બંગાળી કારીગર ઘોડદોડ રોડના જ્વેલર્સના રૂ. 1.13 કરોડના સોનાના બિસ્કીટ અને દાગીના લઇ રફુચક્કર
- જ્વેલર્સે સૈયદપુરાના અલ્પના જ્વેલરી વર્ક શોપમાં 6 બિસ્કીટ દાગીના બનાવા આપ્યા હતાઃ ગ્રાહકોના કુલ 529.39 ગ્રામના દાગીના રીપેરમાં આપ્યા હતા- બંગાળી કારીગરે બિમાર હોવાનું કહી વાયદા કર્યા અને દુકાન બંધ કરી રફુચક્કર થઇ ગયોસુરતસુરતના સૈયદપુરા-નગોરીવાડ ખાતે અલ્પના જ્વેલરી વર્ક શોપનો બંગાળી કારીગર ઘોડદોડ રોડના બિશનદયાલ જ્વેલર્સના દાગીના બનાવાના 660 ગ્રામ વજનના 6 નંગ બિસ્કીટ, સોનાનો નેક્લેસ, હીરા ઉપરાંત ગ્રાહકોના રીપેરીંગના 529.39 ગ્રામના દાગીના મળી કુલ રૂ. 1.13 કરોડની મત્તા લઇ રફુચક્કર થઇ જતા ઉમરા પોલીસ દોડતી થઇ ગઇ છે. ઘોડદોડ રોડ સ્થિત સરેલા શોપીંગ સેન્ટરમાં બિશનદયાલ જ્વેલર્સ શો-રૂમના માલિક નિશાંત દિલીપ ટીંબરેવાલ (ઉ.વ. 32 રહે. સાકેત એપાર્ટમેન્ટ, ઉમરીગર સ્કૂલની સામે, ઉમરા) એ ગત 22 જુલાઇએ સૈયદપુરાના નાગોરીવાડના અલ્પના જ્વેલરી વર્ક શોપના માલિક અભિજીત ઉર્ફે બુબઇ ચૈતાલી ઘોષને સોનાનો 515 ગ્રામનો નેકલેસ રૂ. 19 લાખ અને તેમાં હીરા જડવા માટે 6.20 કેરેટના રૂ. 25 લાખના હીરા આપ્યા હતા. ત્યાર બાદથી બે દિવસ અગાઉ સુધીમાં નિશાંતે 24 કેરેટના સોનાના 660 ગ્રામ વજનના 6 નંગ બિસ્કીટ, 125.1 ગ્રામની બંગડી દાગીના બનાવા આપ્યા હતા. જયારે શો-રૂમના 16 ગ્રાહકની સોનાની બંગડી, વીંટી, ચેઇન, નેકલેસ, મંગળસૂત્ર, પેન્ડલ, બ્રેસલેટ વિગેરે મળી 523.39 ગ્રામ વજનના દાગીના રીપેરીંગ કરવા માટે આપ્યા હતા. દાગીના બનાવી અને રીપેર કરીને આપવાને બદલે અભિજીતે બિમાર હોવાનું નાટક કરી સમય પસાર કરતા નિશાંતને શંકા ગઇ હતી. જેથી અલ્પના જ્વેલરી વર્ક શોપ ખાતે રૂબરૂ જઇ તપાસ કરતા દુકાન બંધ હતી અને અભિજીત ઉર્ફે બુબઇનો મોબાઇલ ફોન પણ બંધ હતો. જયારે અભિજીત 660 ગ્રામ વજનના સોનાના 6 નંગ બિસ્કીટ કિંમત રૂ. 34.40 લાખ, દાગીના બનાવાનું મટીરીયલ્સ 220 ગ્રામ કિંમત રૂ. 2200, હીરા 106.20 કેરેટના કિંમત રૂ. 25 લાખ, નેકલેસ તથા ગ્રાહકોના કુલ 523.39 ગ્રામ વજનના દાગીના કિંમત રૂ. 23.54 લાખ મળી કુલ રૂ. 1.13 કરોડના સોનાના દાગીનાની ઠગાઇ અંગે ફરીયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.