EDITOR’S VIEW: ‘ઈન્ડિયા આઉટ’ના નારા આપનારા ઠંડા પડ્યા:ફટકો લાગતાં જ માલદીવ્સના રાષ્ટ્રપતિને ભારત યાદ આવ્યું, મોદીએ પાડોશી ધર્મ નિભાવી ઝોળી ભરી દેતાં ચીનના પેટમાં તેલ રેડાયું
ગયા નવેમ્બરમાં માલદીવ્સના રાષ્ટ્રપતિ તરીકે મહંમદ મુઈજ્જુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારથી અને તે પહેલાં પણ તેમણે ભારત વિરોધી ઝેર ઓકવાનું ચાલુ રાખ્યું. મુઈજ્જુ ચીનના ખોળે જઈને બેસી ગયા. એનાથી ય આગળ, વડાપ્રધાન મોદી જ્યારે લક્ષદ્વીપ ગયા ત્યારે માલદીવ્સ ભડક્યું હતું અને બેફામ નિવેદનો કર્યા. ત્યારથી માલદીવ્સ અને ભારતના સંબંધો વધારે બગડ્યા. ભારતીય ટુરિસ્ટોએ માલદીવ્સ જવાનું બંધ કર્યું એટલે મગતરાં જેવડાં દેશને બરાબરનો રેલો આવ્યો. હવે રાષ્ટ્રપતિ મુઈજ્જુ ચાર દિવસના ભારતના પ્રવાસે છે. તેમણે ભારતને ભાઈ સા'બ બાપા કર્યું છે કે, હવે ટુરિસ્ટને મોકલો તો સારું. નમસ્કાર, માલદીવ્સના ચીન તરફી રાષ્ટ્રપતિ મહંમદ મુઈજ્જુ ચાર દિવસ ભારતની મુલાકાતે આવ્યા છે. એનું સૌથી મોટું કારણ માલદીવ્સનું ભાંગી પડેલું અર્થતંત્ર છે. માલદીવ્સ પાસે દેશ ચલાવવા પૈસા નથી. એટલે તેમને ભારતની મદદની જરૂર પડી છે. બુધવાર સુધી ભારતમાં વડાપ્રધાન મોદી અને અલગ અલગ મંત્રાલયો સાથે દ્વિપક્ષીય મિટિંગ થવાની છે. વિદેશમંત્રી એસ.જયશંકર સાથે તો મિટિંગ થઈ પણ ગઈ. દ્વિપક્ષીય મિટિંગમાં ત્રણ મુદ્દા મહત્વના છે. પહેલાં એ જાણો કે ભારત આવેલા માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ શું કહ્યું? મોદીએ કહ્યું, ભારતે હંમેશા માલદીવ્સના લોકોનું ધ્યાન રાખ્યું છે ભારતે માલદીવ્સને આર્થિક મદદ કરી માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ ભારત સાથે 400 મિલિયન અમેરિકન કરન્સી સ્વેપ કરાર અને 3000 કરોડ રૂપિયાની સહાય માટે ભારતનો આભાર માન્યો. ભારતે રોકડની અછતગ્રસ્ત માલદીવને 100 મિલિયન અમેરિકી ડોલરનું ટ્રેઝરી બિલ રોલઓવર આપ્યું છે. મુઈજ્જુએ ભારત તરફથી મળેલી મદદ બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે માલદીવ્સને જરૂરિયાતના સમયે ભારત તેની સાથે ઊભું છે. મુઈજ્જુએ કહ્યું કે માલદીવ્સ વધુ ભારતીય પ્રવાસીઓને આવકારવા તત્પર છે. માલદીવ્સને ભારત પાસેથી શું અપેક્ષા છે? માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરીને કહ્યું કે, ભારત સાથે માલદીવ્સ સારા સંબંધ રાખવા ઉત્સુક છે. મુઈજ્જુનું આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે તેમને ચીનના સમર્થક માનવામાં આવે છે. તેમણે તેમના ચૂંટણી પ્રચારમાં 'ઈન્ડિયા આઉટ' પર પણ ખૂબ ભાર મૂક્યો હતો. માલદીવ્સ અત્યારે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. માલદીવ્સ પર ભારે દેવું છે. આવી સ્થિતિમાં માલદીવ્સને તેના પાડોશી દેશ ભારત પાસેથી ઘણી અપેક્ષા છે. કારણ કે ભારત ભૂતકાળમાં પણ માલદીવને મદદ કરતું આવ્યું છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સને ભારત પાસેથી આર્થિક મદદની અપેક્ષા છે અને સાથે સાથે ભારતના ટુરિસ્ટોએ માલદીવ્સ જવાનું ઓછું કરી નાખ્યું છે તો ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ફરી ધમધમતી થાય તેવી ડિમાન્ડ પણ માલદીવ્સની રહી છે. મોદી લક્ષદ્વીપ ગયા પછી મુદ્દો સળગ્યો હતો 4 જાન્યુઆરી, 2024ના પીએમ મોદીએ તેમની લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવા કહ્યું હતું. પીએમ મોદીના ટ્વીટ પર મુઈજ્જુ સરકારનાં મંત્રી શિઉનાએ લક્ષદ્વીપની મજાક પણ ઉડાવી. માલદીવ્સના નેતા માલશા શરીફ અને મહજૂમ માજિદે પણ મોદી પર ટિપ્પણી કરી. માલદીવ્સના 3 નેતાની PM મોદી પર ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલ્યું, જેમાં ભારતીયોને માલદીવ્સને બદલે લક્ષદ્વીપ જવાની અપીલ કરવામાં આવી. આ અપીલ અક્ષય કુમાર, સલમાન ખાન અને સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટિઝે પણ કરી. ઈઝ માય ટ્રિપે માલદીવ્સની તમામ ફ્લાઇટ બુકિંગ રદ કરી દીધાં. સંખ્યાબંધ ભારતીયોએ ખોટ કરીને પણ માલદીવ્સની ટૂર કેન્સલ કરી. આ વિવાદ વચ્ચે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઈજ્જુ ભારતના દુશ્મન દેશ ચીન પહોંચ્યા હતા. માલદીવ્સના રાષ્ટ્રપતિ ચીનને કરગર્યા, વધારેમાં વધારે ટૂરિસ્ટ મોકલજો ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરવા બદલ ભારતથી માલદીવ્સ વિરોધી જુવાળ ઊઠ્યો હતો. ભારતનાં સંખ્યાબંધ બુકિંગ કેન્સલ થયાં હતા. આ નિર્ણયથી મુઈજ્જુને રેલો તો આવ્યો, પણ ટંગડી ઊંચી રાખી હતી. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોઈજ્જુ ચીન ગયા ત્યારે જિનપિંગને ખાસ વિનંતી કરી છે કે ચીનથી વધારેમાં વધારે ટૂરિસ્ટોને માલદીવ્સ મોકલજો. 2023માં માલદીવ્સમાં સૌથી વધારે 2,09,198 ભારતીય ટૂરિસ્ટ ગયા હતા. બીજા નંબરે રશિયાના 2,09,146 ટૂરિસ્ટ હતા અને ત્રીજા નંબરે 1,87,118 ચીની ટૂરિસ્ટ હતા. માલદીવ્સના મીડિયા રિપોર્ટમાં એવું કહેવાયું છે કે બંને દેશોએ હિન્દ મહાસાગર દ્વીપમાં સહિયારું પર્યટનક્ષેત્ર વિકસિત કરવા માટે પાંચ કરોડ યુએસ ડોલરની પરિયોજના પર હસ્તાક્ષર કર્યા છે. માલદીવ્સનું અર્થતંત્ર ટૂરિઝમ આધારિત, ભારત સૌથી મોટો આધાર માલદીવ્સનું અર્થતંત્ર ટૂરિઝમ પર નિર્ભર છે. અહીંની 70% નોકરીઓ પર્યટનક્ષેત્રમાંથી પેદા થાય છે. એમાંથી 14%થી 20% આવક ભારતથી થાય છે, જ્યારે આખું વિશ્વ કોરોના મહામારીને કારણે આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું હતું ત્યારે ભારતમાંથી 63 હજાર પ્રવાસીઓ ત્યાં ગયા હતા. છેલ્લાં 3 વર્ષના ડેટા અનુસાર કુલ પ્રવાસીઓમાં ભારતીયોનો હિસ્સો 15-25% છે. દર વર્ષે લગભગ 20 લાખ લોકો માલદીવ્સ ફરવા માટે જાય છે. એમાં 2021માં ભારતમાંથી 2.91 લાખ, 2022માં 2.41 લાખ અને 2023માં 2.10 લાખ પ્રવાસી માલદીવ્સ ગયા હતા, પણ ભારતે ટૂર માટે બીજાં શહેરો પસંદ કરતાં હવે માલદીવ્સનો આ આધાર હવે છીનવાઈ ગયો છે. છેલ્લા એક વર્ષમાં ભારતથી માલદીવ્સ 50 હજાર ટુરિસ્ટ પણ ગયા નથી. મુઈજ્જુની આડોડાઈ છતાં ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઈજ્જુ જ્યારે ચૂંટણીપ્રચાર કરતા હતા ત્યારથી ભારત સામે ઝેર ઓકતા હતા. રાષ્ટ્રપતિ બન્યા પછી ચીનના ખોળામાં બેસી ગયા. ભારતીય સૈનિકોને માલદીવ્સથી હટાવવા જોર કરી રહ્યા છે. માલદીવ્સ સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વખતે રાષ્ટ્રપતિ મુઈજ્જુને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી હતી. પોતાના સંદેશમાં પીએમ મોદીએ લખ્યું, ઈદ-ઉલ-ફિત્રનો આ ખાસ અવસર વિશ્વભરના લોકોને કરુણા, ભાઈચારો અને એકતાની યાદ અપાવે છે. શાંતિપૂર્ણ માહોલ દુનિયા માટે આ જરૂરી છે. આવા માહોલ વચ્ચે પણ ભારત માલદીવ્સને મદદ કરી રહ્યું છે. 7 એપ્રિલ, 2024એ ભારતે જાહેરાત કરી હતી કે મુઇજ્જુ સરકારની અપીલ પર ભારત 2024-25 માટે માલદીવ્સમાં આવશ્યક ચીજવસ્તુઓનું એક્સપોર્ટ ચાલુ રાખશે. આ નિર્ણય 'નેઈબર્સ ફર્સ્ટ' હેઠળ લેવામાં આવ્યો છે, જે એક એવી પોલિસી છે, જેમાં ભારત પોતાના પાડોશી દેશોને પ્રાથમિકતા આપે છે. જ્યારે જ્યારે માલદીવ્સને જરૂર પડી ત્યારે ભારત પડખે ઊભું રહ્યું ભારત કાયમ માલદીવ્સને મદદ કરતું રહ્યું છે. ભારતે માલદીવ્સની આગલી સરકારને પેટ્રોલિંગ શિપ, ડોર્નિયર વિમાન અને 2 એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ગિફ્ટ કર્યાં હતાં. આ વિમાન અને શિપ મેડિકલ ઈમર્જન્સી, સર્વેલન્સ અને એર રેસ્ક્યૂમાં કામ આવે છે. આ જહાજ અને શિપનો ટેક્નિકલ સ્ટાફ માલદીવ્સમાં છે. તમામ ખર્ચો પણ ભારત ઉઠાવે છે. ભારતના સર્વેલન્સ જહાજથી માલદીવ્સ દરિયાઈ લૂંટારાઓથી ઘણુંખરું સેફ બની ગયું છે. ભારતે માલદીવ્સમાં 1.5 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ નાનકડા દ્વીપસમૂહની રક્ષામાં ભારતની વિશેષ ભૂમિકા રહી છે. 1988માં રાજીવ ગાંધીએ સેના મોકલીને મૌમૂન અબ્દુલ ગયૂમની સરકારને બચાવી હતી. ચીન માલદીવ્સમાં ઘૂસે તો ભારત માટે ચિંતાનો વિષય ભારતના સૌથી મોટા દુશ્મન દેશ ચીનનો ડોળો માલદીવ્સ પર છે. એનું કારણ એ છે કે જો ચીન માલદીવ્સમાં ઘૂસણખોરી કરે તો ભારત સોફ્ટ ટાર્ગેટ બની જાય. મુસ્લિમ દેશ માલદીવ્સ કાયમ ચીનની તરફેણ કરતો આવ્યો છે. 2016માં માલદીવ્સે ચીની કંપનીને એક ટાપુ 50 વર્ષ માટે 40 લાખ ડોલરમાં તેના નામે કરી આપ્યો છે. માલદીવ્સ ભારતથી ઘણું નજીક છે અને જો ત્યાં ચીન તેની ખંધી રણનીતિના ભાગરૂપે માલદીવ્સમાં પોતાનો પગ જમાવે છે તો એ ભારત માટે ચિંતાનો વિષય છે. હાલના વિવાદની જ વાત કરીએ તો આડોશપાડોશના તમામ દેશોમાં ઘૂસણખોરી કરવા ટેવાયેલા ચીને અવળચંડાઈ કરીને કહ્યું કે તેણે માલદીવ્સને હંમેશાં પોતાની સમકક્ષ જ ગણ્યું છે અને તેના સાર્વભૌમત્વને માન આપ્યું છે. 2018માં પાકિસ્તાન પણ માલદીવ્સની પડખે આવ્યું ભારત માટે સૌથી વધારે ચિંતાની બાબત એ છે કે 2018માં પાકિસ્તાની સેના તરફથી ઘોષણા કરાઈ હતી કે પાકિસ્તાની યુદ્ધજહાજ માલદીવ્સના એક્સક્લૂસિવ ઇકોનોમિક ઝોનની દેખરેખ રાખશે. ઘણા આંતરરાષ્ટ્રીય બાબતોનો નિરીક્ષકો માને છે કે માલદીવ્સમાં પાકિસ્તાનનો પ્રવેશ ચીનના હિત સાધવા માટે કરાવાયો છે. માલદીવ્સ- 1200 ટાપુનો સમૂહ નકશામાં જુઓ દક્ષિણના છેડે શ્રીલંકાથી થોડો નીચેના ભાગે માલદીવ્સ દેશ છે. ભારતના લક્ષદ્વીપથી માલદીવ્સ 700 કિલોમીટર અને ભારતના મુખ્ય ભૂમિ ભાગથી 1200 કિલોમીટર જેટલો દૂર છે. આ 1200 ટાપુનો સમૂહ છે, પણ માત્ર 100 ટાપુ પર જ વસતિ છે. માલદીવ્સમાં 30 હજાર ભારતીય વસે છે. માલદીવ્સમાં 'માલ' શબ્દ મલયાલમ ભાષાના શબ્દ માલાથી આવ્યો છે. માલદીવ્સમાં માલનો અર્થ માળા અને દીવનો અર્થ દ્વીપ થાય છે. ટાપુઓની હારમાળા એટલે માલદીવ્સ. છેલ્લે, ભારત હવે માલદીવમાં RuPay કાર્ડ પેમેન્ટની ફેસેલિટી શરૂ કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુની હાજરીમાં પહેલું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. મોદીની મુઈજ્જુ સાથેની ડિપ્લોમસીથી ચીનના પેટમાં તેલ રેડાશે એ નક્કી. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ : યશપાલ બક્ષી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.