EDITOR’S VIEW: એક હત્યાથી બોલિવુડ કેમ સ્તબ્ધ?:બાબા સિદ્દીકીના મર્ડર પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શું મનસૂબો? બે કારણોથી મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ યુ-ટર્નની શક્યતા
બાબા સિદ્દીકીની હત્યાથી મહારાષ્ટ્રની ચૂંટણીમાં યુ-ટર્ન આવે તેવી પૂરી સંભાવના છે. એના બે કારણો છે. એક તો બાબાનો બોલિવુડમાં દબદબો હતો અને બીજું, વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા પછી બાબા સિદ્દીકી ભાજપ સમર્થિત અજિત પવારની NCPમાં જોડાયા હતા. આ હત્યાથી મુસ્લિમ વોટબેન્ક સ્વિંગ થશે અને તેની સીધી અસર આવનારી ચૂંટણીમાં પણ જોવા મળશે. નમસ્કાર, બાબા સિદ્દીકીનું નામ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું હતું. પણ બોલિવુડ કનેક્શનના કારણે તે લોકોમાં જાણીતો ચહેરો બની ગયા હતા. બાબા સિદ્દીકીની હત્યાથી અનેક સવાલો ઊભા થયા છે. આ સવાલોનો જવાબ મેળવવા કેન્દ્રીય એજન્સીઓ કામે લાગી છે. ખાસ તો લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે પણ હત્યારાઓ પકડાયા છે તેને લઈને પણ ઘણી શંકાઓ છે. કોણ હતા બાબા સિદ્દીકી? બાબા સિદ્દીકી મુંબઈના રાજકારણમાં ચાર દાયકાથી સક્રિય હતા. કોંગ્રેસમાં જોડાયા પછી કોર્પોરેટર બન્યા, ધારાસભ્ય બન્યા ને મહારાષ્ટ્રના મંત્રી પણ બન્યા. વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કરનારા બાબા સિદ્દીકી ફેબ્રુઆરી-2024માં અજિત પવારની NCPમાં જોડાયા. મહારાષ્ટ્રના રાજકારણમાં, ખાસ કરીને મુંબઈના રાજકારણમાં મેન, મની અને મસલ પાવર વાપરવામાં માહેર હતા. બાબા સિદ્દીકી રાજકારણમાં સક્રિય તો હતા જ, પણ સાથે સાથે તેનું બોલિવુડ કનેક્શન ખૂબ સારું હતું. સલમાન ખાન હોય કે શાહરૂખ ખાન. તમામ મોટા સ્ટાર્સ બાબા સિદ્દીકીને સલામ કરવા જતા. 2015માં હીટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને કોર્ટમાં સજા થવાની હતી પણ હરિશ સાલ્વે જેવા વકીલને રોકીને બાબા સિદ્દીકીએ સલમાનને સજામાંથી બચાવ્યો હતો. બોલિવુડ સેલિબ્રિટી માટે તે દર વર્ષે ઈફતાર પાર્ટી કરતા અને આવી જ એક ઈફતાર પાર્ટીમાં સલમાન અને શાહરૂખ ખાનની પાંચ વર્ષની દુશ્મની પણ સિદ્દીકીએ જ ખતમ કરાવી હતી. બાબા સિદ્દીકી વિશે આટલું જાણી લો... પોલિટિકલ જર્ની સુનિલ દત્તના કારણે બોલિવુડમાં ઓળખાણ બનાવી બાબા સિદ્દીકી રાજનીતિના શરૂઆતના દિવસોમાંઅભિનેતા સુનીલ દત્તને મળ્યા હતા. તે સમયે સુનીલ દત્ત પણ કોંગ્રેસમાં સક્રિય હતા અને બાબા તેમને પોતાના માર્ગદર્શક માનતા હતા. સુનીલ દત્તે સિદ્દીકીનો પરિચય તેમના પુત્ર સંજય દત્ત સાથે કરાવ્યો હતો. સંજય અને બાબા સિદ્દીકી ગાઢ મિત્રો બની ગયા. સંજયે જ બાબાને સલમાન અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સ સાથે પરિચય કરાવ્યો હતો. બાંદ્રા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીનો બોલિવૂડમાં સારો પ્રભાવ હતો કારણ કે મોટાભાગની ફિલ્મી હસ્તીઓ બાંદ્રા વિસ્તારમાં રહે છે. જ્યારે બાબાની હત્યાની વાત ફેલાઈ ત્યારે સૌથી પહેલાં તેમના ઘરે સંજય દત્ત જ પહોંચ્યા હતા. સિદ્દીકીએ કહેલું કે, કોંગ્રેસે મારો ઉપયોગ મીઠા લીમડાની જેમ કર્યો NCPમાં જોડાયા પછી બાબા સિદ્દીકીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં મારો ઉપયોગ મીઠા લીમડાની જેમ થતો હતો, જેનું કામ માત્ર સ્વાદ વધારવાનું છે. જ્યારે તમને સાંભળવામાં ન આવે ત્યારે તમારે સાઈડમાં ખસી જવું જોઈએ. હું 48 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો. આટલા સમયમાં તો લોકોની જિંદગી નીકળી જાય છે. હું જાડી ચામડીનો નથી. તેથી જ મને પાર્ટી છોડતી વખતે દુઃખ થયું. રોજ રડવા કરતાં દૂર રહેવું સારું. કોંગ્રેસને માત્ર વોટ જોઈએ છે. બાબા સિદ્દીકીની હત્યા કેવી રીતે થઈ? શનિવારે, દસેરાની રાત્રે સવા નવ વાગ્યે બાંદ્રામાં ફટાકડાના અવાજ વચ્ચે ગોળી મારી દેવામાં આવી. ત્રણ લોકોએ ફાયરિંગ કર્યું. ત્રણેયે ચહેરા ઢાંકેલા હતા. બાબા સિદ્દીકી એ વખતે બાંદ્રા વેસ્ટની પોતાની ઓફિસેથી દીકરા જિશાન સાથે ઘરે જઈ રહ્યા હતા. ઓફિસ બહાર નિર્મલ નગર પરિસરમાં આરોપીઓએ તેમના પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ત્રણ ગોળી બાબા સિદ્દીકીને વાગી અને એક ગોળી તેની સાથે ઊભેલા વ્યક્તિને વાગી. એક ગોળી તેની બુલેટ પ્રૂફ ગાડીના કાચમાં પણ વાગી છે. કહેવાય છે કે, ગોળી એટલી નજીકથી મારવામાં આવી હતી કે, નિશાન ચૂકી જવાય તેવી શક્યતા જ નહોતી. તેમને તાબડતોબ લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં રાત્રે 11 વાગ્યે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. બાંદ્રાની ઓફિસમાંથી બાબા સિદ્દીકી અને તેનો દીકરો જિશાન બંને સાથે નીકળવાના હતા પણ જિશાનને એક ફોન કોલ આવ્યો એટલે તે ઓફિસ પાસે જ રોકાઈ ગયા. નહીંતર બાપ-દીકરા બંનેને મારવાનો પ્લાન હોવાની સંભાવના જોવાઈ રહી છે. ફાયરિંગ કરનાર ત્રણમાંથી બે વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી લીધા અને એક ફરાર થઈ ગયો. જે બે આરોપી પકડાયા તેમાં 19 વર્ષનો ધર્મરાજ રાજેશ કશ્યપ છે જે યુપીના બહરાઈચનો રહેવાસી છે અને બીજો 23 વર્ષનો હરિયાણાનો ગુરનૈલ બલજીતસિંઘ જે હરિયાણાનો છે. પોલીસે આ કેસમાં ત્રીજા આરોપી પ્રવીણ લોનકરની પુનાથી ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીએ કહ્યું કે, 40 દિવસથી બાબા સિદ્દીકીની રેકી કરતા હતા અને તેમને બાબા સિદ્દીકીનું રુટિન ખબર હતી. કેન્દ્ર સરકારે હાઈલેવલની સિક્યોરિટી આપી છતાં હત્યા થઈ! બાબા સિદ્દીકીએ 15 દિવસ પહેલાં કહ્યું હતું કે તેમના જીવને જોખમ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારને પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ પછી અજિત પવારે કેન્દ્ર સરકારમાં વાત કરતાં તેમને કેન્દ્ર સરકાર દ્વારા વાય કેટેગરીની સિક્યોરિટી પવામાં આવી હતી. વાય કેટેગરીની સુરક્ષામાં 8થી 11 જવાનો હોય છે. તેમાં 2 કમાન્ડો હોય છે. PSO એટલે પર્સનલ સિક્યોરિટી ઓફિસર પણ હોય છે. કહેવાય છે કે, બાબા સિદ્દીકીને ગોળી મારવામાં આવી ત્યારે તેની સાથે કોઈ સિક્યોરિટી જવાનો હાજર નહોતા. બાબા સિદ્દીકીની હત્યાથી મહારાષ્ટ્રની ચૂંટણીમાં શું અસર થશે? બાબા સિદ્દીકીની હત્યા પછી વિપક્ષે શિંદે સરકાર પર તડાપીટ બોલાવી છે. એવું માનવામાં આવે છે કે, બાબા સિદ્દીકીની હત્યાની અસર મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ જોવા મળશે. મહારાષ્ટ્રમાં બે મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં, ખાસ કરીને મુંબઈના રાજકારણમાં બાબા સિદ્દીકીની મજબૂત પક્કડ છે. એવામાં હવે વિપક્ષો ધ્રુવીકરણ કરવાની કોશિશ કરશે. બાબા સિદ્દીકીને આટલી ઊંચાઈએ પહોંચાડવામાં મુસ્લિમ વોટબેન્કનો મોટો હાથ છે. બાબા સિદ્દીકી જે સીટ પરથી લડતા હતા તે બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં મુસ્લિમ મતદારોની સારી એવી સંખ્યા છે. બાબા સિદ્દીકીનો દીકરો જિશાન સિદ્દીકી પણ હવે બાંદ્રા ઈસ્ટથી ધારાસભ્ય છે. જો કે, બાબા સિદ્દીકીએ NCP જોઈન કરી પછી કોંગ્રેસે તેના દીકરા જિશાન સિદ્દીકીને પાર્ટીમાંથી કાઢી મૂક્યો. મુંબઈની રાજનીતિમાં ઉત્તર ભારતના મુસ્લિમોનો દબદબો માનવામાં આવે છે. કારણ કે, મુંબઈમાં મોટાભાગની મુસ્લિમ વસ્તી ઉત્તર ભારતમાંથી આવેલાની છે. મુંબઈમાં વસતા મુસ્લિમોમાંથી 70 ટકા મુસ્લિમો ઉત્તર ભારતના મુસ્લિમો છે. મુસ્લિમ વોટબેન્ક કેટલી પાવરફૂલ છે તે એ વાત પરથી જાણી શકાય કે, મહારાષ્ટ્રની 2019ની વિધાનસભા ચૂંટણીમાં 10 મુસ્લિમ ધારાસભ્યો જીતી ગયા હતા. જેમાંથી 6 મુંબઈના હતા. હવે બાબા સિદ્દીકીની હત્યા પછી જે સમિકરણો સર્જાઈ શકે છે, તેમાં સૌથી મોટું સમીકરણ એ છે કે, અજિત પવાર જૂથને સહાનુભૂતિ મળી શકે. બાબા સિદ્દીકીના પુત્ર જિશાન સિદ્દીકીને NCPમાંથી જ બાંદ્રા ઈસ્ટની ટિકિટ આપવામાં આવી શકે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ શું સાબિત કરવા માગે છે? ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં હાઈસિક્યોરિટી ઝોનમાં બંધ છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. સવાલ એ છે કે, જેલમાં બેઠાં બેઠાં લોરેન્સ બહારની દુનિયામાં ધાક જમાવીને શું સાબિત કરવા માગે છે? એવું માનવામાં આવે છે કે લોરેન્સ બાબા સિદ્દીકીની હત્યા દ્વારા બોલિવૂડ અને બિલ્ડર લોબીમાં પોતાની ધાક જમાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ પહેલાં સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકી આપવી અને પછી સલમાનના ઘરે ફાયરિંગ કરાવવું, આ પણ આનો એક ભાગ છે. તેની કામ કરવાની સ્ટાઈલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ જેવી છે. લોરેન્સ ગેંગનું નેટવર્ક 12 રાજ્યોમાં ફેલાયેલું છે. તેની પાસે 700 શૂટર છે. લોરેન્સ ગેંગે બાબા સિદ્દીકીને શા માટે ટાર્ગેટ કર્યા, શું ખરેખર તેની સલમાન સાથેની મિત્રતા છે કે પછી મુંબઈને ડી કંપનીની જેમ તેનો ગઢ બનાવવાનો પ્રયાસ છે? મુંબઈના અંડર વર્લ્ડ જર્નાલિસ્ટ વિવેક અગ્રવાલે કહ્યું કે, મુંબઈમાં પોતાનો પ્રભાવ વધારવા માટે તે બોલિવુડના મોટા અભિનેતા એટલે કે સલમાન ખાનને ટાર્ગેટ બનાવી રહ્યો છે. અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકોએ 70, 80 અને 90ના દાયકામાં આ મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. લોરેન્સ મુંબઈમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. લોરેન્સ અને દાઉદ ઈબ્રાહિમની મોડસ ઓપરેન્ડી બિલકુલ સમાન છે. આમાં કોઈ દેખીતો તફાવત નથી. બાબાને ગોળી મારવાની રીત બિલકુલ એવી જ હતી જે દાઉદના લોકો 80-90ના દાયકામાં વાપરતા હતા. તેઓ તેમના ઘરની નજીક હુમલો કરતા હતા. ટાર્ગેટને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવતી હતી. લોરેન્સ ગેંગ સામે નોંધાયેલા કેસ સગીરોનું બ્રેઈનવોશ, સ્લીપર સેલની જેમ કામ કરે છે બિશ્નોઈ ગેંગ લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિતો સોશિયલ મીડિયા દ્વારા સગીરોની સ્લીપર સેલ તરીકે ભરતી કરી રહ્યા છે. તેઓ સગીરોનું બ્રેઈનવોશ કરે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજસ્થાનના એક બાળસુધાર ગૃહમાંથી 22 ગુનેગારો ભાગી ગયા હતા. તેમાં લોરેન્સનો એક સાગરીત પણ સામેલ હતો, જેણે 2023માં જયપુરની ઝી ક્લબમાં ગોળીબાર કર્યો હતો. આ ગેંગમાં સામેલ થવા માટે છોકરાઓને બ્રાન્ડેડ કપડાં, પૈસા અને વિદેશમાં સ્થાયી થવાના વચનની લાલચ આપવામાં આવે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા નવા સભ્યો જોડવામાં આવે છે. લોરેન્સ બિશ્નોઈ માટે જેલ સૌથી સુરક્ષિત જગ્યા છે, જામીન માટે અરજી કરતો નથી લોરેન્સે હજુ સુધી જામીન માટે અરજી કરી નથી. નિષ્ણાતોનું માનવું છે કે તે જાણી જોઈને આવું કરી રહ્યો છે. તે જાણે છે કે તેના માટે સૌથી સુરક્ષિત જગ્યા જેલ છે. તિહાર જેલના પૂર્વ ડાયરેક્ટર જનરલ સંજય બેનીવાલે એક મીડિયા રિપોર્ટમાં કહ્યું કે, 'લોરેન્સ બિશ્નોઈનું જેલની બહાર નેટવર્કિંગ જબરદસ્ત છે. તે જેલને પોતાના માટે સૌથી સુરક્ષિત જગ્યા માને છે. એટલા માટે તે ક્યારેય બહાર જવા માગતો નથી. તે ઈચ્છે છે કે તેને હંમેશાં હાઈ સિક્યોરિટી જેલમાં રાખવામાં આવે, જેથી જેલની બહાર તેના દુશ્મનો તેના સુધી પહોંચી ન શકે. સલમાન ખાનની પાછળ કેમ પડી છે બિશ્નોઈ ગેંગ? સપ્ટેમ્બર 1998માં રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય કલાકાર હતો. 27-28 સપ્ટેમ્બરની રાત્રે કાંકાણી ગામમાં એક ખેતર પાસે વાહનની લાઈટ ઝબકી હતી. ગ્રામજનો તરત જ ઘરની બહાર આવી ગયા. તેઓએ એક સફેદ જિપ્સી જોઈ. તેમને લાગ્યું કે કોઈ શિકાર કરવા આવ્યું છે. એટલામાં ગોળીનો અવાજ આવ્યો. હકીકતે એ રાત્રે સલમાન ખાન કેટલાક સભ્યો સાથે કાળિયાર હરણના શિકાર માટે નીકળ્યો હતો. 2 ઓક્ટોબરે 'બિશ્નોઈ સમાજ'એ આ કેસમાં સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. સલમાન ખાનની ધરપકડ થઈ અને જેલમાં જવું પડ્યું. હકીકતે બિશ્નોઈ સમાજમાં હરણની પૂજા કરવામાં આવે છે. તેઓ હરણની રક્ષા કરવા કંઈ પણ કરવા તૈયાર છે. 2018માં લોરેન્સ બિશ્નોઈ, જે બિશ્નોઈ સમુદાયમાંથી આવે છે તેણે જાહેરાત કરી કે તે કાળા હરણના શિકારનો બદલો સલમાન ખાનથી લેશે અને તેને જીવતો છોડશે નહીં. એટલે લોરેન્સ સલમાનની પાછળ પડી ગયો છે. છેલ્લે, બાબા સિદ્દીકી બોલિવુડ અને અંડરવર્લ્ડ વચ્ચેનો બ્રિજ કહેવાતા હતા. અખબાર સામનામાં છપાયેલા સમાચાર મુજબ, બાબા સિદ્દીકી અને દાઉદના ખાસ માણસ અહેમદ લંગડા વચ્ચે વિવાદ થયો. છોટા શકીલે પણ બાબાને ધમકી આપી. બાબા સિદ્દીકીએ પોલીસમાં ફરિયાદ કરી ને લંગડાની ધરપકડ થઈ. એ પછી દાઉદનો બાબા સિદ્દીકીને ફોન આવ્યો હતો કે, રામ ગોપાલ વર્માને કહીને તારા પર ફિલ્મ બનાવવાનું કહીશ, 'એક થા MLA'. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિચર્સ : યશપાલ બક્ષી)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.