બોટાદમાં હિન્દી દિવસની ઉજવણી: શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે થયા ખાસ આયોજન
હિન્દી ભાષા આપણાં રાષ્ટ્રની અસ્મિતા અને ગૌરવનું પ્રતિક: જાણો શા માટે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ? શું છે આ દિવસનું મહત્વ?
દેશભરની દરેક શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં હિન્દી દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. 14મી સપ્ટેમ્બર એ દરેક ભારતીય માટે ખરેખર ગર્વનો દિવસ છે. આખા દેશને એક કરતી ભાષા હિન્દીનો આ દિવસ છે. સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલા ભારતમાં હિન્દી દિવસના દિવસનું મહત્વ ઘણું વધારે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં લોકોનો ખોરાક, જીવનશૈલી, પહેરવેશ, શારીરિક રચના, વિચારધારા પણ અલગ-અલગ છે. હિન્દી ભાષા વિવિધ પ્રદેશોના લોકોના હૃદયના અંતરને ઓછું કરી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે. હિન્દી ભાષા વિશ્વના ખુણાં-ખુણાં સુધી પહોંચે તે માટે સરકારશ્રી તરફથી વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે અને તેની ફળશ્રૃતિ રૂપે આજે વિશ્વના અનેક દેશોમાં લોકો હિન્દી ભાષાથી પરિચીત થઈ રહ્યા છે.
ત્યારે બોટાદની શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો દ્વારા હિન્દી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળા-કોલેજોમાં હિન્દી ભાષા દરેક લોકો સુધી પહોંચે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓ માટે હિન્દી ભાષામાં નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો.
શા માટે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ?
ભારત દેશના પ્રથમ વડાપ્રધાનશ્રી જવાહરલાલ નેહરુએ ઈ.સ 14 સપ્ટેમ્બર,1953ના રોજ હિન્દી દિવસની દર વર્ષે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. આઝાદીના બે વર્ષ પછી 14 સપ્ટેમ્બર 1949ના રોજ, બંધારણ સભામાં સર્વસંમતિથી હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણય પછી, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાની વિનંતી પર, દરેક પ્રદેશમાં હિન્દી પ્રચાર કરવા માટે 14 સપ્ટેમ્બરને સમગ્ર ભારતમાં દર વર્ષે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દીને જનતાની ભાષા ગણાવી હતી. તેઓ ઈચ્છતા હતા કે હિન્દી રાષ્ટ્રભાષા બને. 1918માં આયોજિત હિન્દી સાહિત્ય સંમેલનમાં તેમણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનું કહ્યું હતું.
અંગ્રેજી અને મેન્ડરિન પછી હિન્દી એ વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વિશ્વભરની સેંકડો યુનિવર્સિટીઓમાં હિન્દી શીખવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં કરોડો લોકો હિન્દી સમજી શકે છે. અમેરિકામાં 150થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દી ભણાવવામાં આવે છે.
હિન્દી માત્ર આપણી માતૃભાષા કે રાષ્ટ્રભાષા જ નથી પરંતુ રાષ્ટ્રની અસ્મિતા અને ગૌરવનું પ્રતિક છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.