વન વીક, વન રોડ; કાલથી રાજમાર્ગો પરના દબાણો હટાવવા મનપાની ઝુંબેશ શરૂ થશે
રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત વર્ષની જેમ જ ફરી વન વીક, વન રોડની કોર્પો.ના જુદા જુદા વિભાગોની ડ્રાઇવ આવતીકાલ મંગળવારથી શરૂ થવા જઇ રહી છે. દબાણ હટાવ, ટીપી, આરોગ્ય, ઢોર પકકડ, સફાઇ, રસ્તા, ગટર, ટેકસ સહિતની કામગીરી હવેથી ધમધમતી થશે.
મનપાની આ વન વીક, વન રોડ ઝુંબેશના સારા પરિણામ રસ્તા પર જોવા મળ્યા હતા. ઘણા રસ્તા પર રહેતા નાના છતાં કાયમી દબાણો રાહદારીઓ અને વાહન ચાલકોને નડતરરૂપ હોય છે. પાર્કિંગ અને માર્જીનમાં રહેતા દબાણો તો વાહન પાર્ક કરવા દેતા નથી. આથી આવા દબાણોનો સફાયો આ ઝુંબેશમાં થતો હતો. આરોગ્ય અને સફાઇના પ્રશ્ર્નો પણ દુર થતા હતા. તો લાઇન લીકેજ જેવા પાણી પુરવઠાને લગતા પ્રશ્ર્નો પણ આ સંયુકત ડ્રાઇવમાં ધ્યાન પર આવતા હતા.
ચૂંટણી પૂર્વેના થોડા સમય અગાઉ આ ડ્રાઇવ બંધ કરવામાં આવી હતી. વેપારીઓની દુકાનો બહાર પાર્કિંગ-માર્જીનમાં રહેતા છાપરા જેવા દબાણ પણ હટાવાતા હોય, પાર્કિંગની જગ્યા ખુલ્લી થતી હતી. બિનઆરોગ્યપ્રદ ફૂડ વેંચતા ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હતી. આ સફળ ઝુંબેશની નોંધ રાજય સરકારે પણ લઇને પ્રશંસા કરી હતી. દરમ્યાન હવે શહેરમાં કાયમ જરૂરી લાગતી આ ડ્રાઇવ મંગળવારથી ફરી શરૂ થવાની છે. ત્રણે ઝોનમાં આ ડ્રાઇવ ચાલશે જેમાં રાજમાર્ગો ઉપરાંત અમુક ગીચ વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવે તો જુના રાજકોટની ટ્રાફિક સમસ્યા પણ હળવી થાય તેવો મત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.