એઈમ્સ, સ્માર્ટસીટી, ઝનાના હોસ્પિટલનું તા.20 આસપાસ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટે વિકાસની હરણફાળ ભરી છે જેમાં ગત તા.27 જુલાઈ 2023ના ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટની ભેટ મળ્યા બાદ હવે એઈમ્સ, સ્માર્ટ સીટી અને ઝનાના હોસ્પીટલનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવા માટેનું કાઉન્ટડાઉન શરૂ થવા પામેલ છે.
તા.12 ફેબ્રુઆરીના વડાપ્રધાન આવાસ યોજનાઓના લોકાર્પણ માટે બનાસકાંઠા આવી રહ્યા છે ત્યારે બીજા રાઉન્ડમાં તા. ર0 આજુબાજુ તેઓ રાજકોટની આ સૌથી મોટી યોજનાઓના લોકાર્પણ કરે તેવી તૈયારી સરકારી વિભાગોમાં થવા લાગી છે.
જુદા જુદા લોકાર્પણના આ માટે રાજકોટ જીલ્લા કલેકટર તંત્રને તૈયાર રહેવા માટે મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) દ્વારા આદેશ પણ આપી દેવામાં આવેલ છે. જેને અનુલક્ષીને જીલ્લા કલેકટર પ્રભવ જોશી શુક્રવારે એઈમ્સની મુલાકાતે દોડી જઈ કામગીરીની સમીક્ષા કરનાર છે.
આ સંદર્ભે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે જણાવ્યું હતું કે પરાપીપળીયા ખાતે નિર્માણાધિન એઈમ્સની કામગીરીને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. એઈમ્સની સાથોસાથ ઝનાના હોસ્પીટલનું પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ માટે તૈયાર રહેવા તેઓને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટુંકો લેખીત આદેશ જારી કરવામાં આવેલ છે. તા.ર0 આસપાસ આ કાર્યક્રમ યોજાઇ શકે છે.
કલેકટર પ્રભવ જોશીએ વિશેષમાં જણાવ્યું હતું કે એઈમ્સ અને ઝનાના હોસ્પીટલની સાથોસાથ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ કરાયેલ કોર્પોરેશનની સ્માર્ટસીટી આવાસ યોજના રૂડાના આવાસો સહિતના વિકાસ પ્રોજેકટોનો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થવાની શકયતા રહેલી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટના વિકાસ પ્રોજેકટોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવા માટેનો તખ્તો રાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરી દેવામાં આવેલ છે.
એઈમ્સનું લોકાર્પણ થતા રાજકોટની વિકાસ યાત્રામાં વધુ એક છોગું ઉમેરાશે. એઈમ્સ દ્વારા ઓપીડીની સુવિધા હાલ શરૂ કરાયેલ છે જેમાં મામુલી ફીમાં અનેક દર્દીઓને આરોગ્ય સારવાર મળી રહી છે. તેમજ તાજેતરમાં એઈમ્સ દ્વારા પડધરી તાલુકાના આરોગ્ય કેન્દ્ર સુધી ડ્રોન મારફતે દર્દીઓની દવા પહોંચાડવાનો પણ સફળ પ્રયોગ કરવામાં આવેલ હતો.
આગામી ટુંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એઈમ્સનું લોકાર્પણ થતા અહીં 250 બેડની આધુનિક હોસ્પીટલ ધમધમતી થશે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓની રાહત દરે આધુનિક તબીબી સારવાર સુવિધા ઉપલબ્ધ બનશે. હાલ એઈમ્સ, ઝનાના હોસ્પીટલ, સ્માર્ટ સીટી સહિતના વિકાસ પ્રોજેકટોના લોકાર્પણ માટેની તૈયારીઓ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વેનો આ સૌથી મોટો સરકારી કાર્યક્રમ બની રહે તેમ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.