ગુજરાતે જળસંચય થકી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે આગવી પહેલ દ્વારા રાજ્યને જળ સુરક્ષા પ્રદાન કરી: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા
ગુજરાતે જળસંચય થકી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે આગવી પહેલ દ્વારા રાજ્યને જળ સુરક્ષા પ્રદાન કરી: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ગુજરાતે જળ ક્રાંતિના મંડાણ કર્યા
સૌની યોજના લિંક-૧, ૨, ૩ અને ૪ની પાઇપલાઇનના સ્કાવર વાલ્વથી ત્રણ કિ.મી.ની મર્યાદામાં આવતા ગામોના ચેકડેમો અને તળાવો સાંકળવાનું કામ હાથ ધરાશે
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૬ વર્ષમાં થયેલા કામોના પરિણામે રાજ્યની જળ સંગ્રહશક્તિમાં ૧.૦૭ લાખ ઘનફૂટનો વધારો
કુલ ૧.૮૭ લાખથી વધુ ચેકડેમો થકી રાજ્યના ૪.૫૧ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો
જળસંપત્તિ વિભાગની અંદાજપત્રીય માંગણી વિધાનસભા ગૃહમાં પસાર
ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે જળસંપત્તિ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતે જુદા-જુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે આગવી પહેલ કરીને રાજ્યને જળ સુરક્ષા પ્રદાન કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ગુજરાતે જળ ક્રાંતિના મંડાણ કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમૃતકાળના આ સમયમાં વોટર યુઝ એફીસીયન્સી દ્વારા પાકોની ઉત્પાદકતા વધારવાની ગુજરાત સરકારની નેમ છે.
મંત્રી શ્રી બાવળીયાએ ઉમેર્યું હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૬ વર્ષમાં કુલ ૯૮,૨૩૪ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે અનુશ્રવણ તળાવો, નાની સિંચાઈના તળાવો ઉંડા કરવાના તેમજ નવા તળાવોના કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના કામો તથા ચેકડેમ રીપેરીંગના કામો ઉપરાંત નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. છેલ્લા ૬ વર્ષમાં થયેલા આ કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૧,૦૭,૬૨૧ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે.
તેમણે ઉમેર્યું કે, નવેમ્બર-૨૦૨૩ સુધીમાં જળસંપત્તિ વિભાગના કુલ ૯૪,૫૮૮ ચેકડેમો અને રાજ્યના અન્ય વિભાગોના ૯૨,૫૫૭ ચેકડેમો મળીને કુલ ૧,૮૭,૧૪૫થી વધુ ચેકડેમો થકી રાજ્યના આશરે ૪,૫૧,૯૯૮ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે. આગામી વર્ષમાં જળસંચયની કામગીરી માટે રૂ. ૨૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અંતરિયાળ અને પર્વતીય આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતું, ત્યાં કડાણા, પાનમ, કરજણ, કાંકરાપાર અને ઉકાઇ જળાશય આધારીત ૧૬ મોટી ઉદ્વહન યોજનાઓ થકી સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. જે પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઇ છે અને ૯ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની આ ૯ યોજનાને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે બજેટમાં સુયોગ્ય ફાળવણી કરી છે, જેથી આ દુર્ગમ વિસ્તારોમાં પાણી પહોંચાડી શકાય.
મંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરતા કહ્યું કે, દુષ્કાળગ્રસ્ત ગણાતા સૌરાષ્ટ્રના વિસ્તાર કે જ્યાં એક સમયે ટ્રેનો/ટેન્કર મારફત પીવાનું પાણી આપવામાં આવતું હતું અને સિંચાઇ માટે તો પાણી એક સપનું હતું ત્યાં સૌની યોજના આશીર્વાદ બની છે. હાલ સૌની યોજના પૂર્ણતાના આરે છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે. પૂર્ણ થયેલી કામગીરીથી ૮૫ જળાશયો, ૧૭૦ કરતાં વધુ તળાવો, અને ૧૩૧૯ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૭૭,૪૩૦ મિલિયન ઘનફૂટ નર્મદાના પાણી ભરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, સૌની યોજનાથી રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને પીવાના પાણીનો ફાયદો થયો છે. આ ઉપરાંત આશરે ૬ લાખ એકર કરતાં વધુ વિસ્તારમાં સિંચાઇ સુવિધા વધુ સુદ્રઢ બની છે. સૌની યોજનામાં બાકી રહી ગયેલા વિસ્તારો માટે પણ રાજ્ય સરકારે ચિંતા કરીને આ વર્ષના બજેટમાં માતબર રકમની જોગવાઈ કરી છે. સૌની યોજના લિંક-૧, ૨, ૩ અને ૪ની પાઇપલાઇનના સ્કાવર વાલ્વથી ત્રણ કિ.મી.ની મર્યાદામાં આવતા ગામોના ચેકડેમો અને તળાવો સાંકળવાનું કામ હાથ ધરવામાં આવશે. સાથે જ સૌરાષ્ટ્રના નર્મદાના પાણીથી વંચિત અનેક ગામોને પણ વિવિધ પાઈપલાઈનના નેટવર્ક થકી આવરી લેવાનું આયોજન છે.
મંત્રીશ્રીએ કચ્છ વિસ્તારની વાત કરતા કહ્યું કે, કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી ૧ મીલીયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બીજા તબક્કામાં ૨ પાઈપલાઈનના કામો આયોજનમાં લેવામાં આવ્યા છે. આ બે પાઈપલાઈનથી ૪૧ જેટલી સિંચાઇ યોજનાઓમાં નર્મદાનું વધારાનું પાણી પહોંચાડવામાં આવશે. જેના થકી પાણીની અછત ધરાવતા માંડવી, લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાને લાભ થશે. આ પાંચ પાઈપલાઇનના કામો માટે બજેટમાં રૂ. ૨૭૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રી શ્રી બાવળીયાએ ઉત્તર ગુજરાતની વાત કરતા કહ્યુ કે, ઉત્તર ગુજરાતને પાણીયારું બનાવવા બજેટમાં બનાસકાંઠાની બાલારામથી મલાણા સુધીની પાઈપલાઈન કામગીરી માટે રૂ.૫૦ કરોડ, કસરાથી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ. ૩૦૦ કરોડ અને ડીંડરોલથી મુકતેશ્વર પાઇપલાઇન માટે રૂ. ૬૦ કરોડની જોગવાઈ કરાઈ છે. આ પાઇપલાઈનનું કામ પૂર્ણ થતા પાટણ અને બનાસકાંઠા જિલ્લાને પૂરક સિંચાઇનો લાભ મળશે.
તેમણે કહ્યું કે, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને પૂરક સિંચાઇનો લાભ મળે તે માટે મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદી પર સીરીઝ ઓફ ચેકડેમ બનાવવાનું આયોજન છે. સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજની કામગીરી માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશન અને રીવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે પણ રૂ. ૨૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતની વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવામાં આવશે તેમજ સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર તાલુકા વિસ્તારમાં મહી નદી આધારીત ઉદ્વવહન સિંચાઇ યોજનાઓની કામગીરી હાથ ધરાશે.
મંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતની વાત કરતા કહ્યું હતું કે, નવસારી જિલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના, ગણદેવી તાલુકાની વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર યોજના, તેમજ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં તાપી નદી પર બેરેજ બનાવવાની અને મિંઢોળા, ઔરંગા તથા દમણગંગા નદી પર દરિયા કિનારા નજીક ટાઇડલ રેગ્યુલેટર બનાવવાના કામો હાથ ધરવા માટે આ વર્ષના બજેટમાં માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રી શ્રી બાવળીયાએ કહ્યું કે, સિંચાઇમાં પાણીનો કરકસરયુક્ત વપરાશ થાય અને ઓછા પાણીથી વધુ ઉત્પાદન થાય તે માટે વધુમાં વધુ વિસ્તારને સુક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવા માટે હયાત તથા નવી સિંચાઇ યોજનાઓમાં પ્રેશરાઇઝ્ડ ઇરીગેશન અને સુક્ષ્મ સિંચાઇના કામોનુ આયોજન કરાયું છે. જે પૈકી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૦ સિંચાઇ યોજનાઓમાં, કચ્છ વિસ્તારમાં ૬ સિંચાઇ યોજનાઓમાં, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ૫ ઉદવહન સિંચાઇ યોજનાઓ, મધ્ય ગુજરાત વિસ્તારમાં ૧ સિંચાઇ યોજના અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં ૫ સિંચાઇ યોજનાઓમાં શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.