જૂની અદાવતના સમાધાન માટે બોલાવી સોની વેપારી બંધુ પર કેશોદ રહેતાં પિતરાઈનો હિંચકારો હુમલો - At This Time

જૂની અદાવતના સમાધાન માટે બોલાવી સોની વેપારી બંધુ પર કેશોદ રહેતાં પિતરાઈનો હિંચકારો હુમલો


રાજકોટમાં ઓમપાર્કમાં રહેતાં રવિ ભીંડીને જૂની અદાવતના સમાધાન માટે સુખસાગર સોસાયટી પાછળ રેલ્વે ટ્રેક પાસે બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતાં. વેપારીને બચાવવા વચ્ચે પડેલ મોટા ભાઈને પણ માર મારતા બંનેને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં ઓમપાર્ક શેરીમાં રહેતાં રવિભાઈ હરસુખભાઈ ભિંડી (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યોગેશ હરગોવિંદ ભીંડી (ઉ.વ.46),(રહે. ખિરસરા ઘેડ, કેશોદ) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 118,125(2) 352 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને સોની બજારમાં પ્લેટેનિયમ ચેમ્બરમાં દુકાન ભાડે રાખી સોની કામની મજુરી કામ કરે છે. ઘરમાં તેઓ તેમના પત્ની, એક પુત્ર-પુત્રી તેમજ મોટા ભાઇ વિપુલભાઈ જે અપરિણીત છે અને માતા કિરણબેન સાથે રહે છે. તેઓએ તેમના પત્ની સાથે આઠેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ છે. તેમનું સસરા પ્રફુલભાઈ સોજીત્રા પાસોદરા સુરત રહે છે, જેમની સાથે બોલવાનો વ્યવહાર નથી. દસેક મહીના અગાઉ તેમના સગા મોટાબાપુના દિકરા યોગેશભાઈ ભીંડી તેમના પત્નીને મેસેજ કરી હેરાન કરતો હોય જેથી તેમની પત્નીએ વાત કરતા આરોપી સાથે ફોનમા બોલાચાલી થયેલ હતી. બાદમાં સમાજના વડીલો વચ્ચે પડતા બંને પક્ષે બોલવાના વ્યવહાર બંધ કરી નાખેલ હતો.
ગઇ તા.21 ના રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે યોગેશનો અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ કે, આપણે દશ મહીના પહેલાની વાતનુ સમાધાન કરવું છે, અહિં મોરબી રોડ નાની રેલ્વે ફાટક પાસે સુખસાગર સોસાયટીની પાછળ રેલ્વે ટ્રેક પાસે આવો કહેતા તેઓ તેમના પત્ની સાથે ત્યાં ગયેલ અને ત્યાં જતા યોગેશ તથા અન્ય બે અજાણ્યા શખ્સો કારમાં આવેલ હોય કારની બહાર ત્યાં ઉભા હતાં. ત્યાં જઇ વાત કરતાં અમારે સમાધાનની વાતચીત ચાલુ હતી ત્યારે ઉગ્ર બોલાચાલી થતા યોગેશ ઉશ્કેરાઈ જઇ ગાળો દઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો.
દરમિયાન તેઓએ તેમના મોટા ભાઈને ફોન કરી બોલાવતાં હતાં ત્યારે બે અજાણ્યા શખ્સોએ પણ ગાળો દઈ તેઓની પાસે રહેલ લાકડાનાં ધોકા વડે ફટકારવા લાગેલ હતાં. તેમજ યોગેશે પોતાની પાસે રહેલ ધારદાર હથીયાર વડે હાથનાં બાવડા ઉપર ઉપરાઉપરી બે ઘા ઝીંકી દિધેલ હતાં. દરમિયાન તેનો મોટો ભાઈ વચ્ચે પડતાં તેને પણ હથિયારનો ઘા ઝીંકી દિધેલ અને કહેતા ગયેલ કે, અમે સિવીલમા જઇએ છીએ ત્યાં આવજો તેમ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં બંને ભાઈઓને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.