રાજકોટ પોલીસ એલર્ટ: ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક: પેટ્રોલીંગ વધશે!
સુરત શહેરમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો. જે ઘટનાના પગલે રાજકોટ શહેર પોલીસ પણ એલર્ટ થઇ છે. આજે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવના આયોજકોની બેઠક મળી હતી. જેમાં પોલીસ તથા પીસીઆર વાન ઉપરાંત બાઇક અને ફૂટ પેટ્રોલીંગ પણ કરશે તેમ નક્કી કરાયું છે.
આજે બપોરે 12 વાગ્યે શહેર પોલીસ કમિશ્નરની કચેરી ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં સીપી બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 રાજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી રાધિકા ભારાઇ, એસીપી જયવીરદાન, ભરત બસીયા વગેરે એસીપી જુદી-જુદી બ્રાંચના પીઆઇ, જુદા-જુદા પોલીસ મથકના પીઆઇ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજકોટના તમામ વિસ્તારોમાં થતાં સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજકો હાજર રહ્યા હતાં. તમામ આયોજકોને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે. શાંતિ બની રહે તે અંગે સહકાર આપવા અને અગાઉ કરેલા જાહેરનામાના નિયમોનું પાલક કરવા સૂચના માર્ગદર્શન અપાયું હતું.
અધિક પોલીસ કમિશ્નરે પત્રકારોને સંબોધતા જણાવેલ કે, સુરતની ઘટના બાદ રાજકોટ સીપી દ્વારા તમામ પોલીસ મથક, ખાસ શાખાના અધિકારીઓને
એલર્ટ કરાયા હતા. ગત રાત્રે જ રાજકોટના ખુણે-ખુણેના પંડાલોની સ્થિતિ જાણી લેવાઇ હતી. અધિકારીઓ ફિલ્ડમાં ઉતરી ગયા હતા. આજે આયોજકોની બેઠક બોલાવાઇ હતી. જેમાં આયોજકોને સૂચનાઓ અપાઇ હતી. દરેક પોલીસ મથકના પીઆઇને નાનામાં નાની બાબતે તકેદારી રાખવા કહેવાયું હતું. ફિલ્માં રહી દરેક ગણેશ પંડાલ અને દરેક વિસ્તારમાં પહોંચી વડીલો સાથે ચર્ચા કરી કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે અંગે પગલા લેવા સુચના કરાઇ છે. દરેક સમાજના લોકોને બોલાવી શાંતિ સમિતિની બેઠક કરવા સૂચના અપાઇ છે. પીસીઆર વાનથી પેટ્રોલીંગ થાય છે. તે વધારવા સુચના કરાઇ છે. ઉપરાંત બાઇક દ્વારા અને ફૂટ પેટ્રોલીંગ કરવા પણ કહેવાયું છે.
સીપીની અધ્યક્ષતાવાળી બેઠકમાં શહેરના લગભગ 60 જેટલા આયોજનના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. સીપીએ પંડાલના આયોજનના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. સીપીએ પંડાલના આયોજકોને સુચના આપી હતી કે, ગણેશ પંડાલમાં રાત-દિવસ 24 કલાક બેએક જેટલા સ્વયંસેવક સમક્ષ સતત હાજર રાખી રહે, ઉપરાંત શક્ય હોય ત્યાં સીસીટીવી પણ ફીટ કરવા જેથી તુરંત ફૂટેજ જોઇ એકશન લઇ શકાય.
ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે ‘સાંજ સમાચાર’ને જણાવ્યું હતું કે, સુરતની ઘટનાના પગલે રાજકોટ પોલીસ જુદા જુદા વિસ્તારોમાં તકેદારી રાખશે. ક્રાઇમ બ્રાંચ, એસઓજી જેવી ખાસ શાખાની ટીમો સતત એલર્ટ રહેશે. સંવેદનશીલ વિસ્તારોની યાદી બનાવાઇ છે ત્યાં ખાસ વોચ રહેશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આ વર્ષે જુદા-જુદા વિસ્તારમાં 324 જગ્યાએ ગણેશ મહોત્સવ નિમિત્તે પંડાલ અંગે મંજુરી માંગતી અરજીઓ રાજકોટ પોલીસને મળી હતી
પોલીસે ગણેશ પંડાલના આયોજકોને માર્ગદર્શન આપતા અનુરોધ કર્યો હતો કે, તહેવારોની ઉજવણી કરો તેમાં પોલીસ દ્વારા કોઇ કનગડત કરાતી નથી. તહેવારો ઉજવવા જોઇએ પણ આસપાસના લોકોને તકલીફ ન થાય અને નિયમોનું પાલન થાય તેમ કરવું પણ જરૂરી છે. આયોજક પૈકી રાજુભાઇ જુંજાએ તમામને સજેશન આપ્યું હતું કે, સાઉન્ડ સિસ્ટમને ઘણી વખત કોઇ ઘરમાં કોઇ બીમાર વ્યકિત હોય ત્યારે તેના માટે આપણે માનવીય વલણ રાખી સાઉન્ડ ધીમા વગાડવા જોઇએ, પોલીસે એમ પણ કહ્યું કે, શક્ય હોય તે એક સાથે વિસર્જન યાત્રા ન કાઢવી, સવાર અને બપોર બાદ એમ પાર્ટ પાડવા, રોડ પર એક સાઇડ ખુલ્લી રહે અને વાહન ચાલકોને પરેશાની ન થાય તેની તકેદારી પણ રાખવી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.