રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો ખેડૂત હિતલક્ષી નિર્ણય - At This Time

રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો ખેડૂત હિતલક્ષી નિર્ણય


નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી અપાશે*
*******
*ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના આશરે ૬૦,૦૦૦ એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ*
*******
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

નિર્ણયની અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, પૂરક સિંચાઈ માટે નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૦૨૯ MCFT તેમજ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩૦૨ MCFT મળી કુલ ૨૩૩૧ MCFT નર્મદાનું પાણી આગામી તા. ૩૦મી જૂન, ૨૦૨૪ સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે. અગાઉ, નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૫૯૧ MCFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૬૦૦ MCFT મળી કુલ ૨૧૯૧ MCFT પાણીની પીવાના હેતુસર ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત, આગામી ચોમાસા પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર થાય, તે આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજીત ૬૦,૦૦૦ એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
*********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.