લોકોની વહારે ચઢતા ફાયરના જવાનો, ફાયરની ટીમ દ્વારા અમદાવાદમાં દોઢસોથી વધુ લોકોને સુરક્ષિત સ્થળ ઉપર પહોંચાડાયાં - At This Time

લોકોની વહારે ચઢતા ફાયરના જવાનો, ફાયરની ટીમ દ્વારા અમદાવાદમાં દોઢસોથી વધુ લોકોને સુરક્ષિત સ્થળ ઉપર પહોંચાડાયાં


અમદાવાદ,સોમવાર,11
જૂલાઈ,2022અમદાવાદ શહેરમાં રવિવારે સાંજના સમયે અને બાદમાં મોડી
રાત્રિના બે કલાકથી વરસેલા અનરાધાર વરસાદની પરિસ્થિતિમાં અમદાવાદ ફાયરના જવાનો
લોકોની વહારે ચઢયા હતા.શહેરના વિવિધ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૫૦થી વધુ લોકોને
સલામત સ્થળે જવાનો દ્વારા ખસેડવામાં આવ્યા હતા.મણિનગરના ભૈરવનાથ પાસે લકઝરી
પાણીમાં ફસાઈ જતા પચાસ પેસેન્જરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારે સાંજથી શરુ થયેલા વરસાદની વચ્ચે અમદાવાદ ફાયર
વિભાગને પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી ગયા હોવાના સતત કોલ મળી રહ્યા હતા.આ
દરમિયાન મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા પાસે વરસાદી પાણીમાં લકઝરી બસ ફસાઈ ગઈ હોવાનો
કોલ મળતા જ ફાયરના જવાનો રેસ્કયૂ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા.બસ આખી
પેસેન્જરોથી ભરેલી હતી.ફાયરના જવાનોએ પચાસ જેટલા પેસેન્જરોને સલામત રીતે બહાર કાઢી
ફાયરના વાહન મારફતે તમામને મણિનગર ફાયર સ્ટેશન સુધી પહોંચાડતા ત્યાંથી લોકો પોતાના
ઘર તરફ અલગ અલગ વાહનની મદદથી પોતાના ઘેર પહોંચ્યા હતા.આ ઉપરાંત પાલડી,વાસણા અને
એસ.જી.હાઈવે સહિતના વિસ્તારોમાંથી પણ લોકો પાણીમાં ફસાયા હોવાના કોલ ફાયર વિભાગને
મળતા ફાયર વિભાગની મદદ માંગનારા સોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
હતા.બોડકદેવ વિસ્તારમાં એક ફલેટની દિવાલ ધરાશાયી થઈ હતી.તેમાંથી પાણી અન્ય ફલેટના
બેઝમેન્ટમાં જતુ હોવાથી લોકોએ ફાયર વિભાગની મદદ માંગતા ફાયર વિભાગ તરફથી પમ્પ આપી
લોકોને પાણી ઉલેચવામાં મદદ કરવામાં આવી હતી.ફાયર વિભાગને રવિવાર રાતના દસથી સોમવારે સવારે છ કલાક
સુધીમાં ગાડીમાં ફસાયેલાના સાત કોલ,
દિવાલ પડવાના બે કોલ,
વૃક્ષ ધરાશાયી થવાનો એક કોલ,
થાંભલો પડવાનો એક કોલ મળ્યો હતો.ઉપરાંત શોટ સર્કીટ થવાના પાંચ કોલ મળવાની સાથે
કુલ સોથી વધુ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા હતા.સોમવારે સવારે છ થી બપોરના બાર સુધીમાં
વૃક્ષ ધરાશાયી થવાના દસ કોલ,
ગાડીમાં ફસાયેલાઓના બે કોલ મળ્યા હતા.કુલ મળીને રવિવાર અને સોમવારની બપોર
સુધીમાં ૧૫૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી
જાણવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.