તલોદના બડોદરા ખાતે પશુ હેલ્પ લાઇન ૧૯૬૨ દ્વારા ગાયનું નિ:શુલ્ક ઓપરેશન કરાયું - At This Time

તલોદના બડોદરા ખાતે પશુ હેલ્પ લાઇન ૧૯૬૨ દ્વારા ગાયનું નિ:શુલ્ક ઓપરેશન કરાયું


*તલોદના બડોદરા ખાતે પશુ હેલ્પ લાઇન ૧૯૬૨ દ્વારા ગાયનું નિ:શુલ્ક ઓપરેશન કરાયું*
***************
*૩ કલાકના સફળ ઓપરેશન બાદ ગાયની હોજરીમાંથી લોખંડનો તાર, પથ્થરના ટૂકડાં અને પ્લાસ્ટિક બહાર કાઢ્યુ*
*********************
*રૂમેનોટોમી જેવી જટીલ સર્જરી કરી ગાયને નવજીવન બક્ષ્યું*
********************
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરા ગામે ૧૯૬૨ દ્રારા કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં દ્વારા ગાયની હોજરીનું નિ:શુલ્ક રૂમેનોટોમી ઓપરેશન કરી ગાયનાં પેટમાંથી લોખંડ, પથ્થર અને પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવ્યું હતુ.

પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથારના જણાવ્યા મુજબ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાના ડૉ. ધૃપલ પટેલને બડોદરા ગામના ખેડૂત વિજયસિંહ જાલાનો કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની દેશી કાંકરેજ ગાયને પગની વચ્ચે અચાનક વધુ પડતો સોજો આવી ગયો છે. ડ્યુટી પર હાજર પશુ ચિકિત્સક ડૉ. ધ્રુપલ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. ગાયને ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે ગાયનાં પેટમાં લોખંડ, પથ્થરના ટૂકડાં અને પ્લાસ્ટિક છે.
પરિસ્થિતિની જાણ થતા તરત જ ડૉ.ધૃપલ પટેલ, ડૉ.માધવી પટેલ અને ડૉ.પાયલ પટેલ તેમજ ડ્રેસર શૈલેન્દ્રસિંહ,પરેશભાઈ અને વિજયભાઈ સાથે મળીને ગાયનાં હોજરીનું રૂમેનોટોમી નામનું જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું.આશરે ૩ કલાકના સફળ ઓપરેશન બાદ ગાયની હોજરીમાંથી લોખંડનો તાર, પથ્થરના ટૂકડાં અને પ્લાસ્ટીકના વાયરો બહાર કાઢવામાં આવ્યા હતા.

બડોદરાના ખેડૂત વિજયસિંહ જાલા દ્વારા ૧૯૬૨ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં ગુજરાત સરકારની ૧૯૬૨ સેવાના કારણે જટિલ ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવે છે તેથી ગુજરાત સરકાર અને પશુપાલન વિભાગનો પણ હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અબોલ જીવ એવી ગાયનું રૂમેનોટોમી નામનું જટિલ ઓપરેશન સફર રીતે પાર પાડી ૧૯૬૨ ના પશુ ચિકિત્સક સાચાં અર્થમાં દેવદૂત બન્યા હતા. ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ અને જી.વી.કે ઈ.એમ.આર.આઈ દ્વારા પી.પી.પી મોડલ પર આધારીત સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૫ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે.

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.