શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લાના ૧૨ હજારથી વધુ બાળકોનો શાળા પ્રવેશ કરાવાશે
જિલ્લાનું એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેવા ન પામે, સો ટકા નામાંકન થાય અને કોઇ બાળક
શાળા છોડીને જતું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવતાં જિલ્લા કલેકટર શ્રી ડૉ.મનીષકુમાર
આગામી તા. ૨૩ થી ૨૫ દરમિયાન મહીસાગર જિલ્લામાં યોજાનાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના સુચારૂં આયોજન અર્થે મળેલ બેઠક
લુણાવાડા,
વ્યકિતત્વ ઘડતરમાં અગત્યની અને ચાવીરૂપ ભૂમિકા જો કોઇ ભજવતું હોય તો તે પ્રાથમિક શિક્ષણ છે. આ પ્રાથમિક શિક્ષણથી રાજયના ૬ થી ૧૪ વય જૂથના બાળકો વંચિત રહી ન જાય તે માટે રાજય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બાયસેગના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજયના સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, શિક્ષણ રાજય મંત્રી શ્રી ડૉ. કુબેરભાઇ ડીંડોર, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગર જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ દરમિયાન જિલ્લામાં યોજાનાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના સુચારૂં આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી ડૉ.મનીષકુમારના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટર શ્રી ડૉ.મનીષકુમારે ૬ થી ૧૪ વર્ષની વય ધરાવતું એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેવા ન પામે અને પ્રવેશ મેળવવાપાત્ર થતાં તમામ બાળકોનું સો ટકા નામાંકન થાય તેની સાથોસાથ શાળામાં દાખલ થયેલ એકપણ બાળક શાળામાંથી અધવચ્ચેથી અભ્યાસ છોડીને જતો ન રહે તેની વિશેષ કાળજી રાખવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
શ્રી ડૉ.મનીષકુમારે સંબંધિત અધિકારીઓને પ્રાથમિક શિક્ષણ એ બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં મહત્વનો ભાગ ભજવતું હોઇ બાળકો સંપૂર્ણ પ્રાથમિક શિક્ષણ મેળવે તે માટે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા સુચવ્યું હતું.
કલેક્ટરશ્રીએ બાળકો શાળામાં આવવા પ્રેરાય અને અધવચ્ચેથી શાળા છોડીને જતા ન રહે તેવા વાતાવરણનું નિર્માણ કરવા પર ભાર મૂકી બાળકોને ઉત્સાહપૂર્ણ વાતાવરણ પુરૂં પાડવા જણાવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બારીયાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના આ ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન ૧૩૩ રૂટ રાખવામાં આવ્યા છે. જેમાં ૧૧૯૩ શાળાઓને આવરી લેવામાં આવી છે. જેમાં ૬૬૪૭ કુમાર અને ૬૨૭૪ કન્યા મળી કુલ ૧૨૯૨૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં લુણાવાડા તાલુકાના ૧૫૧૪ કુમાર અને ૧૪૭૫ કન્યા મળી કુલ ૨૯૮૯, બાલાસિનોર તાલુકાના ૮૬૪ કુમાર અને ૮૦૧ કન્યા મળી કુલ-૧૬૬૫, ખાનપુર તાલુકાના ૭૩૭ કુમાર અને ૭૦૮ કન્યા મળી કુલ ૧૪૪૫, કડાણા તાલુકાના ૧૦૧૧ કુમાર અને ૯૫૧ કન્યા મળી કુલ ૧૯૬૧, સંતરામપુર તાલુકાના ૧૮૭૪ કુમાર અને ૧૭૧૫ કન્યા મળી કુલ ૩૫૮૯, વિરપુર તાલુકાના ૬૪૭ કુમાર અને ૬૨૪ કન્યા મળી કુલ ૧૨૭૧ બાળકોનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.ડી.લાખાણી, જિલ્લા પોલીસ વડાશ્રી આર.પી.બારોટ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણ અને તાલીમના પ્રાચાર્ય શ્રી એ.વી.પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.