‘કેટલી ક્યૂટ લાગે છે…’:શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર કરી અભદ્ર ટિપ્પણી, ટ્રોલર્સે હદ વટાવતા નવા કાયદા પ્રમાણે તુરંત કાર્યવાહીનો આદેશ
શુક્રવાર 5 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં કેપ્ટન અંશુમનને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. જે તેમની પત્ની સ્મૃતિ અને માતા મંજૂએ લીધો હતો. આ દરમિયાન સ્મૃતિએ તેના અને પતિ અંશુમનની છેલ્લી ઘડીની વાતો મીડિયાને જણાવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ દરમિયાન ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે સ્મૃતિનો વીડિયો જોઈને તેના પર કમેન્ટ્સ કરી છે. આ કમેન્ટ્સમાં અનેક સારી કમેન્ટ્સ હતી તો કેટલી અભદ્ર અને અપમાનજનક કમેન્ટ્સ પણ હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ કીર્તિ ચક્રથી સન્માનિત કેપ્ટન અંશુમન સિંહની પત્ની વિરુદ્ધ 'ઓનલાઇન' અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીને ગંભીરતાથી લીધી છે. મહિલા આયોગે સોમવારે દિલ્હી પોલીસને કહ્યું કે તેઓ આરોપી વિરુદ્ધ માત્ર કેસ દાખલ કરવા ઉપરાંત કડક કાર્યવાહી પણ કરે. અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી દિલ્હીનો રહેવાસી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે સોમવારે દિલ્હી પોલીસને જાહેર કરેલા લેટરમાં વિશેષ કાયદાકીય જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 79 અને માહિતી અને ટેક્નોલોજી (IT) એક્ટ, 2000ની કલમ 67નો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર સ્મૃતિનો આ વીડિયો વાઇરલ થયો હતો બીએનએસમાં છે 3 વર્ષ સજાની જોગવાઈ
ભારતીય ન્યાયિક સંહિતા (BNS) ની કલમ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા કોઈપણ કૃત્યને સજા કરવાની જોગવાઈ કરે છે. જ્યારે IT એક્ટની આ કલમ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રીના પ્રકાશન અથવા પ્રસાર માટે સજા સાથે કામ કરે છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પોતાના લેટરમાં આ કાયદાઓ હેઠળ અપાતી સજાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આ ગુનાઓ માટે પ્રથમ વખત અપરાધીઓ માટે ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. પોલીસ 3 દિવસની અંદર કાર્યવાહી કરે
NCWએ દિલ્હી પોલીસને આ વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવા અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા જણાવ્યું છે. આયોગે આ મામલે પોલીસ દ્વારા નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની પણ માગ કરી છે. આ ઉપરાંત કાર્યવાહીનો અહેવાલ ત્રણ દિવસમાં દાખલ કરવા પણ કહેવામાં આવ્યું છે. કેપ્ટન અંશુમન કોણ હતા?
કીર્તિ ચક્ર વિજેતા કેપ્ટન અંશુમન સિંહ પંજાબ રેજિમેન્ટની 26મી બટાલિયનના આર્મી મેડિકલ કોર્પ્સનો ભાગ હતા. ઓપરેશન મેઘદૂત દરમિયાન તેઓ સિયાચીનમાં મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતા. 19 જુલાઈ, 2023ના રોજ સિયાચીનના ચંદન ડ્રોપિંગ ઝોનમાં લાગેલી ભયાનક આગ દુર્ઘટના દરમિયાન અંશુમને ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ દરમિયાન આગ મેડિકલ ઇન્વેસ્ટિગેશન સેન્ટરમાં ફેલાઈ ગઈ હતી. આ જોઈને કેપ્ટન અંશુમન પોતાની ચિંતા કર્યા વિના જ તેમાં કૂદી ગયો હતો. આગમાં ઘેરાઈને શહીદ થઈ ગયા હતા અંશુમન
સિયાચીન ગ્લેશિયરમાં 19 જુલાઇ 2023ના રોજ રાત્રે લગભગ 3.30 વાગ્યે ભારતીય સૈન્યના બારૂદ રાખેલા બંકરમાં આગ લાગી ગઇ હતી. જેના લીધે ઘણા ટેન્ટ પણ આગની ચપેટમાં આવી ગયા હતા અને આ દરમિયાન ભારતીય સૈનિકો આગમાં ઘેરાઇ ગયા હતા. તે સમયે ત્યાં કેપ્ટન અંશુમન પણ તૈનાત હતા. આવા કપરા સમયે તેમણે બહાદુરી બતાવી તેમના સાથીઓનો જીવ બચાવ્યો હતો. તે સમયે તેઓ આગથી ઘેરાયેલા બંકરમાં ઘૂસી ગયા હતા અને પોતાના ચાર સાથીઓને સુરક્ષિત બહાર કાઢી લાવ્યા હતા. પરંતુ પોતે ગંભીર રીતે દાઝ્યા હતા, આ દરમિયાન તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરી સારવાર માટે ચંડીગઢ લઇ જવામાં આવ્યા હતા જ્યાં કેપ્ટન અંશુમન સિંઘે સારવાર દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરી હતી. AFMC ક્વોલિફાઈ કર્યું હતું
અભ્યાસ બાદ અંશુમનનું સિલેક્શન આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણેમાં થયું. ત્યાંથી MBBS કર્યા બાદ કેપ્ટન અંશુમન સિંહ આર્મીના મેડિકલ કોર્પ્સમાં જોડાયા. પત્ની સ્મૃતિ વ્યવસાયે એન્જિનિયર છે અને તેનાં માતા-પિતા સ્કૂલ પ્રિન્સિપાલ છે. આગ્રા મિલિટરી હોસ્પિટલમાં ટ્રેનિંગ લીધા બાદ અંશુમનને ત્યાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. અંશુમનના પિતા રવિ પ્રતાપ સિંહ સેનામાં JCO હતા. કેપ્ટન અંશુમન સિંહની માતા મંજુ સિંહ સિવાય પરિવારમાં ભાઈ ઘનશ્યામ સિંહ અને બહેન તાન્યા સિંહ છે. બંને નોઈડામાં ડોક્ટર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.