રાજકોટથી કોંગ્રેસની વિરાટ યાત્રા: ખોડલધામ-સિદસરમાં ભવ્ય સ્વાગત - At This Time

રાજકોટથી કોંગ્રેસની વિરાટ યાત્રા: ખોડલધામ-સિદસરમાં ભવ્ય સ્વાગત


ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવસેને દિવસે ઢુકડી આવી રહી છે અને તેમાં લોકોને પોતાની તરફ લાવવા માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. દરમિયાન નવલી નવરાત્રીનું પર્વ પણ ચાલી રહ્યું હોય તેમાં રાજકીય પક્ષો દ્વારા અલગ-અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
દરમિયાન કોંગ્રેસ દ્વારા આજે ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ અંતર્ગત રાજકોટથી વિરાટ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજકોટથી રેલી નીકળ્યા બાદ ખોડલધામ પહોંચી હતી જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ઉમિયાધામ-સીદસર ખાતે પહોંચેલી રેલીને પણ આવકાર આપવામાં આવ્યો હતો.
મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી ગુજરાતને મુક્તિ મળે અને ગુજરાતીઓને શાંતિ-સમૃદ્ધિ મળે તે સંકલ્પ સાથે આયોજિત આ યાત્રામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય-કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, ઋત્વીક મકવાણા, અંબરીશ ડેરની આગેવાનીમાં બે જૂદા જૂદા સ્થળેથી યાત્રા નીકળી હતી.
રાજકોટમાં આ યાત્રાનો પ્રારંભ બહુમાળી ચોકથી થયો હતો. અહીંથી ઈન્દીરા સર્કલ સહિતના વિસ્તારોમાં યાત્રા ફરીથી ગોંડલ રોડથી ખોડલધામ તરફ પહોંચી હતી. ખોડલધામ પહોંચ્યા બાદ રેલીનું સ્વાગત ખોડલધામ મંદિરના પ્રમુખ નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી યાત્રા ઉમિયાધામ-સીદસર ખાતે પહોંચી હતી.
એકંદરે 200 કિલોમીટરથી વધુ લાંબી યાત્રા બે જુદા જુદા સ્થળેથી આજે રવાના થઈ છે. પ્રથમ યાત્રા રેસકોર્સથી ઉમિયા માતાના પાવનધામ સીદસર સુધી અને બીજી યાત્રા રાજુલાથી થઈ ખાંભા, ચલાલા, બગસરા, જેતપુર થઈ ઉમિયાધામ-સીદસર અને ખોડલધામ ખાતે પહોંચશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો-નેતાઓ જોડાયા છે. એક અંદાજ પ્રમાણે 300થી વધુ વાહનો આ યાત્રામાં જોડાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.