લગ્નના અવસર પહેલા, લોકશાહીના અવસરમાં મતદાન થકી જોડાયા સોહમ દવે અને પરિવાર
તા.01/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લિંબડીથી સપરિવાર મત આપવા સુરેન્દ્રનગર આવ્યા.
વિધાનસભા ચૂંટણી – 2022 અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે ત્યારે શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતેનાં મહિલા સંચાલિત સખી મતદાન મથક પર અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા. લિંબડીથી સોહમ દવે અને તેમનો પરિવાર અહીં મતદાન કરવા આવ્યો હતો. સોહમના પિતા ચંદ્રશેખર ભાઈએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ૧ ડિસેમ્બરનાં રોજ સોહમભાઈની જાન જોડાશે ત્યારે માંડવાની વિધિ પૂર્ણ કરી અમે જાનનાં પ્રસ્થાન પહેલા લીંબડીથી અહીં મતદાન કરવા માટે આવ્યા છીએ કારણ કે મતદાન કરવું આપણી ફરજ છે અને આ ફરજ કોઈપણ કિંમતે ચૂકાવી જોઈએ નહીં. વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે જેથી અમે મતદાનની ફરજની ગંભીરતા સમજી માંડવાની વિધિ પૂર્ણ કર્યા બાદ મતદાન કરવા માટે આવ્યા છીએ. સોહમ દવે એ આ અંગે જણાવ્યું હતું કે, દરેક કામ ચોક્કસ સમયે થવું જોઈએ. એટલે આજના દિવસે મતદાન તો ચોક્કસ કરવું જોઈએ. મતદાન કરીએ, આપણી ફરજ નિભાવીએ. લગ્નના અવસર પહેલા વરરાજા સોહમ દવે, તેમના માતા - પિતા ચંદ્રશેખરભાઈ તેમજ લલિતા બહેન લોકશાહીનાં આ અવસરમાં મતદાન થકી જોડાયા અને મતદાન માટે પ્રેરણા આપી લોકશાહીના આ અવસરને દીપાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.