મતદારો આધાર નંબર લિંક કરી શકે તે માટે સંભવતઃ તા.૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં વિશેષ કેમ્પ યોજવામાં આવશે
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સહભાગીતાપૂર્ણ ચૂંટણીઓનું સંચાલન કરતું ભારતનું ચૂંટણી પંચ સમય સાથે કદમ મિલાવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અને નવીન વ્યવસ્થાઓ થકી સમગ્ર પ્રક્રિયાને સરળ અને સુગમ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. લોકશાહીની સૌથી મોટી તાકાત એવા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે અને મતદારલક્ષી સુવિધાઓમાં વધારો થાય તેવા નિર્ધાર સાથે જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ દ્વારા વિવિધ સુધારા પણ કરવામાં આવે છે. મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારયાદીને ક્ષતિરહિત કરવા આ વર્ષે વર્તમાન મતદારો પોતાના આધાર નંબરની જાણ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવનાર છે.ચૂંટણી પંચ દ્વારા તા.૩૦ ડિસેમ્બર, ૨૦૨૧ની અધિસુચના અન્વયે લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦માં કરવામાં આવેલા સુધારા પૈકી નોંધાયેલા મતદારો તથા નવા નોંધવામાં આવનાર મતદારો પોતાનો આધાર નંબર ઉમેરી શકે તે માટે કલમ ૨૩માં સુધારો કરવામાં આવ્યો છે.
મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ની કલમ ૨૬(બી) મુજબ દરેક વ્યક્તિ કે જેનું નામ મતદારયાદીમાં ઉમેરાયેલું છે તે કલમ ૨૩(૫)ની જોગવાઈ મુજબ નવું દાખલ થયેલ ફોર્મ ૦૬(બી) ભરી પોતાના મતદાર ઓળખ પત્ર સાથે આધાર નંબર લિંક કરાવી શકશે.
જો કે ચૂંટણી પંચ દ્વારા એ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, મતદાર ઓળખ પત્ર સાથે આધાર નંબર લિંક કરાવવું કે નહીં તે મતદાર સ્વૈચ્છિક રીતે નક્કી કરશે. આધાર નંબર લિંક ન કરાવનાર કોઈપણ મતદારનું નામ મતદારયાદીમાંથી કમી કરવામાં આવશે નહીં.
તાજેતરમાં જ અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે યોજાયેલી મતદાર નોંધણી અધિકારીઓ, નાયબ ચૂંટણી અધિકારીઓ અને સિસ્ટમ સુપરવાઈઝર્સની તાલીમ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર. કે. પટેલ દ્વારા નોંધાયેલા મતદારોના આધાર નંબર લિંક કરવા માટે નવા દાખલ કરવામાં આવેલા ફોર્મ ૦૬(બી) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તા.૧૭ જૂન, ૨૦૨૨ના જાહેરનામામાં દર્શાવ્યા અનુસાર આગામી તા.૦૧ એપ્રિલ,૨૦૨૩ સુધી મતદાર તરીકે નોંધાયેલા દરેક વ્યક્તિ પોતાના આધાર નંબરની જાણ કરી શકે છે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા નોંધાયેલા મતદારો પાસેથી આધાર નંબર એકત્રિત કરવા માટે સંભવિત રીતે આગામી તા.૦૧ ઓગષ્ટ, ૨૦૨૨થી ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાના સહયોગથી મતદારોને આ સબંધે જાગૃત કરવામાં આવશે. સાથે જ સંભવતઃ તા.૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં અને ત્યારબાદ દરેક જિલ્લામાં મહિનાના જે રવિવારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી નિશ્વિત કરે તે દિવસોમાં મતદારો આધાર નંબર મતદાર ઓળખપત્ર સાથે લિંક કરી શકે તે માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે.જેનું નામ મતદારયાદીમાં નોંધાયેલું છે તેવા મતદારોએ આધાર નંબર લિંક કરાવવા માટે ફોર્મ ૦૬(બી) ભરવાનું રહેશે જે ચૂંટણી પંચની વેબસાઈટ www.eci.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતદાર ઑનલાઈન પોર્ટલ કે મોબાઈલ ઍપ મારફત ફોર્મ ૦૬(બી) ભરી આધાર કાર્ડ સાથે લીંક કરેલા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો વન ટાઈમ પાસવર્ડ દાખલ કરી સ્વપ્રમાણિત કરી શકશે. સંજોગાવશાત્ આ પ્રક્રિયામાં તકનિકી ચૂકના કારણે સ્વપ્રમાણિત ન થઈ શકે તો મતદાર જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ૦૬(બી) જમા કરાવી શકશે. આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારી અને બુથ લેવલ ઑફિસર પાસેથી ફોર્મ ૦૬(બી) મેળવી આધાર નંબર નોંધાવી શકાશે.
ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ નોંધાયેલા મતદારોની માહિતીમાં આધાર નંબર ઉમેરવા માટે ફોર્મ ૦૬(બી) જમા કરાવવાનું રહેશે. જ્યારે તા. ૦૧ ઓક્ટોબર, ૨૦૨૨ પહેલા ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નવા નોંધાનાર મતદારો નવીન સુધારા સાથેના ફોર્મ ૦૬માં જ આધાર નંબરની જાણ કરી શકશે. આ બાબતે વધુ માહિતી મેળવવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦નો ઉપયોગ કરી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.