રાજકોટ : 41 દરખાસ્ત-56.61 કરોડના કામો મંજૂર: નવા વિસ્તારોમાં પાઇપલાઇન પથરાશે
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટિની આજે મળેલી મીટીંગમાં એજન્ડા પર રહેલી 42 પૈકી 41 દરખાસ્ત સાથે 56.61 કરોડના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતાં. અમૃત મિશન 2.0 યોજના હેઠળ જુદા જુદા વોર્ડમાં નવા પમ્પીંગ સ્ટેશન, ભુગર્ભ લાઇન, પાઇપ લાઇન અને પાણીની લાઇનના કામો મંજુર કરવામાં આવ્યા હતાં.
ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મીટીંગમાં ગત વખતે પેન્ડીંગ રહેલી શાળાના નવા બિલ્ડીંગની દરખાસ્ત જરૂરી સ્પષ્ટતા સાથે મંજૂર કરવામાં આવી હતી તો મવડીમાં પેટ્રોલીયમ કંપનીને જમીન વેચવાની દરખાસ્ત નામંજૂર કરી નવેસરથી પ્રક્રિયા કરવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જુદા જુદા સ્મશાન ગૃહોની ગ્રાન્ટમાં વાર્ષિક રૂા.2.90 લાખનો વધારો કરવા અને જૂવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને ગ્રાન્ટ રૂા.5 લાખમાંથી 10 લાખ કરવા મંજૂરી આપવામાં આવી હતી.
વિકાસ કામોની દરખાસ્તો અંગે ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે અમૃત મિશન 2.0 હેઠળના કામો માટે 46.61 કરોડના કામો મંજૂર કરાયા છે. જેમાં રૈયાધાર, ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરખાસ્તમાં રહેલી ભુલ બદલ તફાવતની 1.44 કરોડની રકમ, વોર્ડ નં.11માં મુંજકા પમ્પીંગ સ્ટેશન પાસે રોડ રીસ્ટોરેસન સાથે ભૂગર્ભ લાઇનનું 14.81 કરોડ, વોર્ડ નં.11માં નવા રીંગ રોડ લાગુ, ટીપી રોડ પર ભૂગર્ભના આવા જ કામ માટે 9.84 કરોડ, મુંજકા અને મોટામવા ગામમાં ડ્રેનેજના આવા જ કામ માટે 7.05 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
અમૃત મિશન હેઠળ જ રૈયાધાર, ડબલ્યુ ટીપીથી બજરંગવાડી હેડવર્કસ સુધી 5.95 કરોડના ખર્ચે પાઇપ લાઇન, વોર્ડ નં.12માં મવડી પાર્ટ અને લાગુ વિસ્તારમાં 7.48 કરોડના ખર્ચે ડીઆઇ પાઇપ લાઇન નેટવર્કનું કામ મીટીંગમાં મંજૂર કરવામાં આવ્યું હતું.
કોર્પોરેશનના જુદા જુદા કર્મચારીઓ અને અધિકારીઓ તથા તેમના પરિવારજનો માટે કુલ 9.98 લાખની મેડીકલ સહાય, કાર્યક્રમના જુદા-જુદા ખર્ચ, સાધન સામગ્રી માટે 9.46 લાખ, ગ્રાન્ટ સહિતની સહાય માટે 23.80 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
આજની મીટીંગમાં વોર્ડ નં. 11માં રાજેશ્ર્વરી પાર્ક અને ધર્મનગરના પ્લોટ, ગોવિંદનગર, વોર્ડ નં.4માં રાજ રેસીડેન્સી, વોર્ડ નં.1માં સમૃધ્ધિ સોસાયટી, વોર્ડ નં.1માં બંસીધર પાર્ક, સંતોષ પાર્ક-4, દ્વારકેશ પાર્ક અને વોર્ડ નં.8માં ઉત્કર્ષ સ્કૂલ સુધીના રસ્તાઓ પર પેવીંગ બ્લોક માટે 1.43 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
વોર્ડ નં. 12ના મવડી અને લાગુ વિસ્તારમાં સાડા સાત કરોડનું પાણી નેટવર્ક ઉભું કરવાનું મહત્વનું કામ મંજૂર કરાયું છે. ઢોર પકડ ટીમ માટે નવા વાહનો ખરીદવા 55.86 લાખ અને વોટર વર્કસ શાખા માટે ટેન્કર ખરીદવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આજની બેઠકમાં 41 દરખાસ્તોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં.5ના આર્યનગરમાં આધુનિક સ્કુલનું નિર્માણ
800 વિદ્યાર્થીઓને મળશે નવી શાળા: 14 ક્લાસરૂમ: 2.80 કરોડનો ખર્ચ મંજૂર કરતી સ્ટે. કમિટિ
મહાપાલિકા દ્વારા સામાકાંઠે વોર્ડ નં.5માં આર્યનગર વિસ્તારમાં આવેલી શાળા નં.72નું જુનું બિલ્ડીંગ પાડી 800 વિદ્યાર્થીઓ માટે નવું સ્કૂલ બિલ્ડીંગ બાંધવા માટેની 2.80 કરોડના ખર્ચની મહત્વની દરખાસ્ત આજની મીટીંગમાં મંજૂર કરવામાં આવી હતી.
ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આ બિલ્ડીંગના બાંધકામમાં પ્રતિ ચોરસ ફુટ ખર્ચની રકમમાં ગત બેઠક વખતે દ્વીધા ઉભી થઇ હતી. પરંતુ સ્પષ્ટતાના અંતે કુલ 1600 ચો.મી.માં શાળાનું નવું બાંધકામ રૂા.1500 ફુટ લેખે થનાર હોવાનું અધિકારીઓએ જણાવતા દરખાસ્ત મંજુર કરાય છે. આ સ્વામી વિવેકાનંદ પ્રાયમરી સ્કૂલ 40 વર્ષ પહેલા બની હોય, બિલ્ડીંગ જર્જરીત અને ભયગ્રસ્ત બન્યું છે. એન્જીનીયરના રિપોર્ટ બાદ નવું બિલ્ડીંગ બનાવવા નિર્ણય લેવાયો છે.
આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બે માળમાં 14 ક્લાસ રૂમ, પ્રાર્થના હોલ, લાઇબ્રેરી, પ્રિન્સીપાલ ઓફિસ, સ્ટાફ રૂમ સહિતનું બાંધકામ થવાનું છે. 2.30 કરોડનું ટેન્ડર બહાર પાડતા આર.કે. ક્ધસ. દ્વારા 22 ટકા ઓનથી કામ કરવા સહમતિ દર્શાવાઇ છે. આથી આ કામ 2.80 કરોડના ખર્ચે કરાશે. આ વિસ્તારના ભુલકાઓને તુરંતમાં અભ્યાસ માટે સારુ વાતાવરણ અને બિલ્ડીંગ મળશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.