જસદણમાં સૂફી સંત સૈયદ મોહંમદ દાદાબાપુ કાદરીની વફાતને લઈ મુસ્લિમ સમાજમાં ભારે શોક
સાવરકુંડલાના સૂફી સંત સૈયદ મોહંમદ દાદાબાપુ કાદરી ગત રાત્રિના પરદો કરી જતાં તેમનાં હજજારો અનુયાયીઓમાં ભારે શોકની કાલિમા છવાઈ હતી. આજીવન અલ્લાહની બંદગી અને સેવાવ્રત પાળનારા દાદાબાપુ રાત્રિના ધરતી પરથી વિદાય લેતાં જસદણ મુસ્લિમ સમાજમાં પણ શોકભીનો માહોલ રચાયો છે. શિક્ષણ, ધર્મ,સેવા અને વ્યસન મુક્તિ અંગે બેનમૂન કામગીરી કરનારા સૈયદ દાદાબાપુ ટુંકી માંદગીમાં ગત રાત્રિના પરદો કરી જતાં તેમને સોશ્યલ નેટવર્કિંગની વિવિઘ સાઈટ્સ પર હજજારો લોકોએ રાતભર દિલથી દિલના ઊંડાણથી અંજલિ આપી હતી. આ અંગે સામાજિક કાર્યકર હુસામુદ્દીન કપાસીએ શબ્દાંજલિ અર્પતા જણાવ્યું હતું, કે સૈયદ દાદાબાપુ લોકોની સેવાના બાદશાહ હતાં. તેઓએ અંત સુધી સમાજનાં છેવાડાના લોકોને લાભ કેમ મળે તે માત્ર ચિંતા નહી પણ કામ કરીને દેખાડયું હતું. તેમનાં થકી અનેક ઘરોમાં અજવાળાં પથરાયા હતાં. આમ છતાં અભિમાન એમને સ્પર્શ્યું નહોતું અનેક લોકોને મદદરૂપ બનનારા દાદાબાપુએ એટલાં સત્કાર્યો કર્યાં હતાં કે એમને આવનારી પેઢીઓ પણ ભુલી નહી શકે એમ અંતમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે સૈયદ મોહંમદ દાદા બાપુએ પોતાની હયાતી દરમિયાન અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે આજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળશે જેમની નમાજમાં ઠેર ઠેરથી હજજારો લોકો અદન અને અકીદતથી જોડાય આંસુની અંજલી અર્પણ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.