ફ્લાઈટ ફિયાસ્કાનો સિલસિલો યથાવત : ઇન્ડિગોની ફ્લાઇટ રન-વે પર લપસી
નવી દિલ્હી,તા. 29 જુલાઇ 2022, શુક્રવાર છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્ડિગોની ફ્લાઈટ સાથે ઘણી ઘટનાઓ બની છે. હવે ફરી એકવાર ઈન્ડિગોની ફ્લાઈટમાં દુર્ઘટના સર્જાઇ હતી. ઇન્ડિગોની ફ્લાઇટ આસામના જોરહાટથી કોલકાતા માટે ઉડાન ભરી હતી. જ્યાં ફ્લાઇટ રનવે પરથી સરકી ગઈ હતી. આ પ્લેન રનવે પરથી સરકી જતાં કાદવમાં ફસાઈ ગયું હતું. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.મળતી માહિતી પ્રમાણે ઈન્ડિગોની ફ્લાઈટ 6E-757 ગુરુવારે બપોરે 2.20 વાગ્યે ટેકઓફ થઈ હતી. પ્લેનમાં કુલ 98 મુસાફરો સવાર હતા. જે બાદ રાત્રે લગભગ 8:15 વાગ્યે પ્લેન કેન્સલ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાની મદદ ઇન્ડિગોનું આ પ્લેનના પૈડા કાદવમાં ફસાઇ જતા ભારતીય વાયુસેનાની મદદથી મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ દુર્ઘટના અંગે ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું કે, જોરહાટથી ટેક-ઓફ દરમિયાન પ્લેન રનવે પર લપસી ગયું અને કાદવમાં ફસાઈ ગયું. આ ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. વિમાનને તપાસ માટે જોરહાટ પરત લઈ જવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 1 જુલાઈ 2021 થી 30 જૂન 2022 ની વચ્ચે, વિમાનમાં તકનીકી ખામી સંબંધિત કુલ 478 ઘટનાઓ બની હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.