રાયકા – દોડકાની ફિડર લાઇનમાં ભંગાણથી આજે પાણી ઓછું મળશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી ખાતેના ચાર ફ્રેન્ચ કૂવા પૈકી રાયકા અને દોડકા કૂવાની જીએસએફસી સોખડા ફિડર લાઇનમાં જીએસએફસી ગેટ સામે ભંગાણ થતાં તાકિદનું રિપેરિંગ શરૃ કરાયું છે . આ ભંગાણને લીધે આજે સાંજે પાણી લો પ્રેશરથી મળ્યું હતું અને શુક્રવારે સવારે પણ લો પ્રેશરથી મળશે . રાયકા - દોડકાની આ લાઇન ૧૩૫૪ એમએમ ડાયામીટરની ફિડર લાઇન છે . જે જમીનમાં આશરે ૧૦ ફૂટ ઊંડી છે . પરમ દિવસે આના ભંગાણની જાણ થતા ગઇકાલે કોર્પો . ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ખોદકામ શરૃ કર્યું હતું , પરંતુ લાઇન ૧૦ ફૂટની ઊંડાઇએ હોવાથી રિપેરિંગ શરૃ થઇ શક્યું ન હતું . આજે બે મશીનો સાથે ૨૫ ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રિપેરિંગ શરૃ કર્યું હતું . રિપેરિંગ માટે આ બંને કૂવાના પાણીના પંપ બંધ કરવા પડયા હતા કેમ કે લાઇન ખાલી હોય તે જરૃરી હતી . પંપો બંધ કરતા આ બંને કૂવાની લાઇન પરથી જે ટાંકી પાણી લે છે , તેને પાણી પુરવઠો ઓછો મળ્યો હતો . આજે સાંજે પણ પાણી લો - પ્રેશરથી મળ્યું હતું . આવતીકાલે કારેલીબાગ , સમા , નોર્થ હરણી ટાંકી , આજવા રોડ ટાંકી , એરપોર્ટ બૂસ્ટર વગેરે હેઠળના વિસ્તારોના આશરે ૪ લાખ લોકોને પાણી લો - પ્રેશરથી મળશે . કામગીરી આજે રાત સુધીમાં પૂર્ણ થઇ જશે , તેમ જાણવા મળ્યું છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.