ભારત-શ્રીલંકાની ટીમનું રાજકોટમાં આગમન:કાલે ફાઇનલ જંગ - At This Time

ભારત-શ્રીલંકાની ટીમનું રાજકોટમાં આગમન:કાલે ફાઇનલ જંગ


ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે રમાનારા ત્રીજા અને અંતિમ ટી-20 મેચ માટે આજે બપોરે બંને ટીમોનું ચાર્ટર પ્લેનમાં રાજકોટમાં આગમન થતાની સાથે જ ક્રિકેટ ફિવર છવાય ગયો છે. બીજો મેચ શ્રીલંકાએ જીતી લેતા શ્રેણી 1-1ની બરાબર પર આવી જવા પામી છે. આવતીકાલનો મેચ ફાઇનલ સમાન બની રહેશે. સિરીઝ જીતવાના બુલંદ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ખંઢેરી સ્થિત એસસીએ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યાથી મેચનો આરંભ થશે.
ત્રણ ટી-20 મેચની શ્રેણીનો પ્રથમ મેચ મુંબઇના વાનખડે સ્ટેડિયમ ખાતે રમાય હતી. જેમાં મેચની અંતિમ ઓવરમાં ભારતનો બે રને વિજય થયો હતો. બીજો ટી-20 મેચ ગઇકાલે ગુરૂવારે પુણે ખાતે રમાયો હતો. જેમાં ભારે રોમાંચક બાદ શ્રીલંકાનો 16 રને વિજય થયો હતો. ત્રણ મેચની શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. રાજકોટ ખાતે આવતીકાલે રમાનારી ત્રીજી ટી-20 મેચ ફાઇનલ સમાન બની રહેશે.
આજે બપોરે 2:30 કલાકે પૂણે ખાતેથી બન્ને ટીમોનું ચાર્ટર ફ્લાઇટમાં રાજકોટ આગમન થયું હતું. ટીમ ઇન્ડિયાને કાલાવાડ રોડ સ્થિત હોટલ સૈયાજી ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકન ટીમને 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ બન્ને ટીમોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોત પોતાની હોટલ ખાતે લઇ જવામાં આવી હતી.
શ્રીલંકાની ટીમ પ્રથમવાર ખંઢેરીમાં ટી-20 મેચ રમશે. ભારત માટે સૌથી મોટો પડકાર કંગાળ બોલીંગ અને બેટ્સમેનોનું ખરાબ ફોર્મ છે. બન્ને મેચમાં બોલરોની ધોલાઇ થઇ હતી. જ્યારે બેટ્સમેનો પણ શ્રીલંકન બોલરો સામે સતત સંઘર્ષ કરતા નજરે પડ્યા હતાં. બીજી ટી-20 મેચમાં ભારતે 207 રનના લક્ષ્યાંક સામે માત્ર 57 રનમાં પાંચ વિકેટો ગુમાવી દીધી હતી. સુર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની અર્ધી સદીની મદદથી ટીમનો રકાસ અટક્યો હતો. જો કે ભારે રોમાંચકતા બાદ ભારતનો 16 રને પરાજય થયો હતો.
શ્રેણીનો અંતિમ ટી-20 મેચ આવતીકાલે રાજકોટમાં રમાશે. હાલ ત્રણ મેચની સિરિઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર હોવાના કારણે આવતીકાલનો મેચ ફાઇનલ સમાન બની રહેશે. બન્ને ટીમો શ્રેણી પર કબ્જો કરવા એડી-ચોંટીનું જોર લગાવશે. ખંઢેરીની વિકેટ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં ટોસ જીતનારી ટીમના સુકાની પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કરશે. આવતીકાલે સાંજે 6:30 કલાકે ટોસ ઉછાળવામાં આવશે. 7 કલાકે મેચનો પ્રથમ દડો ફેંકાશે.
આજે બપોરે બન્ને ટીમોનું આગમન થતાની સાથે જ રાજકોટ ક્રિકેટમય બની ગયું છે. પોતાના મન પસંદ ક્રિકેટરોની આછેરી ઝલક પામવા માટે ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં એરપોર્ટ અને હોટલની બહાર ઉભા રહી ગયા હતા. બંને ટીમો નેટ પ્રેક્ટિસ કર્યા વિના જ આવતીકાલે સિધા મેચ રમવા માટે જ મેદાનમાં ઉતરશે. રાજકોટમાં છેલ્લે જૂન-2022માં છેલ્લો ટી-20 મેચ રમાયો હતો. જેમાં ભારતનો સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય થયો હતો. મેચની તમામ ટિકિટો વહેંચાય ગઇ છે. કાલના ફાઇનલ સમા ત્રીજા ટી-20 મેચની રોમાંચકતા માણવા ક્રિકેટપ્રેમીઓમાં જબ્બર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુકાની હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ઘરઆંગણે રમાય રહેલી ટી-20 શ્રેણી જીતવાનો બૂલંદ ઇરાદો ધરાવે છે. સામા પક્ષે એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ પણ ભારતને હરાવવા માટે સજ્જ બની ગઇ છે. કાલની મેચમાં ભારે રોમાંચક ટક્કર જોવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.