રાજકોટ પોલીસનું વધુ એક હવાલાકાંડ: ભોગ બનનાર વેપારીએ ફિનાઈલ પીધું - At This Time

રાજકોટ પોલીસનું વધુ એક હવાલાકાંડ: ભોગ બનનાર વેપારીએ ફિનાઈલ પીધું


રાજકોટના યુનિવર્સિટી રોડ રવિરત્ન પાર્કમાં રહેતા ઈલેકટ્રીક અને હોમ એપ્લાયસીઝના હોલસેલ વેપારીએ ગઈકાલે સાંજે પોલીસ કમિશ્નર કચેરીમાં ફિનાઈલ ગટગટાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પૂછપરછમાં ત્રણ વેપારીને આપેલ માલના પૈસા નહીં ચૂકવી ગાંધીગ્રામ પોલીસના બે કર્મચારીઓ પાસે હેરાન કરાવતા હોવાના આક્ષેપ સાથે આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, યુનિવર્સિટી રોડ રવિરત્ન પાર્કમાં રહેતા વેપારી પિયુષ જશવંતલાલ મહેતા (ઉ.વ.35)એ ગઈકાલે સાંજે પોલીસ કમિશ્નર કચેરીમાં ફિનાઈલ ગટગટાવી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. .
પોલીસની પૂછપરછમાં ઈલેકટ્રોક અને ઘરવખરીના સામાનનો હોલસેલ વેપાર કરતા પિયુષ મહેતાએ સવજીભાઈ શિંગાળા, મિતેષ શિંગાળા અને મનીષાબેનને રૂા.3.75 કરોડનો ઈલેકટ્રીકનો સામાન અને ઘરવખરીનો સામાન વેંચાણ માટે આપ્યો હતો. જે પેટે સવજી શિંગાળા અને મિતેષ શિંગાળાએ રૂા.3.15 કરોડ ચૂકવ્યા હતા જ્યારે બાકીના 60 લાખ જીએસટીના 14 માસથી ચૂકવતા ન હોય અને વાયદા કરતા હતા. .
બાકી નિકળતા પૈસા સામાવાળા વેપારીએ ચૂકવવાના બદલે પોતાના લાગતા વળગતા ગાંધીગ્રામના પોલીસ કર્મચારીને અરજી કરી હોલસેલના વેપારી પૈસાની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતો હોવાની અરજી કરતા પિયુષ મહેતાને પોલીસમેન ખોડુભા અને કિશોરભાઈ અવાર નવાર પોલીસ સ્ટેશન બોલાવી બેસાડી રાખી હેરાન કરતા હતા. .
વેપારી પિયુષ મહેતાએ પોતાના વિરુધ્ધ થયેલી અરજી અંગે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી પરંતુ, તેમને માહિતી આપવામાં આવી નહોતી. .
ફસાયેલા નાણા પરત આપતા ન હોય અને ઉલ્ટાનું પોલીસ દ્વારા હેરાન કરી ટોર્ચર કરવામાં આવતા હોય જેની સામે વેપારી પિયુષ મહેતાએ ન્યાય મેળવવા સાંજે પોલીસ કમિશ્નર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવની તપાસ પ્ર.નગર પોલીસ મથકના જમાદાર કલ્પેશ ચાવડા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.
પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં વેપારીને 60 લાખ જીએસટીના નહીં ચૂકવવા માટે જ સામાવાળા એડમીરલ એન્ટરપ્રાઈઝના માલિક મિતેષ શિંગાળા તેના પિતા સવજીભાઈ શિંગાળા અને મનીષાબેન શિંગાળા દ્વારા પોલીસને હવાલો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
એસીપી દિહોરા અને પોલીસ સામે આક્ષેપ
કમીશન એજન્ટ તરીકે ઈલેકટ્રીક અને ઘરવખરીનો હોલસેલ વેપાર કરતા પિયુષ મહેતાએ સમીસાંજે પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઈલ પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે ત્યારે ચર્ચાતી વિગત મુજબ વેપારીએ 60 લાખની જી.એસ.ટી. નહી ચુકવવા એસીપી દિહોરાને હવાલો આપ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને એસીપીના હુકમથી જ ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસમેન કિશોરભાઈ ધુંધલ ખોડુભા જાડેજા હેરાન કરતા હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.