વિરમગામ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદથી વીજળી ડૂલ
વિરમગામ : વિરમગામ શહેર અને તાલુકામાં છેલ્લાં ચાર દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ રવિવારે મોડી સાંજ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા નાગરિકોને બફારાથી રાહત મળી હતી. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.રવિવારે મોડી સાંજ પછી એકાએક તૂટી પડેલા વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર બન્યાવિરમગામ પંથકમાં રવિવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળાડિબાંગ વાદળો આકાશમાં ચઢી આવ્યા હતા અને વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. તે સાથે જ ગાજવીજ સાથે વરસાદ પણ વિરમગામ શહેર અને તાલુકા વિસ્તારોમાં તૂટી પડયો હતો. જેને કારણે છેલ્લાં ચાર દિવસથી ઉકળાટથી ત્રાહિમામ નાગરિકોને રાહત મળી હતી.વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારોમાં વીજળી વેરણ બની ગઇ હતી. શહેરમાં વીજળી બે કલાક બાદ આવી હતી. ત્યાં સુધી નાગરિકોને તથા ખાસ કરીને હોસ્પિટલ અને દવાખાનાઓમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.