સસ્તા સોનાની લાલચ આપી રાજકોટના બે વેપારી સાથે 1.40 કરોડની છેતરપિંડી - At This Time

સસ્તા સોનાની લાલચ આપી રાજકોટના બે વેપારી સાથે 1.40 કરોડની છેતરપિંડી


સસ્તા સોનાની લાલચમાં આવી જઈ રાજકોટના બે વેપારીને રૂા.1.40 કરોડ જેટલી રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. બે વેપારીમાંથી એક વેપારીએ ફેસબુક ઉપર સસ્તા સોનાની લાલચે 50 લાખ ગુમાવ્યા તો એક વેપારીને મીત્રએ જ 90 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનું ખુલતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બન્ને છેતરપિંડી ભૂજમાં આચરવામાં આવી હોવાનું અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કૂવાડવા રોડ પર ડી-માર્ટ રોડ પર આવેલી શાનદાર રેસિડેન્સીમાં મકાન નં.17માં રહેતા જયદીપ ચંદુભાઈ પીપળીયા (ઉ.વ.33)એ ભૂજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2014ના સપ્ટેમ્બર માસમાં મીત્ર ઓમદેવસિંહ ચુડાસમા (રહે.પીપળી, અમદાવાદ)એ તેને કહ્યું હતું કે તમને સસ્તું સોનું જોઈતું હોય તો ભૂજમાં મારા ઓળખીતા અબ્દુલભાઈ બજાણીયા છે જેઓ સસ્તું સોનું આપે છે. આ વાત સાંભળતાં ફરિયાદી જયદીપને સસ્તું સોનું લેવાની લાલચ જાગી હતી અને તેણે ખરીદી માટે હા પાડી હતી. આ પછી જયદીપ અને તેનો મીત્ર જૈમીન કણસાગરા (રહે.જૂનાગઢ), તેમજ દિવ્યરાજસિંહ ઈન્દ્રજીતસિંહ ઝાલા (રહે.જૂનાગઢ) તેમજ સાગર દિનેશભાઈ વાગડીયા (રહે.રાજકોટ) સાથે ફોર વ્હીલ ગાડી લઈને ભૂજ ગયા હતા.
આ પછી સેવનસ્કાય નામની હોટેલમાં રોકાયા હતા જ્યાં સુલતાન નામનો માણસ આવ્યો હતો અને ત્યાંથી તમામને ભૂજમાં જ અબ્દુલ કાસમ બજાણીયા નામના શખ્સના ઘેર લઈ ગયો હતો. ત્યારબાદ થોડીવારમાં ફોરવ્હીલમાં એક વ્યક્તિ આવી હતી જેનું નામ અબ્દુલ બજાણીયા છે જેણે સોનાના 100-100 ગ્રામના બિસ્કિટ બતાવ્યા હતા અને કહ્યું હતું કે તમારે જેટલું સોનું જોઈતું હોય તેટલો ઓર્ડર મને આપો જેથી હું સોનું મંગાવી લઉં. ત્યારબાદ દસ લાખ રૂપિયા એડવાન્સની માંગણી કરી હતી જેનો વ્યવહાર રોકડમાં થયો હતો. આ પછી અબ્દુલે 100 ગ્રામનું સોનાનું બીસ્કીટ આપ્યું હતું જે લઈને અમે બધા રાજકોટ આવી ગયા હતા.
રાજકોટ આવ્યાના બીજા દિવસે ફરિયાદી જયદીપે અબ્દુલને ફોન કરી વધુ સોનાની માંગણી કરતાં તેણે સોનુ દુબઈથી મંગાવવું પડશે તેમ કહી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો કે આટલા પૈસા ઉપલબ્ધ ન હોવાથી 40 લાખ રૂપિયા અબ્દુલ બજાણીયાને પી.એન.આંગડિયા મારફતે મોકલ્યા હતા. આ પછી આંગડિયા મારફતે 21-8-2014થી તા.15-9-2014 સુધીમાં બે વખત 40-40 લાખ અનિશ પટેલ નામના માણસના નામો મોકલ્યા હતા. પૈસા મળ્યાના એક સપ્તાહ પછી અબ્દુલ બજાણીયાએ ફોન કરી કહ્યું હતું કે મારે ત્રણ કરોડ રૂપિયા દુબઈ આપવાના છે જે પૈસા આપ્યા બાદ તમારું સોનું આવશે. આ પછી મેં ફરી પૈસા મોકલાવ્યા હતા. જો કે ત્યારબાદ અબ્દુલે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું.
વારંવાર પૈસાની ઉઘરાણી કરતાં ત્રણ વર્ષ પછી એટલે કે 2017માં અબ્દુલે એક-એક લાખ રૂપિયા પરત મોકલાવ્યા હતા. જો કે આ પછી એક રૂપિયો પણ ચૂકવ્યો ન્હોતો. ફરિયાદ મોડી દાખલ કરવા પાછળનું કારણ એ છે કે અબ્દુલે મને મારા પૈસા આપવાના ખોટા બહાના આપી સમય કાઢી નાખ્યો હતો એટલા માટે ફરિયાદીએ રાહ જોઈ હતી પરંતુ પૈસા પરત નહીં જ મળે તેવું લાગતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. એકંદરે ફરિયાદીના મીત્ર અને તેના સાગ્રીતોએ રૂા.90 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
આવી જ રીતે બીજી એક છેતરપિંડી મુળ રાજસ્થાનના અને હાલ માધાપર ચોકડી ખાતે રહેતાં પ્રવીણ મોતીલાલ રાવલ (ઉ.વ.23) સાથે થઈ છે. આ અંગે ફરિયાદી પ્રવીણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ત્રણ કૌટુંબીક બહેનોના લગ્ન હોવાથી તેને સોનાની જરૂર હતી તેમજ તેના મામાના દીકરા કપીલ પ્રકાશજી રાવલ તેમજ કપિલના બિઝનેસ પાર્ટનર ધર્મેશસિંઘ રાજપૂત તેમને ચેન્નાઈમાં સોનાની દુકાન છે તેમને વેપાર કરવા માટે સોનાની જરૂર હોય ફેસબુક ઉપર અભિષેક શર્મા નામના વ્યક્તિએ પોતાની આઈડી ઉપર ગોલ્ડ બિસ્કિટ વેચવા માટે મુક્યું હોય ફરિયાદીએ તેનો સંપર્ક સાધ્યો હતો.
આ પછી અભિષેક શર્માએ એમ કહ્યું હતું કે તમે ભૂજ આવીને ફેસ ટુ ફેસ મિટિંગ કરી લ્યો. આ વાત થયા બાદ રાજકોટથી ત્રણ લોકો ભૂજ ગયા હતા અને અભિષેક સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સુલતાન સુલેમાન કુંભાર અને સાહિલ પઠાણ નામના શખ્સો હાજર હતા અને ત્યારે ગોલ્ડનું બિસ્કિટ જોઈને રૂા.25 લાખ આપ્યા હતા અને બે કિલો સોનાની ડીલ નક્કી કરી હતી. ત્યારપછી ચેન્નાઈથી 25 લાખનું આંગડિયુ મોકલવામાં આવ્યું હતું. જો કે પૈસા મળ્યા બાદ આરોપીઓ દ્વારા અલગ-અલગ બહાનાઓ કાઢવામાં આવી રહ્યા હોય આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને પૈસા રિકવર કરવા માટે તજવીજ હાથ ધરી છે
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.