RTE એક્ટ – ૨૦૦૯ હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ માટેની ઉપલબ્ધ ૮૨ હજારથી વધુ જગ્યાઓ સામે ૯૮ હજારથી વધુ અરજીઓ મળીઃ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ*
*RTE એક્ટ – ૨૦૦૯ હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ માટેની ઉપલબ્ધ ૮૨ હજારથી વધુ જગ્યાઓ સામે ૯૮ હજારથી વધુ અરજીઓ મળીઃ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ*
--------------
*RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા*
***************
• જિલ્લા કક્ષાએ ૬૮, ૧૭૯ અરજીઓ માન્ય, જ્યારે ૩૦,૪૭૧ અરજીઓ અમાન્ય ઠરી
• રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધુ ૪,૯૬૬ બાળકોને પ્રવેશ
• બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સંબંધિત શાળામાં જરૂર દસ્તાવેજો રજૂ કરી પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા તા. ૦૫ જૂન, ૨૦૨૩ સુધીનો સમય અપાયો
--------------
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
આ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે.
શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી.
વધુમાં આર.ટી.ઇ. હેઠળ બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને પ્રવેશ મેળવેલ 1291 જેટલા એડમીશન રદ્દ કરવામાં આવ્યા છે. તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, RTE ACT-૨૦૦૯ની કલમ ૧૨.૧(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે ચાલી છે.
જેમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૯,૮૬૩ જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં ૨૫ ટકા મુજબ ૮૨, ૮૫૩ જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ ૯૮, ૬૫૦ અરજીઓ મળી છે. તે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૮,૮૯૦ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો.
પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી ૧,૧૩૦ જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-૧/ધો-૨માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજો રાઉન્ડ તા. ૨૯/૦૫/૨૦૨૩, સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ ૪,૯૬૬ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૦૫/૦૬/૨૦૨૩, સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ૯૯૫૮ શાળાઓમાં ૨૫ ટકા લેખે ઉપલબ્ધ ૭૧૪૫૨ જગ્યાઓ પર ૨૧૮૨૨૮ અરજીઓ મળી હતી, તે પૈકી ૧૭૬૪૪૫ અરજીઓ જિલ્લા કક્ષાએ માન્ય થઈ હતી અને ૪૧૭૮૩ અરજીઓ અમાન્ય ઠરી હતી. પ્રવેશ પ્રક્રિયાના ૪ રાઉન્ડ બાદ એકદંરે ૬૪૩૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે માટે વિદ્યાર્થી દીઠ રૂ. ૩૦૦૦ લેખે રૂ. ૧૪૦.૪૧ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. જ્યારે શાળાઓને રૂ. ૧૩૬૭૫ લેખે ફી પરત ચુકવણી પેટે રૂ. ૫૨૧.૯૨ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.
RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ૩૦,૧૨૭ જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની ૧૪,૫૪૬, અંગ્રેજી માધ્યમની ૧૨,૪૬૬, હિન્દી માધ્યમની ૨,૮૨૮ તથા અન્ય માધ્યમની ૨૮૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૧૩,૨૯૯ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક તા. ૨૩/૦૫/૨૦૨૩ થી તા. ૨૫/૦૫/૨૦૨૩ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ ૮, ૩૮ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી, જ્યારે બાકીના ૫,૦૬૧ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી.
દિપક જાદવ -------------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.