બેડી ચોકડી પાસે બોલેરોની ઠોકરે રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું મોત
બેડી ચોકડી પાસે કાળમુખા બોલેરોની ઠોકરે રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે અકસ્માત સર્જી નાસી છૂટેલા બોલેરો ચાલકની શોધખોળ આદરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી રોડ વેલનાથપરા શેરી નં.-13/18 નો ખુણે રહેતાં ખતુબેન બાબુભાઇ જામ (ઉ.વ.65) ગઇ કાલે સવારના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ પોતે પોતાના કામથી ઘરેથી નીકળી ચાલીને મોરબી રોડ ઉપર બેડી ચોકડી તરફ જતા હતા.
ત્યારે નજીકમાં પંચરની દુકાન પાસે પહોચતા મોરબી રોડ જકાત નાકા તરફથી પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા બોલેરો ચાલકે પાછળથી તેઓને હડફેટે લેતા તેઓ રોડ ઉપર પટકાયા હતાં અને માથાની પાછળના ભાગે ગંભીર ઇજા થતા લોહી વહેવા લાગેલ હતું. તેમજ પગમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી છૂટ્યો હતો. બાદમાં વૃધ્ધાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતાં.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકના પુત્રની ફરીયાદ પરથી અજાણ્યા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.