EMI ફરી વધશેઃ આજથી RBIની બેઠકઃ રેપો રેટમાં વધારો શકય - At This Time

EMI ફરી વધશેઃ આજથી RBIની બેઠકઃ રેપો રેટમાં વધારો શકય


, તા.૩: રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજથી શરૂ થઈ રહી છે. આ બેઠકમાં કેન્‍દ્રીય બેંક નીતિ વિષયક નિર્ણયો લેશે, જેની જાહેરાત આરબીઆઈ ગવર્નર શક્‍તિકાંત દાસ ૫ ઓગસ્‍ટે કરશે. કહેવામાં આવી રહ્યું છે કે ૩ થી ૫ ઓગસ્‍ટની વચ્‍ચે યોજાનારી આ બેઠકમાં RBI રેપો રેટમાં વધારો કરી શકે છે. અગાઉ યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં પણ RBIએ રેપો રેટમાં વધારો કર્યો હતો. દર બે મહિને મળનારી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ રહી છે.

નિષ્‍ણાતોના મતે રિઝર્વ બેંક ૦.૨૫ થી ૦.૩૫ ટકા સુધીનો વધારો કરી શકે છે. ફુગાવાનો દર સળંગ કેટલાંક મહિનાઓથી મધ્‍યસ્‍થ બેંક દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ રહ્યો છે. તેને દૂર કરવા માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
છૂટક ફુગાવો સતત ૭ ટકાથી ઉપર રહ્યો છે. જો સેન્‍ટ્રલ બેંક રેપો રેટ વધારશે તો બેંકો લોન પર વ્‍યાજ દર વધારી શકે છે. રિઝર્વ બેંકે મે મહિનામાં ૦.૪૦ ટકા અને જૂનમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. સતત વધારા બાદ રેપો રેટ વધીને ૪.૯૦ ટકા થઈ ગયો છે.
જૂન મહિનામાં મોંઘવારી દર ૭.૦૧ ટકા હતો. આ સતત છઠ્ઠી વખત હતો જ્‍યારે ફુગાવાનો દર રિઝર્વ બેંક (RBI ) દ્વારા નિર્ધારિત લક્ષ્ય મર્યાદા કરતા વધારે હતો. જુલાઈ મહિનાના આંકડા હજુ આવવાના બાકી છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ૭.૦૪ ટકા હતો. એપ્રિલ મહિનામાં રિટેલ મોંઘવારી દર ૭.૭૯ ટકા નોંધાયો હતો. ખાદ્ય ફુગાવો જૂનમાં ૭.૭૫ ટકા હતો જે મે મહિનામાં ૭.૯૭ ટકા નોંધાયો હતો.
રિઝર્વ બેંકે ૨૦૨૨-૨૩ માટે ફુગાવાનો અંદાજ ૫.૭ ટકાથી વધારીને ૬.૭ ટકા કર્યો છે. સરકારે આરબીઆઈને રિટેલ ફુગાવો ૨ ટકાના માર્જિન સાથે ૪ ટકાથી ૪ ટકા પર રાખવાનો આદેશ આપ્‍યો છે. આરબીઆઈએ રિટેલ ફુગાવાનો ટાર્ગેટ ૬ ટકા રાખ્‍યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.