અમૃત યોજના તળે બોટાદ શહેર માટે 32 એમ.એલ.ડી ક્ષમતાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થશે
બોટાદવાસીઓને મળશે રૂ. ૪૨.૭૨ કરોડની ભેટ: આ પ્લાન્ટ થકી દૈનિક 3 કરોડ 20 લાખ લિટર પાણી શુદ્ધિકરણ કરી શકાશે
બોટાદમાં ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી અને કલ્યાણ અર્થે સતત કાર્યરત
દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બોટાદ જિલ્લા સહિત રાજ્યભરનાં લોકોને અનેક યોજનાઓ થકી લાભાન્વિત કરી રહ્યાં છે. આગામી સમયમાં બોટાદ જિલ્લાનાં લોકોને મળતી પાણીની સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુસર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રૂ. ૪૨.૭૨ કરોડ ખર્ચે બોટાદવાસીઓને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભેટ મળશે. બોટાદ ખાતે 32 એમ.એલ.ડી.ની ક્ષમતા સહિતનાં આ પ્લાન્ટનાં લોકાર્પણ થકી દૈનિક 3 કરોડ 20 લાખ લિટર પાણી ટ્રીટ કરી શકાશે. એ પૈકી હાલમાં 1 કરોડ 20 લાખ જેટલું પાણી ટ્રીટ થઈ થશે. શહેરી વિકાસ વિભાગનાં આ પ્રોજેક્ટનું અમલીકરણ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
આ યોજનાથી બોટાદના તમામ વિસ્તારોનું ગટરનું પાણી સાળંગપુર રોડ પર સિવેજ ટ્રીટમેન્ટ ખાતે પહોંચશે. અહીં શહેરમાંથી આવેલા ગટરનાં પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આ ટ્રીટ થયેલા પાણીના કારણે વાતાવરણ અને ભૂગર્ભજળ બંનેમાં પ્રદુષણનું સ્તર ઘટશે. જેનો લાભ બોટાદના ૧.૫૪ લાખથી વધુ લોકોને મળશે. આ પ્રોજેક્ટ થકી બોટાદ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં બાગ-બગીચા, મિશન ગ્રીન પ્રોજેક્ટ સહિત ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીઝ તેમજ ખેતીને પણ જરૂરિયાત મુજબ પાણી પુરૂ પાડવામાં આવશે.
આ યોજના અંતર્ગત બોટાદ તાલુકાનું આશરે 20 એમ.એલ.ડી જેટલું સિવેજ પંપીંગ કરી બોટાદ ખાતેના 32 એમ.એલ.ડી. ક્ષમતાના એસ.ટી.પી સુધી લઇ જવાનું આયોજન છે. આ યોજનાથી બોટાદ શહેરની સ્વચ્છતામાં વધારો થશે જેથી લોકોની તંદુરસ્તી વધશે અને જીવનધોરણ પણ ઉંચું આવશે.
આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સેકન્ડરી સ્ટેજ સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ત્યારબાદ પાણીને ક્લોરિનની મદદથી ડિસઇન્ફેક્ટ કરાશે. મહત્વનું છે કે, આ પ્રોજેક્ટના કારણે શહેરની પર્યાવરણીય સલામતી જળવાઈ રહેશે અને ભૂગર્ભજળના સ્ત્રોતોને દૂષિત થતાં અટકાવી શકાશે, જેનાથી પ્રદૂષણનું નિયંત્રણ થશે અને જનતાને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ મળશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.