બાઇકની લાઈટનો પ્રકાશ પડવા મામલે બે પરિવાર વચ્ચે તલવાર અને પાઈપથી મારામારી
ગોકુલપાર્કની અંદર બે પડોશીઓ2 વચ્ચે બાઇકની લાઈટનો પ્રકાશ પડવા મામલે બોલાચાલી થયા બાદ સામસામે તલવાર અને પાઈપથી મારમારી થતાં ચાર વ્યક્તિને સારવારમાં ખસેડવા પડ્યા હતાં તેમજ રિક્ષામાં તોડફોડ કરતાં આજીડેમ પોલીસ મથકે બનાવની સામસામી ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી શૈલેશભાઇ જીવાભાઇ ચાવડા (ઉ.વ.42) (ધંધો.ભંગારનો ડેલો) (રહે. માધવવાટીકા શેરી નં .4 ગોકુલ પાર્કની અંદર) એ જણાવ્યું હતું કે, ગતરોજ રાતના નવ વાગ્યાની આસપાસ હું બાઇક લઇ મારા ઘરે આવતો હતો ત્યારે માધવવાટીકા સોસાયટીમાં મારા ઘરની સામે રહેતા અક્ષય બાલમુકુન્દ રોડ ઉપર ઉભેલ હતા તેની ઉપર મારા બાઇકની લાઇટ પડતા અક્ષય રાજસ્થાનીએ કહેલ કે મારી પર તે બાઇક કેમ નાંખ્યું કહી બોલાચાલી કરી ઝઘડો કરતા કોઇએ 100 નંબરને ફોન કરી દેતા હું મારા ઘરમાં ચાલ્યો ગયેલ હતો.
બાદમાં હું તથા મારો પુત્ર મિતેશ અક્ષયને સમજાવવા જતા અક્ષય અને તેના પિતા બંન્ને ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરવા લાગેલ હતા અને ત્યારે અક્ષયના સંબંધી રોસનલાલ તથા હુકમીચંદ પણ ત્યાં આવી ગયેલ હતા,અને બાદમાં અક્ષય અને તેના પિતાએ મને પકડી રાખેલ રોશનલાલે તેની પાસેની તલવાર હાથમાં તથા માથામાં ઝીંકી દીધી હતી જ્યારે હુકમીચંદએ ધોકાથી ફટકારવા લાગ્યો હતો. ત્યારે દેકોરો મચી જતાં મારી પત્ની અને પુત્રો આવી જતાં મને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે ઇજાગ્રસ્તે બલમુકુંદ કુમાવત,અક્ષય કુમાવત, રોશનલાલ કુમાવત અને હુકનીચંદ કુમાવત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે રોશનલાલ રામલાલ કુમાવત (રહે. માધવવાટીકા સોસાયટી, શેરી નં,4 ગોકુલપાર્કની અંદર) જણાવ્યું હતું કે ગત રાત્રીના હું માધવવાટીકા સોસાયટીમાં મારા ઘર પાસે ઉભો હતો ત્યારે અમારી સામેના ભાગે રહેતા શૈલેશભાઇ જીવાભાઇ ચાવડા તેનું બાઇક લઇ આવેલ અને મારા પાડોશી રાજસ્થાની બાલમુકુન્દભાઇના દિકરા અક્ષયને બાઇક અડાડી દેતા શૈલેશ તથા અક્ષય વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ઝઘડો થતા અમે ત્યાં ગયા હતાં અને ત્યારે રાજસ્થાની રમેશ કુમાવતે 100 નંબરમાં ફોન કરતા શૈલેશ ભાગી ગયેલ હતો.
થોડીવાર બાદ શૈલેશ ચાવડા તેની પુત્ર મિતેશ તથા તેના સબંધી વિજયભાઇ અને હકાભાઇ સહિતના ઘસી આવ્યા હતાં અને અક્ષયની રિક્ષામાં તોડફોડ કરવા લાગતાં હું મારો ભાઈ હુકમિચંદ, અક્ષય બાલમુકુન્દભાઇએ કહેલ કે શું કામ રીક્ષામાં તોડફોડ કરો છો કહેતા શૈલેષ ઉશ્કેરાઇ જઇ ચપ્પુનો એક ઘા બાલમુકુન્દભાઇના પેટના ભાગે ઝીંકી દિધો હતો અને ઝાપઝપી થતાં તેની સાથેના હકભાઈએ મારા પર તલવારથી માથામાં ઘા ઝીંક્યા હતાં. જ્યારે તેની સાથેના વિજયે મારા ભાઇ હુકમીચંદને ધોકાથી બેફામ ફટકારતા તેમજ શૈલેષના પુત્ર મિતેષ પણ હુકમીચંદને ઢીકાપાટુંનો મારમારી ધમકી આપી નાસી છૂટ્યા હતાં.
બાદમાં 108 મારફતે ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત રોશનલાલે શૈલેષ જીવા ચાવડા, મિતેષ ચાવડા, વિજય અને હકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથકના પીઆઇ કે.જે.કરપડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.