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.