ગણેશ વિસર્જન સમયે પાણીમાં ગરકાવ થતાં ચાર ડૂબ્યાં, એકનું મોત - At This Time

ગણેશ વિસર્જન સમયે પાણીમાં ગરકાવ થતાં ચાર ડૂબ્યાં, એકનું મોત


રાજકોટનાં ત્રંબા ખાતે ત્રિવેણી સંગમમાં ગણેશ વિસર્જન સમયે ચાર યુવાનો ડૂબ્યા હતાં. જેમાં 15 વર્ષીય લક્કી મકવાણાનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે અન્ય એક યુવાન ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. ગઈ કાલે રૂખડિયાપરા વિસ્તારના લોકો વિસર્જન કરવાં ગયા હતાં ત્યારે બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રૂખડિયાપરામાંથી ગઇકાલે બપોરે 2 વાગ્યે વાહનમાં ગણપતિજીની પ્રતિમા મૂકી વિસર્જન માટે ધામેધૂમે લોકો નીકળ્યા હતા. અને ત્રંબા નદીકાંઠે પહોંચ્યા હતા.
ગણેશ વિસર્જન માટે ત્રંબા ગામે આવેલ નદીના ત્રિવેણી ઘાટ ખાતે આવ્યા હતા. અને વિસર્જન માટે નદીમાં ઊંડા પાણીમાં ઉતર્યા હતા અને તે સાથે જ ચાર યુવાનો પણ પાણીમાં ઉતર્યા હતા.જેમાં લક્કી અશોકભાઈ મકવાણા (ઉ.વ15), રાહુલ પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.15), સુરજ મિતેશભાઈ જાટ (ઉ.વ.18) અને પ્રિન્સ(ઉ.વ.16) પાણીમાં ઉતર્યા હતા.
જેમાંથી એક યુવક નદીના વહેણમાં ડૂબતા તેને બચાવવા અન્ય ત્રણેય મીત્રોએ પણ છલાંગ લગાવી હતી. એક સાથે ચારેય નદીમાં ડૂબવા લાગતા અફરાતફરી મચી ગઇ હતી.આમ ચારે’ય મિત્રો ડૂબતા ત્યાં હાજર સ્થાનિક લોકોએ સુરેશ અને પ્રિન્સને તૂર્ત જ બહાર કાઢી લીધા હતા. જોકે લક્કી અને રાહુલને ભારે જહેમત બાદ બેભાન હાલતમાં પાણીમાંથી બહાર કાઢતા બંનેને તકિદે 108 મારફત રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં લકી મકવાણાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે. જ્યારે પાણીમાં ગરકાવ થનાર સુરજને ગભરામણ થતાં તેના પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને સારવારમાં સારુ જણાતાં રજા આપવામાં આવી હતી. મૃતક તરૂણ ધોરણ 9 માં અભ્યાસ કરતો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.