આરોગ્ય વિભાગની બેદરકારી : દવા – મેડીકલ સાધનોનો મોટો સ્ટોક પલળી ગયો
રાજકોટમાં મેડીકલ દવાઓનો સંગ્રહ થાય છે તેવા સરકારી વેરહાઉસની ઘટના પ્રકાશમાં આવી છે. ખુલ્લામાં રખાયેલી લાખો રૂપિયાની દવાનો સ્ટોક પલળી ગયાનું અને મોટી નુકસાની થયાના નિર્દેશ સાંપડયા છે.
પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી પ્રમાણે રાજકોટના મોરબી રોડ પર ગુજરાત સરકાર હસ્તકનું જીએમએસસીએલ વેરહાઉસ આવેલું છે. જયાં સરકારી હોસ્પિટલો તથા કલીનીકોમાં પહોંચાડવાની થતી દવા ઉપરાંત સર્જીકલ સામાનનો સ્ટોક રાખવામાં આવતો હોય છે.
રાજકોટમાં ગત સપ્તાહમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ વખતે વેરહાઉસમાં દવાઓ ખુલ્લામાં રાખવામાં આવી હતી અને ભારે વરસાદ પડતા આ તમામ સ્ટોક પલળી ગયો હોવાનું કહેવાય છે.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા દસેક દિવસથી પલળેલી દવાઓ તથા મેડીકલ સાધનોના બોકસ સાથેનો જંગી સ્ટોક ખુલ્લામાં પડયો છે અને તેમાં જુદી જુદી દવા ઉપરાંત શીરપ, ટયુબ તથા પીપીઇ કીટ સહિતના મેડીકલ સાધનો હોવાનું જણાઇ રહ્યું છે.
આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના મોરબી રોડ પર સ્થિત આ વેરહાઉસમાંથી સૌરાષ્ટ્રના છ જિલ્લા અને બે કોર્પોરેશન વિસ્તારના આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો વગેરેમાં દવાઓ તથા મેડીકલ સાધનો જરૂરીયાત મુજબ પહોંચાડવામાં આવતા હોય છે.
વેરહાઉસનું સંચાલન રાજય સરકારના જીએમએસસીએલ હસ્તક છે અને નુકસાનીનો વાસ્તવિક આંકડો આપવામાં આવતો નથી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે દવાનો મોટો સ્ટોક પલળી ગયો હોવાથી નુકસાની લાખોમાં રહેવાનું માનવામાં આવી રહ્યું છે.
ગત સપ્તાહમાં ભારે વરસાદ વખતે જન્માષ્ટમીની રજાઓ હતી. રજાઓના કારણે સ્ટોક ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો કે કેમ તે વિશે પણ અનેકવિધ ચર્ચાઓ થઇ રહી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.