ઊંચી ઉડાન:સુરક્ષા માટે ભારત અને અમેરિકા વિમાન પ્રવાસીઓના બાયોમેટ્રિક ડેટા શૅર કરશે - At This Time

ઊંચી ઉડાન:સુરક્ષા માટે ભારત અને અમેરિકા વિમાન પ્રવાસીઓના બાયોમેટ્રિક ડેટા શૅર કરશે


ભારત અને અમેરિકા ફ્લાઇટ સુરક્ષા માટે ટૂંક સમયમાં મુસાફરોના બાયોમેટ્રિક્સ ડેટાને શેર કરશે. બંને દેશોની વચ્ચે આ વિશે સૈદ્ધાંતિક રીતે સહમતિ સધાઈ ગઈ છે. તેનું મોટું કારણ છે કે હવાઈ યાત્રિકોની વધતી સંખ્યાની સાથે સુરક્ષા પણ મોટો મુદ્દો બનીને ઉભરી રહ્યો છે. બાયોમેટ્રિક્સ ડેટાથી હવાઈ સફર કરનારા પ્રત્યેક મુસાફરનો રેકોર્ડ બંને દેશોની પાસે રહેશે. બાયોમેટ્રિક્સ ડેટામાં ફિંગરપ્રિન્ટ, આઇરિસ (આંખ) સ્કેન અને ફેશિયલ રિકગ્નિશન (ચહેરાની ઓળખ) જેવા તમામ અથવા એક ડેટા સામેલ છે. બાયોમેટ્રિક્સ ડેટા એક વર્ષ સુધી સુરક્ષિત રહેશે. અમેરિકાની હાલમાં નાટો અને કેટલાક અન્ય દેશોની સાથે આવી ફ્લાઇટ સંબંધી ડેટા શેરિંગની સમજૂતી છે. નોંધનીય છે કે ભારત 1985માં કનિષ્ક ફ્લાઇટ દુર્ઘટના અને અમેરિકા 9/11ના હવાઈ હુમલાની ઘટનાઓ ભોગવી ચૂક્યું છે. ડેટા સરકારો પાસે રહેશે, લીક થવાનું જોખમ નહીં રહે
યાત્રિકોના બાયોમેટ્રિક્સ ડેટા હવે બંને દેશોની સરકારો પાસે હશે. ભારત તરફથી આઇબીની પાસે, જ્યારે અમેરિકામાં કસ્ટમ-બોર્ડર કન્ટ્રોલ આ ડેટાને રાખશે. બંને સરકારી એજન્સીઓ જ શેરિંગ એજન્સી રહેશે. ડેટા ત્રીજી એજન્સી પાસે નહીં રહે. ગોપનીયતા ઉલ્લંઘનનું જોખમ નહીં હોય. હાલમાં યોજાયેલી ભારત-અમેરિકા એવિયેશન સમિટ દરમિયાન યુએસ ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટીના પ્રમુખ ડેવિડ પિકોસ્કેએ કહ્યું કે બંને દેશ સાઇબર સિક્યુરિટી ડેટાને પણ એકબીજાને શેર કરશે. ભારતીયોના લગેજની વારંવાર તપાસ નહીં થાય
ભારત અને અમેરિકાની વચ્ચે વન સ્ટોપ સ્ક્રીનિંગ એગ્રીમેન્ટ પણ થશે. તેનાથી ભારતીય યાત્રિકોના લગેજની વારંવાર તપાસ નહીં થાય. ઉદાહરણ રૂપે ન્યૂયોર્કવાળી ફ્લાઇટ માટે નવી દિલ્હી એરપોર્ટ ખાતે જ યાત્રીના લગેજની તપાસ થઈ જશે. બાદમાં જો યાત્રી ન્યૂયોર્કથી અમેરિકાના કોઈ પણ અન્ય શહેરની કનેક્ટિંગ ફ્લાઇટ માટે જાય છે તો લગેજની ફરી તપાસ નહીં થાય. યુએસ એવિયેશનના રિપોર્ટ મુજબ 2030 સુધી ભારત અને અમેરિકાની વચ્ચે દર વર્ષે 26 લાખ લોકો સફર કરશે. 2023માં 15 લાખ હતો જ્યારે 2024માં આ આંકડો 17 લાખ રહેવાની શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.