રાજકોટ શહેરની ટીમે નેશનલ રાફ્ટીંગ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યુ. - At This Time

રાજકોટ શહેરની ટીમે નેશનલ રાફ્ટીંગ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યુ.


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય ખેલના પ્રારંભથી ગુજરાતનો માહોલ રમતમય બની રહ્યો છે. રાજકોટમાં પણ આ ખેલ મહોત્સવને લઈને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ત્યારે ૮મી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશીપની વિવિધ ઈવેન્ટસમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ રાજકોટમાં આવી ચૂકી છે. આ ટીમે રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી પ્રદીપ ડવ તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેયરશ્રી તથા કમિશનરશ્રીએ સ્મૃતિ ચિહ્ન આપી ટીમને સન્માનિત કરી હતી. નોંધનીય છે કે ૮મી રાષ્ટ્રીય રાફ્ટિંગ કોમ્પિટિશન ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન કુલ્લુ-મનાલીના પીરડીમાં બિયાસ નદી પર થઈ હતી. જેમાં ૧૯૬૫ પછી પહેલીવાર ગુજરાતની પુરુષ તથા મહિલાઓની ટીમે ભાગ લીધો હતો. રાફ્ટિંગની આ એડવાન્સ રમતમાં ટીમ ગુજરાતના તમામ ખેલાડીઓ રાજકોટના હતા. પુરુષોની ટીમમાં સિદ્ધરાજસિંહ સોલંકી, ભરત કામલિયા, પરિક્ષિત કલોલા, સાહિલ લખવા, પ્રિયાંશ દવે, વિવેક ટાંક, હિરેન રાતડિયાએ ભાગ લીધો હતો. જ્યારે મહિલાઓની ટીમમાં કુમારી મૈત્રી જોશી, પ્રિશા ટાંક, બાંસુરી મકવાણા, ડૉ.ઋત્વા સોલંકી, જીનલ પિત્રોડા, ભગવતી જોશીએ ભાગ લીધો હતો. આ ટીમ ચેમ્પિયનશીપની કુલ-૯ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં સ્લોલેમ ઈવેન્ટમાં મહિલા ટીમે ચોથો ક્રમ મેળવ્યો હતો. જ્યારે મહિલા-પુરુષ સંયુક્ત સ્પર્ધામાં આ ટીમ છઠ્ઠા ક્રમે રહી હતી. પુરુષોની સ્પર્ધામાં ગુજરાતની પહેલીવાર રમનારી ટીમે પંજાબની અનુભવી ટીમને હરાવીને આશ્ચર્ય સર્જ્યું હતું. પુરુષ ટીમના કેપ્ટન સિદ્ધરાજસિંહ સોલંકી તેમજ મહિલા ટીમના કેપ્ટન મૈત્રી જોશીએ સાહસ અને કુનેહ દ્વારા ક્વોલિફાય સમયમાં મેરેથોન પૂરી કરી હતી. રાજકોટ ક્યાક કેનોય એસોસિએશનના પ્રમુખ ડૉ.નીલા મોહિલે તથા ડૉ.અલકા જોશી, સેક્રેટરી અને કોચશ્રી બંકિમ જોશી દ્વારા આ તમામ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.