ડેથ સર્ટિ. માટે કોઇને હાઇકોર્ટ સુધી આવવું પડે તે દુ:ખદ વાત, ડેથ સર્ટિફિકેટ નહી અપાતાં હાઇકોર્ટની ટકોર
અમદાવાદ,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારકોરોનાકાળની બીજી લહેર દરમ્યાન ગુજરી જનાર એક મહિલાના પરિજનોને સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મૃત્યુનુ પ્રમાણપત્ર નહી અપાતાં પરિજનો દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને સરકારપક્ષને ટકોર કરી હતી કે, મૃત્યુના પ્રમાણપત્રને લઇ કોઇ વ્યકિતને હાઇકોર્ટ સુધી આવવાની ફરજ પડે તે દુ:ખદ અને કમનસીબ બાબત કહેવાય.કોરોનામાં ગુજરી જનાર મહિલાના પતિને સુરેન્દ્રનગર-અમદાવાદ કોર્પો. ધક્કા ખવડાવતાં રિટહાઈકોર્ટે આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ જારી કરી હતી. વધુમાં હાઇકોર્ટે જવાબદાર અધિકારીને આગામી મુદતે હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવા અને શા માટે અરજદારને તેની પત્નીના નિધન બાદ મૃત્યુ સર્ટીફિકેટ આપવામાં આવતુ નથી તે બાબતનો ખુલાસો કરવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૭ સપ્ટેમ્બરે રાખી હતી. અરજદાર પતિ દ્વારા કરાયેલી રિટમાં રજૂઆત કરાઇ હતી કે,અરજદારના પત્નીનુ કોવિડ-૧૯ની બીજી લહેર સમયે તા.૪-૪-૨૧ના રોજ મૃત્યુ થયુ હતુ. એપ્રિલ-૨૦૨૧માં અરજદારના પત્નીને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જયાં તેણીની તબિયત વધારે ખરાબ થતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન ડોક્ટરે તેણીને મૃત જાહેર કર્યા હતા. એ પછી અરજદારની પત્નીના અંતિમ સંસ્કાર સુરેન્દ્રનગરમાં કરાયા હતા. બાદમાં અરજદાર જયારે તેમની સ્વ.પત્નીનું ડેથ સર્ટિફિકેટ લેવા ગયા સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગયા તો, ત્યાંના સત્તાધીશોએ ડેથ સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેળવવા જણાવ્યું હતું. જેથી અરજદાર અમ્યુકો સત્તાધીશોને રજૂઆત કરી પરંતુ અમ્યુકો સત્તાધીશો પણ ડેથ સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કરી રહ્યા છે. આમ, અરજદારને બંને મ્યુનિસિપલ કોર્પોરેશનો વચ્ચે ધક્કા ખાવા પડી રહ્યા છે અને બને કોર્પોરેશનના સત્તાવાળાઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. આવા અધિકારી સામે કડક પગલા લેવા જોઇએ : હાઇકોર્ટહાઈકોર્ટે સરકારપક્ષને એવી પણ ટકોર કરી હતી કે, પ્રસ્તુત કેસમાં મૃત્યુનુ સર્ટિફિકેટ આપવામાં ગલ્લાતલ્લાં કરનાર જવાબદાર અધિકારી સામે કડક પગલા લેવા જોઈએ. આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ આ અંગેની જવાબદારી એકબીજા પર ઢોળીને હાથ ખંખેરી રહ્યા છે, તે ગંભીર બાબત કહેવાય. હાઇકોર્ટે સરકારપક્ષને આ અંગે પૃચ્છા કરી હતી પરંતુ સરકારપક્ષ દ્વારા સંતોષજનક પ્રત્યુત્તર આપી શકાયો ન હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.