અવસર લોકશાહીનો…. તનથી અશક્ત છીએ, પણ મનમાંથી વહે છે સશક્ત લોકશાહીની પ્રબળ ભાવના: દિવ્યાંગ મતદાર મિતેશ મારૂ
બોટાદ જિલ્લાની બંને વિધાનસભા મતદાર વિભાગમાં બે મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત
કોઈ દિવ્યાંગ મતદાર કે વરિષ્ઠ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સવિશેષ કામગીરી
“દિવ્યાંગ છું, પણ મતદાનના દિવસે મારે મત આપવા જવા હવે પરિવારના સભ્યો કે આડોશપાડોશના કોઈ વ્યક્તિ પર આધારિત નહીં રહેવું પડે. દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના દિવ્યાંગ મતદારો માટેના કંટ્રોલ રૂમ નં.(02849) 271323 પર નોંધણી કરાવીને મને ચૂંટણી વિભાગ મતદાન મથક સુધી પહોંચાડશે અને પરત મારા ઘર સુધી પણ મુકી જશે.” આ શબ્દો છે બોટાદના બરવાળા ખાતે રહેતા દિવ્યાંગ મિતેશભાઈ મારૂના...
બોટાદ જિલ્લામાં દિવ્યાંગો માટે મતદાન કરવા જવું વધુ સરળ બને તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી વધુને વધુ દિવ્યાંગ મતદારો આ લોકશાહીના અવસરમાં ભાગીદાર બને. કોઈ દિવ્યાંગ મતદાર કે વરિષ્ઠ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમને મતદાન માટે પ્રેરિત તથા જાગૃત કરવા માટે વિવિધ મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
મિતેશએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે જિલ્લા કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કરતા જ મને લોકશાહી એટલે શું? મતદાનનું કેટલું મહત્વ છે? તેના વિશે માહિતી મળી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત માહિતી વિભાગે મીડિયા સેન્ટર ઉભું કરીને ખુબ સરસ અને માહિતીસભર આયોજન કર્યુ છે. લોકશાહીનો પર્વ મહાપર્વ છે, જેમા દરેક નાગરિકે ભાગ લેવો જોઈએ. મત આપવો એ આપણી ફરજ છે. લોકશાહીમાં મતદાન કરીને આપણે આપણી ફરજ નીભાવવી જોઈએ. હું દિવ્યાંગ છું. પરંતુ માત્ર તનથી, મારા મનમાં સશક્ત લોકશાહીની પ્રબળ ભાવના વહી રહી છે. મને મતાધિકાર મળ્યો ત્યારથી મેં દરેક વખતે અચૂક મતદાન કર્યુ છે. બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે ખુબ સુંદર આયોજન થયું છે. જ્યારે ચૂંટણી પંચે દિવ્યાંગો માટે ખાસ એપ્લીકેશન કાર્યરત કરી છે. જેના થકી મારા જેવા અનેક દિવ્યાંગો નોંધણી કરાવી મતદાનના દિવસે જરૂરી સેવા મેળવી શકશે. ઉપરાંત બોટાદ જિલ્લામાં તો મતદાનના ઓછામાં ઓછાં એક કલાક પહેલા કંટ્રોલ રૂમ નં. (02849) 271323 પર જાણ કરીને દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકશે, જેનાથી મતદાનના દિવસે દિવ્યાંગોને કોઈ તકલીફ નહીં પડે.
વધુમાં મિતેશભાઈએ ઉમેર્યુ હતું કે, બોટાદ જિલ્લાની 106-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 206-ગઢડા-16 સ્ટેશન રોડ અને 107-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 188-બોટાદ-48 પાંચપડા એમ બે મતદાન મથકો સંપૂર્ણપણે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે. આ સુંદર અભિગમ દિવ્યાંગોને નવું જોમ અને નવી ઉમંગ પુરી પાડશે તેવો વિશ્વાસ મિતેષભાઇએ વ્યક્ત કર્યો હતો.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.