દેવગઢ બારીયા પાલિકા પ્રમુખે પુત્રને સરકારી બાલમંદિરમાં પ્રવેશ અપાવ્યો - At This Time

દેવગઢ બારીયા પાલિકા પ્રમુખે પુત્રને સરકારી બાલમંદિરમાં પ્રવેશ અપાવ્યો


દેવગઢ બારીયા પાલિકા પ્રમુખે પુત્રને સરકારી બાલમંદિરમાં પ્રવેશ અપાવ્યો
- નિવૃત્ત આચાર્યાના વરદ હસ્તે રીનોવેશન પછી નગરપાલિકા સંચાલિત બાલમંદિરનું ઉદ્દઘાટન
- પ્રથમ દિવસે જ પાલિકા પ્રમુખ ડો.ચાર્મી નીલ સોનીના પુત્ર સહિત ૬૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો

દેવગઢબારિયામાં નગરપાલિકા સંચાલિત બાલમંદિરનો રીનોવેશન બાદ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેનું નિવૃત આચાર્યા વીણાબેન પરીખના હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરાયું હતું. સૌથી નોંધનીય બાબત એ રહી હતી કે નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મી નીલ સોનીએ પોતાના પુત્રનું બાલમંદિરમાં એડમિશન લીધું હતું.

દેવગઢબારિયામાં ટાવર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત બાલમંદિર છેલ્લા કેટલાય સમયથી જર્જરિત અને બંધ હાલતમાં હતું. આ બાલમંદિરને રીનોવેશન કરી પુનઃ લોકસેવામાં અર્પણ કરવાનો સંકલ્પ નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મી નીલ સોનીએ લીધો હતો. જેને ચરિતાર્થ કરી નવીન આધુનિક બાલમંદિર તૈયાર કરી આજરોજ અષાઢી બીજ રથયાત્રાના દિવસે બાલમંદિરના જ નિવૃત્ત આચાર્યા વીણાબેન પરીખના વરદ હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બાલમંદિરમાં મફત નાસ્તો આપનાર આહાર ચેરીટેબલ ટ્રસ્ટના નિકુંજભાઈ સોનીનું અને ભૂરાશેઠ પરિવારના કકુલભાઈ મોદીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પંડ્યાએ જણાવ્યું હતું દાતાઓનો આભાર માન્યો હતો

નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મી નીલ સોનીએ જણાવ્યું હતું કે અમે પોતે અઠવાડિયામાં ચાર કલાક બાલમંદિરમાં સમય ફાળવીશું અને મારો પુત્ર પણ આજ નગરપાલિકા સંચાલિત બાલમંદિરમાં અભ્યાસ કરશેઆ બાલમંદિર પહેલા ગુજરાતી માધ્યમનું હતું. જેને હવે ગુજરાતી અને અંગ્રેજી એમ બે માધ્યમમાં રાહત દરની ફી માં તજજ્ઞ શિક્ષકો અને વર્ષોથી અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપી એક ખાનગી કરતાં સરકારી બાલમંદિરમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવાના પ્રયત્નો અમે કરીશું..

બાલમંદિરમાં પહેલા દિવસે ૬૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સજજનબા ગોહિલ, નગરપાલિકા કાઉન્સિલર ગજેન્દ્રભાઈ પરમાર, ઈકબાલભાઈ પટેલ, રાજુભાઈ નાયક, તાહેરાબેન મુન્નાભાઈ મકરાણી, શહેર ભાજપ પ્રમુખ નિમેશભાઈ જોશી, આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ સંચાલન ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભાવિનભાઈ પરમાર અને ઇજનેર કેતનભાઇ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. નગરમાં એક નવું નજરાણું બાલમંદિર ઊભું કરાતા લોકોમાં ખૂબ ઉત્સાહ અને ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.