ફેક્ટ-ચેકર ઝુબેરને જેહાદી કહેનારને દિલ્હી હાઈકોર્ટનો આદેશ:કહ્યું- ટ્વિટર હેન્ડલ પર માફી માગો, બે મહિના સુધી પોસ્ટ ડિલીટ ના કરતાં
દિલ્હી હાઈકોર્ટે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને ટ્વિટર પર જેહાદી ગણાવનાર વ્યક્તિને તેના ટ્વિટર હેન્ડલ પર માફી માંગવા માટે આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે કહ્યું છે કે, આ પોસ્ટ ટ્વિટર એકાઉન્ટ પર બે મહિના સુધી રહેવી જોઈએ. આ વ્યક્તિએ 2020માં ઝુબેરને જેહાદી કહ્યો હતો. જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ 2020 POCSO કેસને ફગાવી દેવાની અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમજ આ કેસમાં કોર્ટે ઝુબેરને ક્લીનચીટ આપી છે. કોર્ટનો આદેશ- એક સપ્તાહમાં માફી માગો
આદેશ અનુસાર, જગદીશ સિંહ નામના આ વ્યક્તિએ એક અઠવાડિયાની અંદર આ ટ્વિટ કરવાનું રહેશે. લખવું પડશે- ઉપરોક્ત ટિપ્પણી કરવા બદલ મને પસ્તાવો થાય છે. મેં આ ટિપ્પણી કોઈ દ્વેષથી કે ઝુબેરને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી નથી કરી. જગદીશ સિંહના વકીલે કોર્ટને કહ્યું કે, જગદીશ તેના ટ્વિટર હેન્ડલ પર માફી માંગવા માટે તૈયાર છે. આના પર કોર્ટે જગદીશ સિંહના વકીલને તેમના અગાઉના ટ્વિટને ટાંકીને માફી માંગવા માટે કહ્યું છે. આ સાથે કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે, જગદીશ સિંહ ટ્રાયલ કોર્ટમાં કાનૂની ઉપાયોનો પીછો કરી શકે છે, જ્યાં કેસ હજુ પેન્ડિંગ છે. શું હતો સમગ્ર મામલો?
2020માં જગદીશ સિંહે મોહમ્મદ ઝુબેર વિશે ટ્વિટ કર્યું હતું. આમાં તેણે કહ્યું હતું કે, 'વન્સ એ જેહાદી ઈઝ ઓલવેજ જેહાદી'(જેહાદી હંમેશા જેહાદી જ રહે છે). આ અંગે ઝુબેરે જગદીશ સિંહના ડિસ્પ્લે પિક્ચરને રિટ્વીટ કરીને તેમને ટ્રોલ કર્યા હતા. ડિસ્પ્લે પિક્ચર જગદીશ સિંહની પૌત્રીનું હતું, જે ઝુબેરે અસ્પષ્ટ કર્યું હતું. ઝુબેરે તસવીર સાથે ટ્વીટ કર્યું હતું- હેલો જગદીશ સિંહ, શું તમારી પૌત્રીને ખબર છે કે તમે સોશિયલ મીડિયા પર લોકોને ટ્રોલ કરવાનું પાર્ટ ટાઈમ કામ કરો છો? હું તમને તમારો પ્રોફાઇલ ફોટો બદલવાનું સૂચન કરું છું. ઝુબેરના ટ્વિટને લઈને દિલ્હી પોલીસે POCSO એક્ટ, ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડની કેટલીક જોગવાઈઓ હેઠળ FIR નોંધી છે. ઝુબેર પર ટ્વિટર પર સગીર છોકરીને ડરાવવા અને હેરાન કરવાનો આરોપ હતો. બાદમાં, પોલીસે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે, તેઓએ ચાર્જશીટમાં ઝુબેરનું નામ લીધું નથી કારણ કે તેની સામે કોઈ ગુનાના પુરાવા મળ્યા નથી. જો કે, હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યો હતો કે ઝુબેર વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ આપનાર જગદીશ સિંહ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોર્ટની કડક ટિપ્પણી બાદ દિલ્હી પોલીસે જગદીશ સિંહની તપાસ કરી અને કહ્યું કે તેમની પાસેથી કોઈ ગુનાહિત વસ્તુ મળી નથી. પોલીસે અહેવાલ દાખલ કર્યો અને કહ્યું કે સિંહના ટ્વીટથી લોકોમાં ભય કે અસ્વસ્થતાનું વાતાવરણ ઊભું થયું નથી, તેથી તેની સામે કેસ નોંધવામાં આવ્યો નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.