મુંજકા ચોકડીએ રાતે અઢી વાગ્યે ૧૨ શખ્સોએ જુનાગઢ મધર ડેરીની ગાડી આંતરી દૂધ નદીમાં વહાવ્યું: પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટ તા. ૨૧: માલધારી સમાજે વિવિધ પ્રશ્નો અંગે અગાઉ સરકારને કરેલી રજૂઆતો મામલે ધ્યાન આપવામાં આવ્યું ન હોઇ આજે બુધવારે દૂધ વિતરણ બંધની જાહેરાત કરી હતી. કોઇ ઉગ્ર દેખાવ કરવાને બદલે શાંતિપુર્ણ રીતે દૂધ વિતરણ ઠપ્પ રાખી સરકારની નીતિનો વિરોધ કરવાનું નક્કી થયું હતું. જો કે મંગળવારે મોડી રાતે કાલાવડ રોડ પર મુંજકા ચોકડી નજીક બાર શખ્સોનું ટોળી ઓચીંતુ રોડ પર ધસી આવ્યું હતું અને જુનાગઢની મધર ડેરીના વાહનને અટકાવી તેમાંથી દૂધની થેલીઓના કેરેટ કાઢી થેલીઓ નદીમાં ફેંકી દીધી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ૧૨ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ રૂા. ૨૯૩૩૦નું દૂધ નદીમાં વહાવી દઇ નુકસાન પહોંચાડયાનો ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળેલી વિગત મુજબ મુળ યુપીના સંતકબીર દાસનગરમાં રહેતાં હવાલદારસિંગ આચ્છેવરસિંગ પુરે મુડીયા -રાજપૂત (ઉ.વ.૩૮) નામના યુવાન હાલ જુનાગઢ ખાતે મધર ડેરીમાં દૂધની ગાડી ચલાવવાની નોકરી કરે છે. આ મધર ડેરીના પ્રિયા ટ્રાન્સપોર્ટના માલિક પોપટભાઇ દલસંગભાઇ ચોૈધરી છે. તા. ૨૦/૯ના રાતે સાડા નવેક વાગ્યે હવાલદારસિંગ ચોૈધરી મધર ડેરીની ગાડી નં. જીજે૦૨ઝેડઝેડ-૮૧૭૯માં દૂધ ભરી જુનાગઢથી રાજકોટ આવવા નીકળ્યા હતાં. આ દૂધ દિલ્હી નોઇડા ખાતે પહોંચાડવા માટેનું હતું. તેની સાથે મિત્ર નોૈશાદભાઇ પણ હતાં.
રાતે અઢી વાગ્યા આસપાસ દૂધના વાહન સાથે બંને રાજકોટ મુંજકા ચોકડી લક્ષ્મીનારાયણ સ્કૂલ પાસેના પુલ પર પહોંચ્યા ત્યારે ૧૨ જેટલા માલધારીના છોકરાઓએ ગાડી રોકી હતી અને આ દૂધની ગાડી આગળ નહિ જવા દઇએ તેમ કહી ડ્રાઇવર અને તેના મિત્રને નીચે ઉતારી મુક્યા હતાં. એ પછી વાહનમાંથી દૂધ કાઢી નદીમાં ઢોળી નાંખી રૂા. ૨૯૩૩૦નું નુકસાન કર્યુ હતું.
યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ. આર. ઝાલાએ હવાલદારસિંગની ફરિયાદ પરથી ૧૨ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૪૧, ૧૪૩, ૪૨૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.