"મારી માટી, મારો દેશ" કાર્યક્રમ અંતર્ગત મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ - At This Time

“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ


પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી, ડી.ડી.ઓશ્રી સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિતમાં રહ્યા. ગામડાઓ-તાલુકાઓમાંથી એકત્ર ૭૫૦૦ જેટલા માટીના કળશ રાજધાની દિલ્હી કર્તવ્યપથ ખાતે લઈ જવાશે.

ગોસા(ઘેડ)પોરબંદર તા,૨૫/૦૭/૨૦૨૩
મુખ્ય સચિવશ્રી રાજકુમારના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "મારી માટી, મારો દેશ" કાર્યક્રમને અનુરૂપ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં પોરબંદર જિલ્લા કલેકટરશ્રી કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કર, જિલ્લા પોલીસ વડાશ્રી રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.કે. જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રેખાબા સરવૈયા સહિત અધિકારીઓ આ વીડિયો કોન્ફરન્સમાં હાજરી આપીને મુખ્ય સચિવશ્રીએ આપેલા માર્ગદર્શન અને સૂચનોને ધ્યાને લીધા હતા. "મારી માટી, મારો દેશ" કાર્યક્રમની રૂપરેખા અંગે અધિકારીશ્રીઓને પ્રેઝેન્ટેશનના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી.
માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહિદ થયેલા વીરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવા, માતૃભૂમિને વંદન કરવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "મારી માટી, મારો દેશ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં પંચાયતથી દેશની રાજધાની દિલ્હી સુધી વિવિધ કાર્યક્રમોનું લોકભાગીદારી સાથે આયોજન કરીને વીર શહીદોને યાદ કરવામાં આવશે.
ગ્રામકક્ષાએથી એકત્ર કરેલી માટીને રાજધાની દિલ્હી સુધી લઈ જઈને દેશની આઝાદીના શહીદો, સંરક્ષણ દળોમાં શહીદ થયેલા જવાનોને યાદ કરવામાં આવશે. અંદાજે ૭૫૦૦ જેટલા માટીના કળશ દેશના વિવિધ ગામડાઓ-તાલુકાઓમાંથી એકત્ર કરીને દેશની રાજધાની દિલ્હી કર્તવ્યપથ ખાતે એકત્રિત કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યમાંથી માટી કળશમાં એકત્ર કરીને કર્તવ્યપથ સુધી લઈ જવામાં આવશે.
વીર શહીદોની યાદને કરીને ગામડાઓમાં શિલાફલકમ્ એટલે કે સ્મારક બનાવવામાં આવશે. શહેરથી માંડીને ગામડાઓ સુધી લોકો "મારી માટી, મારો દેશ" કેમ્પેઈનમાં જોડાઈને દેશના સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કરે, શહીદોને યાદ કરે એવું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલા પાંચ પ્રણની પ્રતિજ્ઞા લેવી, માટી અને દીવા સાથે સેલ્ફી લેવી જેવી પ્રવૃતિઓના માધ્યમથી નાગરિકોને આ અભિયાનમાં જોડવામાં આવશે. સ્થાનિક કક્ષાએ ૭૫ જેટલા વૃક્ષો વાવીને અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. આ ઉપરાંત, દેશની વિવિધ સંરક્ષણ પાંખમાં ફરજ બજાવતા શહીદ થયેલા જવાનોને વંદન કરીને તેમના પરિવારનું સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રધ્વજને સલામી અર્પીને સામૂહિક રાષ્ટ્રગાન માટે લોકોને આહ્વાન કરવામાં આવશે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.