લગ્નની લાલચે ગોંધી રાખી એક સંતાનના પિતાએ બળાત્કાર ગુજાર્યો
રાજકોટ,તા.2 : શહેરના ગોકુલધામ વિસ્તારમાં રહેતા શખ્સે લગ્નની લાલચ આપી શાપરની સગીરાને ફસાવી તેનું અપહરણ કરી બે દિવસ સુધી રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ મહિલા પોલીસ ચોપડે નોંધાયો છે.આ બનાવમાં આરોપીને રૂમની વ્યવસ્થા કરી આપનાર તેના મિત્ર સામે પણ મદદગારીનો ગુનો નોંધાયો હતો.મહિલા પોલીસ મથકના પીઆઇ કે.જે.મકવાણા સહિતના સ્ટાફે બંને શખ્સોને સકંજામાં લઈ સગીરાનું મેડિકલ કરાવવા વધુ કાર્યવાહી આદરી છે. બનાવની વિગતો અનુસાર,શાપરમાં રહેતી મહિલા મંગળવારે સાંજે તેની સગીર વયની પુત્રી સાથે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી હતી.
તેની સગીરવયની પુત્રી સાથે દુષ્કર્મ થયાનો આક્ષેપ કર્યો હતો.આ મહિલાએ ફરિયાદમાં આરોપી તરીકે ગોકુલધામ આવાસ ક્વાર્ટર્સમાં રહેતા આકાશ દંતાણી અને તેના મિત્ર જયપાલ ચનિયારાના નામ આપ્યા હતા.તેઓ સામે એટ્રોસીટી,અપહરણ,પોકસો અને ધમકી અંગેની કલમ હેઠળ મહિલા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.મહિલાએ સમગ્ર હકીકત અંગે જણાવ્યું હતું કે,પોતે શાપર રહે છે તેમજ રાજકોટના ગોકુલધામ આવાસનો આકાશ કામ સબબ શાપર આવતો હોય સગીરા સાથે તેનો પરિચય થયો હતો. આકાશે લગ્ન કરવાની લાલચ આપી સગીરાને જાળમાં ફસાવી હતી અને ગત તા.24ના ગોંડલ રોડ ચોકડીએ મોબાઈલમાં ફોન કર્યા બાદ બોલાવતા સગીરા ત્યાં મળવા પહોંચી હતી
ત્યાંથી આકાશે રિક્ષામાં તેનું અપહરણ કરી જયપાલે રાખેલા એક રૂમે લઇ ગયો હતો અને ત્યાં સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખ્યા બાદ સગીરા સાથે બળજબરી કર્યા બાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું તેમજ ધમકી આપ્યા બાદ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી. ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે,મારા પતિ હયાત નથી.મારી પુત્રીને સ્કૂલે જતી ત્યારે આકાશ સાથે સંપર્ક થયો હતો બાદમાં બન્ને પરિચયમાં હતા.પુત્રીને રસોઇ બનાવવા મામલે ઠપકો આપતા તેણી ઘરેથી જતી રહી હતી અને ગોંડલ ચોકડીએથી આકાશ લઈ ગયો હતો.બાદમાં બે દિવસ બાદમાં પારડી નજીક મૂકીને જતો રહ્યો હતો. મહિલા પોલીસે બંને આરોપીઓને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.પોલીસને આકાશને અઢી માસનો દિકરો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.