ચીનના હથિયારો પર નજર રાખવા લદ્દાખના પહાડોમાં ‘સ્વાતી’ને તૈનાત કરશે ભારતીય સેના
નવી દિલ્હી,તા 29 જૂન 2022,બુધવારલદ્દાખ સરહદે ભારત સામે મોરચો માંડીને બેઠેલા ચીનના હથિયારોને શોધવા માટે ભારતે પહાડોમાં તૈનાત કરી શકાય તેવા વેપન લોકેટિંગ રડારના અપગ્રેડ કરાયેલા વર્ઝનનો ભારત ઈલેક્ટ્રોનિકસ લિમિટેડને ઓર્ડર આપ્યો છે.વેપન લોકેટિંગ એટલે કે હથિયારની ભાળ મેળવતા રડારનુ નામ સ્વાતી છે. સેના પહેલા પણ બોર્ડર પર આ રડાર સિસ્ટમ તૈનાત કરી ચુકી છે પણ હવે તેનુ અત્યાધુનિક વર્ઝન ચીન સામે પહાડોમાં તૈનાત કરાશે.આ વર્ઝનને સ્વાતિ એમકે-2 નામ અપાયુ છે.જે અગાઉના વર્ઝન સ્વાતી એરે એમકે-1 કરતા વજનમાં હળવુ હશે અને ક્ષમતા પહેલા કરતા વધારે હશે.સ્વાતિ એમકે-2નુ મુખ્ય કામ પોતાની તરફ આવતા દુશ્મનના આર્ટિલરી શેલ, રોકેટ કે મોર્ટારને ટ્રેક કરવાનુ છે. અગાઉના એમકે-1 વર્ઝનની 46 સિસ્ટમ આખા દેશની સરહદો પર તૈનાત કરવામાં આવી છે. આ રડારને ડીઆરડીઓ, ભારત ઈલેક્ટ્રોનિક્સ અને એલઆરડીઈએ મળીને બનાવ્યુ છે.રડાર 30 કિલોમીટર દુરથી જ દુશ્મનની તોપના ગોળાને પોતાની તરફ આવતુ જોઈ લે છે અને તેની દિશા તેમજ ગતિની પણ જાણકારી આપી શકે છે. આ જ રીતે રોકેટ કે નાના મિસાઈલને તે 80 કિમી દુરથી લોકેટ કરી શકે છે અને મોર્ટારને 20 કિમી દુરથી ટ્રેસ કરી શકે છે.આ પ્રકારના રડારની કમી ભારતની સેનાએ 1999ના કારગીલ વોર વખતે અનુભવી હતી. તે સમયે પાકિસ્તાન પાસે અમેરિકાનુ આ પ્રકારનુ રડાર તૈનાત હતુ.એ પછી ભારતે અણેરિકા પાસે આ જ પ્રકારની 12 રડાર સિસ્ટમ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. 2007 સુધીમાં ભારતને તેની ડિલિવરી મળી હતી. ભારતના વૈજ્ઞાનિકોએ તેના આધારે સ્વદેશી વેપન લોકેટિંગ રડાર બનાવવાનુ શરુ કરી દીધુ હતુ.એટલુ જ નહીં ભારતે આ પ્રકારનુ રડાર આર્મેનિયાને વેચ્યુ પણ છે. આર્મેનિયન સેના તેનો ઉપયોગ પણ કરી રહી છે. સ્વાતી રડાર એક સાથે સાત ટાર્ગેટની ભાળ મેળવીને તેની જાણકારી આપી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.