માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી "નમો લક્ષ્મી યોજના" અમલમાં મૂકાઇ - At This Time

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી “નમો લક્ષ્મી યોજના” અમલમાં મૂકાઇ


*માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી "નમો લક્ષ્મી યોજના" અમલમાં મૂકાઇ*
**
*ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની આશરે ૫.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ*
****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં "નમો લક્ષ્મી" યોજના જાહેર કરી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ધોરણ-૯ થી ધોરણ-૧૨માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે ૫.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં મોટાભાગે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.
નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧ની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ-૯ અને ધોરણ-૧૧ની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રુચીમાં વધારો થાય તે હેતુસર ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઇ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫૦૦૦ ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે.
****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.