પાણીની લાઈન નખાઈ ન હોવાથી રોડ પણ બન્યા નથી, વેરો ભરવા છતાં નથી મળી સુવિધા - At This Time

પાણીની લાઈન નખાઈ ન હોવાથી રોડ પણ બન્યા નથી, વેરો ભરવા છતાં નથી મળી સુવિધા


વિધાનસભાની ચૂંટણીમાં મતબહિષ્કારની ચીમકી અપાતા બાંહેધરી અપાઈ પણ લોકસભાની ચૂંટણી સુધી કામ ન થયું.

રાજકોટ શહેરમાં ત્રણ વર્ષ પહેલાં ભળેલા મોટામવા ગામની 25થી વધુ સોસાયટીની મહિલાઓએ રવિવારે કાલાવડ રોડ પર ચક્કાજામ કર્યો હતો માટલાં ફોડ્યા હતા જેથી ટ્રાફિકજામ થતાં મનપા અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પાણીની લાઈન ન હોવાથી ટેન્કર મગાવવા પડે છે અને પાણીની અત્યારથી જ ભારે તંગી થઈ રહી છે. આ ઉપરાંત રોડની હાલત એટલી બિસ્માર છે કે ફેરિયાઓ પણ તેમના વિસ્તારમાં આવી શકતા નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇપણ પરિણામ આવતું નથી. વિધાનસભાની ચૂંટણી વખતે વિસ્તારવાસીઓએ મતદાનના બહિષ્કારની ચેતવણી આપી હતી.તે સમયે આગેવાનોએ આવીને બાંહેધરી આપી હતી કે, સુવિધા મળશે પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને રોડ-રસ્તા બંધ કર્યા છે. સોસાયટીના રહેવાસીઓને 10 વર્ષથી પ્રાથમિક સુવિધા મળતી નથી રૂડામાં પણ રજૂઆતો કરી થાક્યા હતા. જ્યારે વિસ્તાર મનપામાં ભળ્યો ત્યારે આશા જાગી હતી અને તેથી જ તુરંત જ મનપાના વેરા ભરી દેવાયા હતા અને હજુ પણ નિયમિત ભરવામાં આવે છે. પણ, મનપા હજુ સુધી કોઇ સુવિધા આપી શકી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.